હવામાં થયો દર્દનાક અકસ્માત! ૩૭ ફ્લેમિંગોનાં મોત

21 May, 2024 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Flamingos Death in Mumbai: ઘાટકોપરમાં બન્યો બનાવ, પ્લેન સાથે ટકરાવાથી ફ્લેમિંગોનાં મોત

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (Mumbai) માં એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એક ફ્લાઇટ સાથે ટકરાવવાથી ૩૭ ફ્લેમિંગોનાં મોત (Flamingos Death in Mumbai) થયાં છે.

શહેરના ઘાટકોપર (Ghatkopar) વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ ઓછામાં ઓછા ૩૭ ફ્લેમિંગો મૃત હાલતમાં મળી આવ્યા છે. વન્યજીવન કલ્યાણ જૂથના સભ્યએ મંગળવારે આ ઘટનાની જાણ કરી. `રેસ્કિંક એસોસિએશન ફોર વાઇલ્ડલાઇફ વેલફેર` (Resqink Association for Wildlife Welfare - RAWW) ના સ્થાપક અને વન વિભાગના માનદ વન્યજીવ વોર્ડન પવન શર્મા (Pawan Sharma) એ જણાવ્યું હતું કે, ઘાટકોપરમાં કેટલાક સ્થળોએ મૃત પક્ષીઓ જોવા મળતા હોવાના ઘણા લોકોને ફોન આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃત પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

ઘાટકોપરના પંત નગર (Pant Nagar) ના લક્ષ્મી નગર (Laxmi Nagar) વિસ્તારમાં સોમવારે રાત્રે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર લેન્ડિંગ કરતું પ્લેન ફ્લેમિંગોના ટોળા સાથે અથડાયું હતું, જેના પરિણામે ૩૭ ફ્લેમિંગોના મોત થયા હતા. આ વિસ્તારમાં વધુ ઘાયલ ફ્લેમિંગોની શોધ ચાલી રહી છે.

મુંબઈ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે ૯.૧૮ વાગ્યે એમિરેટ્સ (Emirates) ની ફ્લાઈટ નંબર EK 508 છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર ઉતરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન લેન્ડિંગના અંતિમ તબક્કામાં હતું. પરંતુ પક્ષીઓના ટકરાવવાથી ઉતરાણ પર કોઈ અસર થઈ ન હતી. પાયલોટ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં સફળ રહ્યો. પ્લેન લેન્ડ થતાંની સાથે જ એરપોર્ટ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી કે ફ્લેમિંગો માર્યા ગયા છે. હાલમાં એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે અને એરક્રાફ્ટ એન્જિનિયરો એરક્રાફ્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે.

મેન્ગ્રોવ કન્ઝર્વેશન ડિવિઝન (Mangrove Conservation Division) ના અધિક મુખ્ય વન સંરક્ષક એસ. વાય રામારાવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વિસ્તારમાંથી ૨૯ ફ્લેમિંગોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં વધુ ફ્લેમિંગો માર્યા ગયા છે કે કેમ તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. આ ઘટના લક્ષ્મી નગર (ઘાટકોપર પૂર્વના ઉત્તરીય છેડા) પાસે બની હતી અને એરપોર્ટ પ્રશાસને પક્ષીઓની અથડામણની ઘટનાની પુષ્ટિ કરી છે.

મેન્ગ્રોવ કન્ઝર્વેશન યુનિટના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રશાંત બહાદરેએ જણાવ્યું હતું કે, જ્યારે હું એરપોર્ટ ગયો ત્યારે અધિકારીઓએ મને અંદર જવાની મંજૂરી આપી ન હતી. એરપોર્ટ અધિકારીઓએ અમને જણાવ્યું છે કે આ ફ્લેમિંગો અમીરાતની ફ્લાઈટ સાથે અથડાયા હતા. આ ઘટના રાત્રે ૮.૪૦ થી ૮.૫૦ વચ્ચે બની હશે. અમને એક સ્થાનિક રહેવાસીનો ફોન આવ્યો, ત્યારબાદ અમારી ટીમ રાત્રે ૯.૩૦ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી.

આ ઘટનાના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. સોમવારની મોડી રાત સુધી શોધખોળ ચાલુ હોવાથી ૨૯ જેટલા ફ્લેમિંગોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે મંગળવારે સવારે વધુ ચારથી પાંચ મૃતદેહો મળી આવ્યા હતા.

નોંધનીય છે કે, મુંબઈ અને નવી મુંબઈ (Navi Mumbai) ના દરિયાકાંઠાના વિસ્તારો ફ્લેમિંગોના પ્રખ્યાત નિવાસસ્થાન છે. આ સ્થળાંતર કરનારા ફ્લેમિંગો ડિસેમ્બરની આસપાસ આ કિનારે પહોંચે છે અને માર્ચ અને એપ્રિલ સુધી જોવા મળે છે. તાજેતરના સમયમાં, ફ્લેમિંગોનો વસવાટ જોખમમાં આવી ગયો છે. આ પહેલા પણ નવી મુંબઈમાં સાઈન બોર્ડ સાથે અથડાઈને કેટલાક ફ્લેમિંગોના મોત થયા હતા.

ghatkopar chhatrapati shivaji international airport mumbai airport mumbai mumbai news wildlife