મુલુંડના એન્સાઇક્લોપીડિયા તરીકે જાણીતા ભૂતપૂર્વ નગરસેવક જગજીવન તન્નાનું અવસાન

28 November, 2024 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે અનેક વિષયો પર પુસ્તકો પણ લખ્યાં છે. તેમનું ઓગણીસમું પુસ્તક પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે.

જગજીવન મૂળજી તન્ના

મુલુંડના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનારા, મુલુંડની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અને મુલુંડના એન્સાઇક્લોપીડિયા તરીકે જાણીતા ૮૬ વર્ષના ભૂતપૂર્વ નગરસેવક જગજીવન મૂળજી તન્ના ગઈ કાલે સવારે બ્રેકફાસ્ટ કરતાં-કરતાં અવસાન પામ્યા હતા.

જગજીવન તન્ના ૧૯૭૨થી‌ ૧૯૮૩ સુધી જનસંઘ વતી મુંબઈ મહાનગરપાલિકામાં નગરસેવક રહ્યા હતા. તેઓ ૧૯૮૩-’૮૪માં મહાનગરપાલિકાની ઇમ્પ્રૂવમેન્ટ કમિટી પર હતા. આ દરમ્યાન અને ત્યાર પછી પણ તેમણે શૈક્ષણિક ક્ષેત્રે અનેક કાર્યો પાર પાડ્યાં હતાં. મુલુંડમાં ૪૦ વર્ષથી ગાંધી જયંતી નિમિત્તે તેમની આગેવાની હેઠળ પ્રભાતફેરી નીકળતી હતી. શરદ પૂનમના દિવસે ઘરમાં પડી જવાથી તેમને પગમાં ફ્રૅક્ચર આવતાં તેઓ વ્હીલચૅર પર આવી ગયા હતા. આમ છતાં તેમણે સમાજનાં કાર્યો અવિરત ચાલુ રાખ્યાં હતાં. આ ઇલેક્શનમાં તેમણે તેમના મિત્રો અને સહકાર્યકરો સાથે રહીને ગુજરાતી અને કચ્છીઓમાં ૧૦૦ ટકા મતદાનનો નારો લગાવ્યો હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો પણ લખ્યાં છે. તેમનું ઓગણીસમું પુસ્તક પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે.

mumbai news mumbai mulund gujaratis of mumbai celebrity death gujarati community news