મીઠ ચૌકી ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, પણ રાહદારીઓની સમસ્યા યથાવત્

07 October, 2024 09:16 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

સ્થાનિક રહેવાસીઓએ અધૂરું કામ, રસ્તો ક્રૉસ કરવા માટે ક્રૉસિંગનો અભાવ અને સલામતીનો અભાવ જેવા મહત્ત્વના મુદ્દા ઉપસ્થિત કર્યા

મીઠ ચૌકી જંક્શનની ઉપરથી પસાર થતો નવો ફ્લાયઓવર (ડાબે) અને ગઈ કાલે એના ઉદ્ઘાટન વખતે BJP-કૉન્ગ્રેસ વચ્ચે યશ ખાટવા જોવા મળેલી ચડસાચડસી. તસવીરો : નિમેશ દવે

માર્વેથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જોડતો મલાડમાં મીઠ ચૌકી પાસેનો ‘ટી’ શેપનો ફ્લાયઓવર ખુલ્લો મુકાઈ ગયો છે, પણ સ્થાનિક રહેવાસીઓએ એનાં અધૂરાં કામને લીધે અને ક્રૉસિંગ માટે કોઈ સુવિધા ન હોવાથી રાહદારીઓની સલામતીનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે. આ ફ્લાયઓવરને લગતી સમસ્યાના નિરાકરણ વિના ઉતાવળે એ ખુલ્લો મુકાયો હોવાનું સ્થાનિક નાગરિકો માની રહ્યા છે.

આ ફ્લાયઓવર માત્ર ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને લાઇટ મોટર વેહિકલો માટે છે, કારણ કે ઉપરથી મેટ્રો લાઇન 2A પસાર થાય છે. માર્વેથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તરફનો ભાગ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પણ માર્વેથી ગોરેગામ તરફનો હિસ્સો ડિસેમ્બરના અંતમાં ખુલ્લો મુકાવાની આશા છે. આ ફ્લાયઓવરના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જૅમની સમસ્યામાંથી લોકોને રાહત રહેશે.

ઘણું કામ અધૂરું

આ સંવાદદાતાએ ફ્લાયઓવર શરૂ થયા બાદ ત્યાંની મુલાકાત લીધી ત્યારે ઘણી બાબતોમાં કામ અધૂરું હોવાનું જણાઈ આવ્યું હતું. વળી દૌલતનગર રહેવાસી અસોસિએશને પણ રાહદારીઓની સલામતી બાબતે રોષ પ્રગટ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સુધરાઈને વારંવાર યાદ અપાવવા છતાં તેમણે બ્રિજની નીચે રસ્તો ક્રૉસ કરવા માગતા રાહદારીઓનો કોઈ વિચાર કર્યો નથી. આમ સ્થાનિક રહેવાસીઓને ભારે તકલીફ થવાની છે. આ ફ્લાયઓવરની નીચેની દીવાલો રંગી દેવામાં આવી છે, પણ એ કામ અધૂરું છે. દીવાલમાં ઘણી જગ્યાએ ગૅપ નજરે પડે છે જે સલામતીનો ખતરો દર્શાવે છે.

સ્થાનિક રહેવાસીઓ નારાજ

આ વિસ્તારમાં આવેલી ગિરધર પાર્ક સોસાયટી (Aથી E વિંગ)ના સેક્રેટરી સુશાંત સાહાએ જણાવ્યું હતું કે ‘આ ફ્લાયઓવરથી અમારી સોસાયટીને સૌથી વધારે મુશ્કેલી થવાની છે. એની નીચે રસ્તો ક્રૉસ કરવા કોઈ સુવિધા નથી. અમારી સોસાયટી રોડની આ તરફ છે અને દુકાનો સામેની સાઇડમાં છે. રસ્તો ક્રૉસ કરવાની કોઈ સુવિધા નથી. વળી એની નીચેથી ઍમ્બ્યુલન્સ જેવાં વાહનો પસાર કરવાની પણ સુવિધા નથી એથી અમારે રસ્તો ક્રૉસ કરવા કે ઇમર્જન્સી વાહનોને આવવા માટે લાંબો ચક્કર કાપવો પડશે. સિનિયર સિટિઝનો અને સ્કૂલનાં બાળકોને સૌથી વધારે મુશ્કેલી થશે.

૧૭૪ પરિવારોને મુશ્કેલી

આ સોસાયટીમાં ૧૭૪ પરિવાર રહે છે અને આશરે ૨૫૦૦થી ૩૦૦૦ લોકોની વસ્તી છે. ફ્લાયઓવરના નિર્માણ વખતે તેમને પૂછવામાં આવ્યું નહોતું એવો આ સોસાયટીના મેમ્બરોનો આરોપ છે. બાંધકામ શરૂ થયું ત્યારથી જ તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બે વર્ષ સુધી અહીં સ્ટ્રીટ લાઇટોની સમસ્યા હતી.

યશ ખાટવા બન્ને પાર્ટીનાં બૅનર

આ ફ્લાયઓવર બાંધવાનો રાજકીય લાભ ખાટવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને સ્થાનિક કૉન્ગ્રેસ વિધાનસભ્ય અસલમ શેખના કાર્યકરોએ ફ્લાયઓવરની આસપાસના વિસ્તારોમાં બૅનરો લગાવી દીધાં હતાં. બન્ને પાર્ટીના કાર્યકરો વચ્ચે અથડામણ પણ થઈ હતી. આ વિસ્તારમાં પોલીસબંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પીયૂષ ગોયલના હસ્તે ઉદ્ઘાટન

કેન્દ્રીય પ્રધાન અને નૉર્થ મુંબઈના સંસદસભ્ય પીયૂષ ગોયલે બપોરે આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. એ સમયે સ્થાનિક વિધાનસભ્ય અસલમ શેખ અને સુધરાઈના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૪૫ કરોડનો ખર્ચ, બે વર્ષમાં કામ પૂરું
૮૦૦ મીટર લાંબો આ ફ્લાયઓવર બાંધવા માટે ૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ ફ્લાયઓવર બાંધવાનો વિચાર ૨૦૧૪માં આવ્યો હતો, પણ મેટ્રો લાઇન 2Aની જાહેરાતના પગલે એ પડતો મુકાયો હતો. ૨૦૨૨માં મેટ્રો લાઇન 2A શરૂ થયા બાદ એનું કામકાજ શરૂ થયું હતું. એના પરથી માત્ર લાઇટ વેહિકલ પસાર થશે.

mumbai news mumbai malad western express highway mumbai traffic piyush goyal bharatiya janata party