21 March, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પેરન્ટ્સ સાથે દિશા સાલિયન
તેના પપ્પાએ કોર્ટમાં પિટિશન દાખલ કરીને કહ્યું કે મારી દીકરીએ આત્મહત્યા નહોતી કરી, ગૅન્ગરેપ કરીને તેનું મર્ડર કરવામાં આવ્યું હતું : આખા કેસની નવેસરથી CBI પાસે તપાસ કરાવવાની માગણી સાથે આદિત્ય ઠાકરે સામે ગુનો દાખલ કરવાની કરી ડિમાન્ડ
બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનના મૃત્યુના મામલામાં દિશાના પિતા સતીશ સાલિયને બૉમ્બે હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે જેમાં તેમણે દિશા સાલિયને આત્મહત્યા નહોતી કરી પણ તેની હત્યા કરવામાં આવી હોવાનું કહીને આ કેસની નવેસરથી તપાસ કરવાની માગણી કરી છે. એટલું જ નહીં, આદિત્ય ઠાકરે સામે ગુનો નોંધીને આખા કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ટ્રાન્સફર કરવાની પણ તેમણે ડિમાન્ડ કરી છે. દિશાના પિતાની માગણીથી પાંચ વર્ષ જૂના દિશા સાલિયન અને સુશાત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ખળભળાટ મચી ગયો છે.
દિશાના પિતા સતીશ સાલિયને મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી જેમાં તેમણે દિશાની હત્યા એ ટોચના નેતાઓ, પોલીસ અને બૉલીવુડના ઍક્ટરોનું કાવતરું હોવાનો દાવો કર્યો છે.
સતીશ સાલિયને પિટિશનમાં કયા દાવા અને માગણી કરી છે?
દિશા સાલિયન પાસે શિવસેનાના વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે અને તેના ક્રાઇમ સિન્ડિકેટની વિસ્ફોટક માહિતી હતી. બૉલીવુડની પાર્ટીઓમાં સગીર કિશોરીઓનું શારીરિક શોષણ થતું હતું એની દિશા સાક્ષી હતી. આવી પાર્ટીઓમાં આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી સહિતના લોકો સામેલ હતા. દિશા ક્યારેય કોઈને આ બાબતે જાણ ન કરી શકે એટલે તેની હત્યા કરવામાં આવી હતી. ફૉરેન્સિક પુરાવા, સાક્ષીઓનાં નિવેદન અને કૉલ-રેકૉર્ડ્સ પરથી કન્ફર્મ થાય છે કે દિશા પર ગૅન્ગરેપ કર્યા બાદ તેની હત્યા કરીને મૃતદેહ બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવ્યો હતો અને ઉપરથી પડી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ૧૪મા માળ પરથી પડ્યા છતાં દિશાના મૃતદેહની આસપાસ લોહીના ડાઘ નહોતા અને કોઈ ફ્રૅક્ચર પણ નહોતાં.
દિશા સાલિયન અને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુમાં લિન્ક છે. બન્નેની હત્યા પ્લાનિંગ કરીને કરવામાં આવી છે. દિશાના મૃત્યુ બાદ સુશાંત સિંહ રાજપૂત ખૂબ ડરી ગયો હતો અને તેણે તેના નજીકના લોકોને કહ્યું હતું કે દિશાની હત્યા કરનારાઓ મને પણ મારી નાખશે. એવા ડરને લીધે સુશાંત સિંહે તેના બેડરૂમમાં સૂવાનું બંધ કરી દીધું હતું. પોતાના પર સતત નજર રાખવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતાં સુશાંત સિંહે વારંવાર તેના મોબાઇલ નંબર બદલ્યા હતા. આરોપીઓને ખુલ્લા પાડવા માટે સુશાંત સિંહ પ્રેસ-કૉન્ફરન્સ યોજવાનો હતો, પણ એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. આદિત્ય ઠાકરે માટે કામ કરતી અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સંવેદનશીલ માહિતી આદિત્ય ઠાકરે અને તેની સિન્ડિકેટને આપ્યા બાદ બન્નેની હત્યા કરવામાં આવી હતી.
હાઈ કોર્ટના સુપરવિઝનમાં આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવે. સાક્ષીઓ, વ્હિસલ-બ્લૉઅર, પત્રકારો, વકીલો અને વ્હિસલ-બ્લૉઅર ઑફિસર સમીર વાનખેડેને પ્રોટેક્શન આપવામાં આવે. પુરાવા સાથે ચેડાં કરનારા માલવણી પોલીસ સ્ટેશનના અધિકારીઓની ધરપકડ કરવામાં આવે. ડિલીટ કરવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ, ફાઇલ અને બનાવટી ફૉરેન્સિક રિપોર્ટ રિકવર કરવામાં આવે અને આ કેસ મહારાષ્ટ્રની બહાર ટ્રાન્સફર કરવામાં આવે.
