જપ્ત કરાયેલી મિલકતોની કરવામાં આવશે હરાજી

24 January, 2023 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશને નાણાકીય કટોકટી દૂર કરવા નવો માર્ગ શોધ્યો : પ્રથમ વખત ટૅક્સ ન ભરનાર લોકોની પ્રૉપર્ટીની બોલી લગાવવામાં આવશે

જપ્ત કરાયેલી મિલકતોની કરવામાં આવશે હરાજી


મુંબઈ : મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશને નાણાકીય તંગી દૂર કરવા માટે નવો માર્ગ શોધી લીધો છે. એ પ્રમાણે ટૅક્સ ન ભરનારા લોકોની જપ્ત કરાયેલી મિલકતોની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ જ વખત બોલી લગાડીને હરાજીની પદ્ધતિ અનુસરવામાં આવશે. આવા નિર્ણયને કારણે ટૅક્સની રકમ પણ વસૂલ થઈ જશે અને કૉર્પોરેશનની તિજોરી પણ ભરાશે. પહેલી અને બીજી ફેબ્રુઆરીએ સવારે ૧૧થી સાંજના પાંચ વાગ્યાની વચ્ચે ભાઈંદર-વેસ્ટમાં નગરભવન (બાબાસાહેબ આંબેડકર ભવન) ખાતે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍડિશનલ કમિશનર અનિકેત મનોરકરે માહિતી આપી હતી કે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટૅક્સ વિભાગ દ્વારા હરાજી થનારી મિલકતોની યાદી જાહેર કરવામાં આવી છે. 
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશને અત્યાર સુધીમાં ટૅક્સ ન ભરવા બદલ મોટી મિલકતના માલિકોની કુલ ૧૫૦ મિલકત જપ્ત કરી છે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ અરજી ફી સાથે કુલ ૫૧,૦૦૦ રૂપિયાની રકમ ટૅક્સ વિભાગમાં જમા કરાવવાની રહેશે.

મીરા-ભાઈંદરમાં કુલ ૩,૪૯,૯૭૭ મિલકતો છે, જેમાંથી ત્રણ લાખ મિલકતો રહેણાક છે અને ૪૯,૯૭૭ કમર્શિયલ છે. વર્તમાન બજેટમાં મિલકત વેરા વસૂલાતનો લક્ષ્યાંક ૩૦૦ કરોડ રૂપિયાથી વધુ રાખવામાં આવ્યો છે. એમાંથી ટૅક્સ વિભાગે પહેલી એપ્રિલથી ૧૮ જાન્યુઆરી સુધીમાં કુલ ૧,૩૦,૫૭,૨૭,૬૭૬ રૂપિયાની વસૂલાત કરી છે. ૧,૦૪,૯૪૫ મિલકતધારકોએ ૫૧,૦૯,૪૬,૮૭૬ રૂપિયા ઑનલાઇન અને ૨,૫૦,૮૭૦ મિલકતધારકોએ ઑફલાઇન દ્વારા ૭૯,૪૭,૮૦,૮૦૦ રૂપિયા ચૂકવ્યા છે. કુલ મિલકતોમાંથી માત્ર ૨,૫૫,૮૧૫ મિલકતધારકોએ વેરો ભર્યો છે અને બાકીના ૯૪,૧૬૨ મિલકતધારકો પાસે હજી ૨,૧૨,૬૮,૦૩,૧૬૩ રૂપિયા બાકી છે.

આ પણ વાંચો: કલા દેવો ભવઃ ભાવ, ભાવના અને ભલાઈ જો હૈયે અકબંધ રહે તો સર્વોચ્ચ કામ સરળ રીતે થાય

પ્રથમ વખત હરાજી બોલી લગાવીને થશે
મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટૅક્સ વિભાગે ટૅક્સ ડિફૉલ્ટર્સની કુલ ૧૫૦ મિલકત જપ્ત કરી છે, જેમના પર ૨૫ કરોડ રૂપિયાથી વધુનો ટૅક્સ બાકી છે. અગાઉ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ મિલકતોની ઑનલાઇન હરાજી કરી હતી. જોકે યોગ્ય પ્રતિસાદના અભાવે એ હરાજી રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે બોલી કરીને હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ ૧૬થી ૩૦ જાન્યુઆરી સુધીમાં સવારે ૧૧થી બપોરના ત્રણ વાગ્યા સુધી ૧,૦૦૦ રૂપિયાની ફી ભરીને ટૅક્સ વિભાગમાંથી એન્ટ્રી લેટર મેળવવાનો રહેશે. ભરેલી અરજી સબમિટ કરતી વખતે અરજદારે અરજી સાથે ૫૦,૦૦૦ રૂપિયાની ડિપોઝિટ ચૂકવવાની રહેશે.

mumbai news mira road bhayander