પૅસેન્જર ટ્રેનો ટ્રાવેલ કરવા મેલ-એક્સપ્રેસનાં ભાડાં હવે નહીં ચૂકવવા પડે?

24 February, 2024 07:24 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

રેલવેના પ્રવાસીઓ માટે સારા સમાચાર : કોરોના વખતે લાંબા અંતરની અનેક ટ્રેનો સ્પેશ્યલ ટ્રેનોના નામે દોડાવવામાં આવી હતી અને ભાડું વધારે લેવાતું હતું એ દૂર થવાની શક્યતા : પ્રવાસીઓ અને રેલવે અસો‌સિએશનની નારાજગી દૂર થશે

બાંદરા-વાપી પૅસેન્જર ટ્રેનમાં પહેલાં ૩૫ રૂપિયામાં જઈ શકાતું હતું, એના ૭૦ રૂપિયા લેવામાં આવતા હતા.

કોરોનાકાળ દર‌મ્યાન પ્રવાસીઓ ઓછો પ્રવાસ કરે એ હેતુથી રેલવેએ લાંબા અંતરની અનેક ટ્રેનોને સ્પે‌શ્યલ ટ્રેન તરીકે દોડાવી હતી. જોકે કોરોના ગયો એને ત્રણ વર્ષ થયા બાદ પણ મેમુ, ડેમુ અને પૅસેન્જર ટ્રેનોને સ્પેશ્યલ ટ્રેન તરીકે જ દોડાવવામાં આવી રહી છે. કોરોના વખતથી જ પૅસેન્જર ટ્રેનોનાં ભાડાં મેલ-એક્સપ્રેસનાં ભાડાં પ્રમાણે લેવામાં આવી રહ્યાં છે. જોકે આ પૅસેન્જર ટ્રેનોમાં સૌથી વધુ પ્રવાસ દરરોજ લાંબા અંતરથી નોકરીએ આવતા અને મધ્યમવર્ગીય તથા શ્રમિકો કરતા હોય છે. આવા પ્રવાસીઓ માટે દરરોજનું મેલ-એક્સપ્રેસ જેટલું ભાડું ચૂકવવું આર્થિક રીતે મુશ્કેલ બની રહ્યું હતું. પ્રવાસીઓ માટે અઘરો પ્રશ્ન બનીને ઊભેલી આ સમસ્યા ‌વિશે ‘મિડ-ડે’એ તાજેતરમાં સવિસ્તર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલની કૉપી અનેક રેલવે પ્રવાસીઓથી લઈને રેલવે અસો‌સિએશન દ્વારા રેલવેના વ‌િવિધ વિભાગ, રેલવેપ્રધાન વગેરેને ટ્વીટ કરવામાં આવી અને રેલવે પ્રશાસન સામે પ્રશ્ન ઊભો કર્યો હતો. જોકે તાજેતરમાં રેલવે વહીવટી તંત્રનો ‌વિવિધ બોર્ડ પર મેમુ, પૅસેન્જર, ડેમુ વગેરે બંધ થયા પછી ટ્રેનની ટિકિટના ભાવમાં કરાયેલો વધારો પાછો ખેંચાય એવી શક્યતા છે. એટલે રેલવેના પ્રવાસીઓને મોટી રાહત થાય એમ છે. 
રેલવેની મેમુ, ડેમુ અને પૅસેન્જર ટ્રેનના પ્રવાસીઓ દરરોજ લાંબા અંતરથી આવતા હોય છે, જેમાં વધુ ગરીબ, શ્રમિકો અને ગ્રામીણ લોકો વધુ પહોય છે. જોકે કોરોનાકાળ વખતે પ્રવાસીઓ ટ્રેનમાં ઓછો પ્રવાસ કરે જેથી કોરોના સંક્રમણ નિયંત્રણમાં રહે એ હેતુસર લાંબા અંતરની મેમુ, ડેમુ અને પૅસેન્જર ટ્રેનોને સ્પેશ્યલ ટ્રેનો તરીકે દોડાવવામાં આવતી હતી, એથી આ બધી ટ્રેનોની ટિકિટનું ભાડું મેલ-એક્સપ્રેસ પ્રમાણે લેવાઈ રહ્યું હતું. આ ભાડું પૅસેન્જર ટ્રેનોની ટિકિટનાં ભાડાં કરતાં બમણાં હોવાથી એ પોસાય એમ નહોતું એથી રેલવે પ્રવાસીઓની લૂંટ થતી હોવાથી રેલવે પ્રવાસીઓથી લઈને રેલવે અસોસિએશન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જોકે તાજેતરમાં સાઉથ વેસ્ટર્ન રેલવેના કન્ટ્રોલરનો પત્ર બહાર આવ્યો છે કે સામાન્ય ટ્રેનોનાં ભાડાંમાં થયેલો વધારો ઘટાડીને નિયમિત કરવામાં આવે. એથી વેસ્ટર્ન રેલવે દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે કે મેમુ, ડેમુ અને પૅસેન્જર ટ્રેનોમાં થયેલો ભાડાવધારો પાછો ખેંચાશે.

