19 December, 2022 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઠંડીમાં ગરમીનો થાય છે અહેસાસ
હાલમાં ડિસેમ્બર મહિનો ચાલુ છે ત્યારે મસ્તમજાની ગુલાબી ઠંડીનો માહોલ બંધાતો હોય છે, પણ મુંબઈગરાની હાલત ખરાબ છે અને તેમણે પરસેવે રેબઝેબ થવું પડી રહ્યું છે. શુક્ર અને શનિવારે તો આખા દેશમાં સૌથી વધુ પારો મુંબઈમાં અનુક્રમે ૩૫.૪ અને ૩૫.૯ ડિગ્રી નોંધાયો હતો. જોકે વેધશાળાના કહેવા અનુસાર આ ગરમીનો માહોલ લાંબો નહીં ટકે અને ૧૦થી ૧૨ દિવસમાં ગરમી ઓછી થઈ જશે અને ધીમે-ધીમે ઠંડીનો માહોલ સર્જાતો જશે. જો બધું સમુંસૂતરું પાર પડશે તો મુંબઈગરા ન્યુ યર ખરેખર ઠંડીમાં એન્જૉય કરી શકશે.
હાલના આ વાતાવરણ બદલ માહિતી આપતાં રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશામાંથી બંગાળના ઉપસાગર પરથી જમીન પરથી થઈને પવનો પશ્ચિમમાં વાઈ રહ્યા છે જે ગરમ છે અને પોતાની સાથે ભેજ પણ લઈ આવે છે. આ ગરમ પવનો અરબી સમુદ્ર પરના ઠંડા પવન જે જમીન તરફ આવતા હોય છે એમને રોકે છે એટલે હાલમાં ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ ટેમ્પરરી હોય છે અને દરેક ડિસેમ્બરમાં ત્રણથી ચાર દિવસ ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળે છે અને એકાદ વખત પારો ૩૬ ડિગ્રીની ઉપર પણ ગયો છે. જોકે આવનારા દિવસોમાં ગરમી ધીમે-ધીમે ઓછી થતી જશે અને ઠંડીનું પ્રમાણ વધશે. હાલ દિવસ અને રાતના સમયે પણ ટેમ્પરેચર નૉર્મલ કરતાં વધુ હોય છે. થોડા દિવસમાં આમાં બદલાવ આવશે અને ગરમી ઓછી થઈને ઠંડીનું પ્રમાણ વધશે.’