ઘર ખરીદવા માગતા હો તો સરકારને વધારે પૈસા નહીં આપવા પડે

01 April, 2024 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકારે સતત બીજા વર્ષે રેડી રેકનરના દરમાં કોઈ પણ ફેરફાર કરવાનું માંડી વાળ્યું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈમાં ઘર ખરીદવા માગતા લોકો અને પ્લૉટ ખરીદવા કે પછી રીડેવલપમેન્ટ કરવા ઇચ્છતા બિલ્ડરો માટે સારા સમાચાર એ છે કે આજથી શરૂ થતા નવા ફાઇનૅન્શિયલ વર્ષમાં પણ રાજ્ય સરકારે રેડી રેકનરના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. ગઈ કાલે રાજ્યના મહેસૂલ ખાતાએ આ બાબતનો સર્ક્યુલર બહાર પાડ્યો હતો. કોવિડ પછી ફાઇનૅન્શિયલ યર ૨૦૨૨-’૨૩માં રેડી રેકનરમાં થોડો વધારો કરવામાં આવ્યો હતો. જોકે એ પછી ૨૦૨૩-’૨૪માં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

ગઈ કાલે પૂરા થયેલા ફાઇનૅન્શિયલ યરમાં ૨૦૨૨-’૨૩ની સરખામણીએ મુંબઈમાં ૧૩,૦૦૦ ઘર વધુ વેચાયાં છે. વર્ષ ૨૦૨૩-’૨૪માં કુલ ૧.૩૨ લાખ ફ્લૅટ મુંબઈમાં વેચાયા છે. વળી સરકારને એ ફ્લૅટ વેચાવાથી સ્ટૅમ્પ-ડ્યુટી (ઍગ્રીમેન્ટ વૅલ્યુના ૬ ટકા)ની જબ્બર આવક થતી હોય છે. જો રેડી રેકનરના ભાવમાં વધારો કરાય તો ફ્લૅટની કિંમત વધી જાય છે અને એ પ્રમાણે સ્ટૅમ્પ-ડ્યુટીમાં પણ વધારો થતો હોય છે.

રેડી રેકનરના દર ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે. એ પછી એ સ્ટૅમ્પ-ડ્યુટીની ગણતરી માટે સ્ટૅમ્પ-ડ્યુટીના ડિરેક્ટર જનરલને મોકલવામાં આવતા હોય છે. ત્યાર બાદ સ્ટૅમ્પ-ડ્યુટી વધારવી કે ઘટાડવી જેવો નિર્ણય લઈને પહેલી એપ્રિલથી અમલમાં મૂકવામાં આવતા હોય છે.

મુંબઈમાં ૩૦ માર્ચ સુધીમાં સ્ટૅમ્પ-ડ્યુટીની આવક ૧૦,૫૯૦.૧૯ કરોડ રૂપિયા થઈ હતી જે એની પહેલાંના વર્ષે ૯,૩૭૦.૬૦ કરોડ રૂપિયા હતી. 

વેલ્થ-ટૅક્સનો બેનિફિટ લેવા માર્ચમાં ફ્લૅટની ખરીદી

વેલ્થ-ટૅક્સમાં બેનિફિટ ૩૧ માર્ચ સુધીમાં જ મળી શકતો હોય છે એટલે ઘણા લોકો જૂની પ્રૉપર્ટી વેચી એમાં થયેલા ફાયદા (કૅપિટલ ગેઇન)નું નવું રોકાણ કરતા હોય છે અને ખાસ કરીને પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. જોકે એ માટે ૩૧ માર્ચ સુધીમાં સ્ટૅમ્પ-ડ્યુટી ભરી લેવી જરૂરી હોય છે. આ વખતે મુંબઈમાં ફક્ત માર્ચ મહિનામાં જ ૧૩,૯૩૨ ઘરનું રજિસ્ટ્રેશન થયું છે, જ્યારે દર મહિને ઍવરેજ ૧૧,૦૦૦ ઘરનું રજિસ્ટ્રેશન થતું હોય છે. 

મુંબઈમાં ૬ ટકા, MMRમાં ૭ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી

મુંબઈમાં હાલ ઍગ્રીમેન્ટ-વૅલ્યુના પાંચ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી અને એક ટકો મેટ્રોનો સરચાર્જ એમ કુલ મળી છ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી ભરવી પડે છે, જ્યારે મુંબઈ સિવાય મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં છ ટકા સ્ટૅમ્પ-ડ્યુટી વત્તા એક ટકો સરચાર્જ એમ સાત ટકા ડ્યુટી ભરવી પડે છે.
 
રેડી રેકનરનો ભાવ કઈ રીતે નક્કી થાય?

સામાન્યપણે એક ચોક્કસ વિસ્તારમાં જે ફ્લૅટ વેચાયા હોય એનો ઍવરેજ ભાવ સ્ક્વેર મીટરદીઠ કાઢવામાં આવે છે જે રેડી રેકનરનો ભાવ ગણાય છે. જોકે મુંબઈમાં બજારભાવ રેડી રેકનરના ભાવ કરતાં વધુ જોવા મળતો હોય છે. છેલ્લે ૨૦૨૨માં રેડી રેકનરમાં ભાવ વધારવામાં આવ્યા હતા. એ પછી એમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. 

છેલ્લાં છ વર્ષમાં માર્ચમાં થયેલાં રજિસ્ટ્રેશન 
વર્ષ         રજિસ્ટ્રેશન    સ્ટૅમ્પ-ડ્યુટી (રૂપિયા કરોડમાં)
૨૦૧૯         ૬,૬૧૭        ૫૫૬.૫૦
૨૦૨૦         ૩,૭૯૮        ૩૦૪.૯૩
૨૦૨૧         ૧૭,૭૨૮        ૮૭૪.૮૩
૨૦૨૨         ૧૬,૭૨૧        ૧,૧૬૦.૪૦
૨૦૨૩         ૧૩,૧૫૧        ૧,૨૨૫.૮૮
૨૦૨૪         ૧૩,૯૩૨        ૧,૧૦૫.૧૮ (૩૦ માર્ચ સુધી)

mumbai news mumbai property tax