19 December, 2022 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ રવિવારે સૂચવ્યું હતું કે જ્યાં સુધી તેઓ રાજ્ય એકમના પ્રમુખ છે ત્યાં સુધીમાં રાજ્યના સર્વાંગી વિકાસ માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનવા જોઈએ.
ચંદ્રશેખર બાવનકુળેના આ નિવેદનના મહિનાઓ પહેલાં તેમના પુરોગામી ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે પક્ષે ભારે હૈયે નિર્ણય લીધો છે કે દેવેન્દ્ર ફડણવીસને બદલે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાનપદ સંભાળવું જોઈએ.
રાજ્ય એકમ પ્રમુખના નિવેદનથી વિરોધ પક્ષોએ ભાજપની આકરી ટીકા કરી છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)એ કહ્યું છે કે આ નિવેદન દર્શાવે છે કે ભાજપને હાલના મુખ્ય પ્રધાનની કોઈ કિંમત નથી.
નાગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી હું ભાજપના રાજ્ય એકમનો પ્રમુખ છું ત્યાં સુધીમાં દેવેન્દ્ર ફડણવીસ...’ આટલું કહીને તેઓ હાજર લોકોનો પ્રતિભાવ જાણવા થંભ્યા હતા.
ત્યાં હાજર બે-ત્રણ વ્યક્તિ બોલી ઊઠી હતી કે ‘મુખ્ય પ્રધાન બનવા જોઈએ’. ત્યારે ચંદ્રશેખર બાવનકુળેએ વક્તવ્ય આગળ ધપાવતાં કહ્યું હતું કે ‘આપણે એ રીતે કામ કરવું જોઈએ કે તેઓ (દેવેન્દ્ર ફડણવીસ) એ (મુખ્ય પ્રધાનનો) હોદ્દો ધારણ કરે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે આમ થવું જોઈએ.’