01 May, 2024 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માત
મુંબઈ-આગરા રોડ પર આવેલા ચાંદવડથી નાશિક જઈ રહેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસનો ગઈ કાલે સવારે ૯થી ૯.૩૦ વાગ્યા વચ્ચે રાહુડ ઘાટમાં અકસ્માત થયો હતો. બસ-ડ્રાઇવરે આગળ જઈ રહેલી ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસને ટ્રક સાથે અથડાવી દીધી હતી. એ વખતે બસમાં ૪૨ પ્રવાસીઓ હતા.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ફુરચેફુરચા ઊડી ગયા હતા. બસ વચ્ચેથી બે ભાગમાં ચિરાઈ ગઈ હતી. ઘટનાસ્થળે જ પાંચ પ્રવાસીઓનાં મોત થયાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ નજીકના ગામવાસીઓ, સ્થાનિક પોલીસ અને પ્રશાસન દોડતાં થઈ ગયાં હતાં અને ઘાયલ લોકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ૯ જેટલા ઘાયલ લોકોને ચાંદવડ ઉપજિલ્લા સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યા મુજબ બસનું ટાયર એ જ વખતે ફાટ્યું હોવાથી ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં વધારો થાય એવી સંભાવનાઓ જણાઈ રહી છે. અકસ્માતને કારણે ટ્રાફિક-જૅમ થયો હતો અને પાછળ વાહનોની લાઇન લાગી હતી. સ્થાનિક ટ્રાફિક-પોલીસ દ્વારા બન્ને વાહનોને હટાવીને રસ્તો ક્લિયર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.