આ વિશે વાત કરતાં દહાણુ-વૈતરણા પ્રવાસી સેવા સંસ્થાના સભ્ય મહેશ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રવાસીઓ ટિકિટનાં ડબલ ભાડાં ભરી રહ્યા હોવાથી ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. ઉદાહરણ તરીકે બાંદરા ટર્મિનલ-વાપી પૅસેન્જર ટ્રેનમાં ૩૫ રૂ‌પિયામાં મળતી ટિકિટના ૭૦ રૂપિયા વસૂલાય છે. જ્યારે આ બધી ટ્રેનોમાં દરરોજ કમાઈને ખાતા પ્રવાસીઓ, શ્રમ‌િકો અને ગરીબ પ્રવાસીઓ વધુ પ્રવાસ કરતા હોય છે એથી મેમુ, ડેમુ અને પૅસેન્જર ટ્રેનમાં કોવિડ વખતે ટ્રેનની ટિકિટના ભાવમાં કરાયેલો વધારો પાછો ખેંચાય એવી શક્યતા હોવાથી ખૂબ રાહત મળી રહેશે. પબ્લિક ગ્રીવન્સ પૉર્ટલ અને રાઇટ ટુ ઇન્ફર્મેશન અરજીઓ દ્વારા અમે પણ ફૉલોઅપ કર્યું હતું. આવા તમામ પ્રયાસ અમારી સંસ્થા સહિત ‘મિડ-ડે’એ ‌વિશેષ અહેવાલ પ્ર‌સિદ્ધ કરતાં સફળતા મળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. સાઉથ વેસ્ટર્ન રેલવેના કન્ટ્રોલરનો પત્ર બહાર આવ્યો છે કે સામાન્ય ટ્રેનોનાં ભાડામાં થયેલો વધારો હવે ઘટાડીને નિયમિત કરવામાં આવે. વેસ્ટર્ન રેલવે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરે એવી શક્યતા છે.’

વધુ માહિતી આપતાં રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોવિડ દરમ્યાનના લૉકડાઉન પછી અનરિઝર્વ્ડ ટ્રેનો એટલે કે મેમુ, ડેમુ અને પૅસેન્જર ટ્રેનોને બદલીને ‘એક્સપ્રેસ’ કરવામાં આવી હતી અને એ મુજબ ભાડાંમાં વધારો કરવામાં આવ્યો હતો. અનેક રેલવે પ્રવાસી સંગઠનોએ રેલવે બોર્ડ, રેલવે પ્રધાન, રેલવે રાજ્ય પ્રધાન અને રેલવેના અધિકારીઓને ભાડાંમાં ઘટાડો કરવા પત્ર પાઠવ્યા હતા એથી ભાડાં પહેલાં જેવાં થાય તો પ્રવાસીઓને રાહત રહેશે.’
ફોટોલાઇનઃ 

 

mumbai news mumbai mumbai local train mumbai trains