21 May, 2023 09:33 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ શુક્રવારે ૨,૦૦૦ રૂપિયાની નોટોને લઈને મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. આરબીઆઇએ પહેલાં ૨,૦૦૦ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું, પરંતુ નોટોને ચલણમાં રાખવામાં આવી હતી. હવે આરબીઆઇએ ચલણમાંથી ૨,૦૦૦ની નોટ પાછી ખેંચી લેવાના નિર્ણયની જાહેરાત કરતાંની સાથે જ મુંબઈમાં જ્વેલર્સે ૨,૦૦૦ રૂપિયાની નોટ દ્વારા સોનું ખરીદનારાઓ માટે ભાવમાં વધારો કર્યો હતો. ૨,૦૦૦ની નોટ આપીને સોનું ખરીદનારાઓ માટે ૧૦ ગ્રામ માટે ૭૦,૦૦૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો અને લોકોએ ચૂકવ્યા પણ હતા. એ સાથે ચાંદીનો પ્રતિ કિલોની ખરીદી માટે ૭૨,૦૦૦થી ૭૪,૦૦૦ રૂપિયાનો ભાવ બોલાયો હતો. આમ નોટબંધીનો લાભ વેપારીઓ લઈ રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.
જે લોકોની પાસે ૨,૦૦૦ રૂપિયાની વધુ નોટો છે તેઓ બૅન્કમાં જમા કરાવવા જશે ત્યારે પૈસા ભરતાંની સાથે આઇટીમાં તેમની વાર્ષિક કમાણી પૂછવામાં આવશે અને એ મુજબ તેમણે ટૅક્સ ભરવો પડશે. વધુ રોકડ જમા કરાવ્યા બાદ સરકાર પણ પૂછે એવી શક્યતા છે. એને કારણે સોના-ચાંદીની ખરીદી થઈ રહી છે. એ સાથે સોનું અને ચાંદી લઈ રાખવું અને વેચવું સરળ છે. ૨૦૧૬માં નોટબંધી બાદ પણ સોના-ચાંદીના ભાવમાં વધારો થયો હતો અને એ સમયે સોનું ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયામાં વેચાયું હતું.
આવતા વખતમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થશે એવી માહિતી આપતાં એક વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨,૦૦૦ રૂપિયાની નોટ બંધ થયા બાદ લોકો સોનું-ચાંદી ખરીદી રહ્યા છે એટલે ભાવમાં વધારો થવાની સંભાવના છે. આ મહિનાના અંત સુધીમાં સોનું ૭૦,૦૦૦થી ૭૫,૦૦૦ રૂપિયા અને ચાંદી ૭૫,૦૦૦થી ૮૦,૦૦૦ હજાર રૂપિયા પ્રતિ કિલો વેચાય એવી શક્યતા છે.’
જે લોકો પાસે ૨,૦૦૦ રૂપિયાની વધુ નોટો છે તેઓ બૅન્કમાં જમા કરાવવા જશે ત્યારે પૈસા ભરતાની સાથે આઇટીમાં તેમની વાર્ષિક કમાણી પૂછવામાં આવશે અને એ મુજબ તેમણે ટૅક્સ ભરવો પડશે. એને કારણે સોના-ચાંદીની ખરીદી થઈ રહી છે. એ સાથે સોનું અને ચાંદી લઈ રાખવું અને વેચવું સરળ છે.