દિશાની હત્યા કરવામાં આવી ત્યારે મોબાઇલ ટાવરના ડેટા મુજબ આદિત્ય ઠાકરે અને સૂરજ પંચોલી ઘટનાસ્થળે હાજર હતા. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના તત્કાલીન ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આદિત્ય ઠાકરે અને રિયા ચક્રવર્તીની ચૅટના રેકૉર્ડ રિકવર કર્યા હતા જેમાં હત્યાના કાવતરામાં બન્ને સામેલ હોવાનું જણાઈ આવે છે.
સમીર વાનખેડેને રિસ્પૉન્ડન્ટ બનાવીને તેમણે આ કેસમાં એકત્રિત કરેલા ડિજિટલ અને ફૉરેન્સિક પુરાવા કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે. દિશા અને સુશાંત સિંહના પોસ્ટમૉર્ટમના રિપોર્ટ કેવી રીતે મૅનિપ્યુલેટ કરવામાં આવ્યા હતા અને એ કેવી રીતે લીક થયા એની તપાસ થવી જોઈએ.
દિશાની હત્યાની તપાસ કરવા માટેના નિર્દેશ આપવાની માગણી કરતી અરજી ઍડ્વોકેટ રાશિદ ખાને બૉમ્બે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કરી છે એની સાથે આ પિટિશનને જોડી દેવામાં આવે.
આદિત્ય ઠાકરે અને કિશોરી પેડણેકર સામે FIR નોંધવાની માગણી
કિશોરી પેડણેકરે પોતાના પર નજર રાખી હતી અને ચૂપ રહેવાનું કહ્યું હતું. તેઓ ઉદ્ધવ ઠાકરેના નજીકનાં છે એટલે તેમની સામે પણ FIR નોંધીને તપાસ કરવામાં આવે. કિશોરી પેડણેકરે આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના કહેવાથી કેસના સાક્ષીઓને નિવેદન નોંધાવતાં અટકાવ્યા છે. દિશાની હત્યા કરવામાં આવી હોવાનું અનેક વખત કહેનારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નારાયણ રાણે અને વિધાનસભ્ય નિતેશ રાણેને ખોટા પાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પોલીસની તપાસને ખોરંભે ચડાવીને બીજી દિશા આપવાનો પ્રયત્ન કર્યો છે.
દિશા સાલિયન અને સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ થયાં હતાં એ સમયના ૨૦૨૦ની ૩ જૂનથી ૨૦૨૦ની ૨૦ જૂન દરમ્યાનના આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી, ડિનો મોરિયા, એકતા કપૂર, સચિન વાઝે, રિયા ચક્રવર્તી, ઇમ્તિયાઝ ખત્રી, શૌવિક ચક્રવર્તી, આદિત્ય ઠાકરેના સિક્યૉરિટી ગાર્ડ, દિશાના બૉયફ્રેન્ડ રોહન રાય અને હિમાંશુ શિખરેના મોબાઇલ ટાવર લોકેશન અને કૉલ-ડેટા રેકૉર્ડ્સ કોર્ટમાં રજૂ કરવામાં આવે.
રિયા ચક્રવર્તી, ડિનો મોરિયા, સૂરજ પંચોલી, એકતા કપૂર, રોહન રાય વગેરેના કૉલ રેકૉર્ડ્સ ચકાસવાની માગણી
ભવિષ્યમાં આવા હાઈ-પ્રોફાઇલ કેસમાં આદિત્ય ઠાકરે કે ઉદ્ધવ ઠાકરે જેવા વગદાર નેતાઓ તપાસમાં પોતાની વગનો ઉપયોગ ન કરે એ માટે ગાઇડલાઇન્સ બહાર પાડવી જોઈએ તેમ જ તેમના પર દેખરેખ રાખવા માટે સ્વતંત્ર મૉનિટરિંગ સિસ્ટમ બનાવવી જોઈએ.
શું છે દિશા સાલિયન પ્રકરણ?
બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનનું ૨૦૨૦ની ૮ જૂને મલાડમાં આવેલા એક બિલ્ડિંગના ૧૪મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હોવાનું પોલીસે કહ્યું હતું. એના આધારે જ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ કરી હતી. જોકે દાદરમાં રહેતી ૨૮ વર્ષની દિશાએ આત્મહત્યા નહીં પણ તેની હત્યા કરવામાં આવી છે અને એમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેનો હાથ હોવાનો દાવો ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નીતેશ રાણેએ કર્યા બાદ આ મામલામાં અનેક આરોપ અને પ્રત્યારોપ થઈ રહ્યા છે.