ભુશી ડૅમના ઉપરવાસમાં એક જ પરિવારના પાંચ જણ તણાઈ ગયા, ત્રણના મૃતદેહ મળ્યા

01 July, 2024 08:43 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

એક મહિલા અને બે છોકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે બે જણ ગઈ કાલે મોડી રાત સુધી મિસિંગ હતા.

ભુશી ડૅમ

લોનાવલાના ભુશી ડૅમ પર ફરવા ગયેલા પુણેના એક જ પરિવારના પાંચ જણ તણાઈ ગયા હોવાની ઘટના ગઈ કાલે બની હતી. એમાંથી એક મહિલા અને બે છોકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે બે જણ ગઈ કાલે મોડી રાત સુધી મિસિંગ હતા.

લોનાવલા પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘હડપસરના સૈયદનગરમાં રહેતા લિયાકત અલી અને યુનુસ ખાનના પરિવારના ૧૭થી ૧૮ સભ્યો ભુશી ડૅમના ઉપરવાસમાં પડતા ધોધ પાસે વરસાદની મજા લેવા ગયા હતા. બપોરે ત્રણ વાગ્યે ઉપરવાસમાંથી પાણીનો બહુ મોટો પ્રવાહ ચાલુ થતાં એમાંના ૧૦ જણ ધોધમાં વચ્ચોવચ અટકી ગયા હતા. એ વખતે પાંચ જણ જેમતેમ કરીને કિનારે આવી ગયા હતા, જ્યારે બીજા પાંચ જણ એકબીજાને પકડીને એમાંથી બચવાની કોશિશ કરી રહ્યા હતા. એ વખતે ઉપર રહેલા પરિવારના સભ્યો પાણીનો ફોર્સ વધી રહ્યો હોવાથી તેમને બચાવવા બૂમાબૂમ કરી રહ્યા હતા. કોઈએ વળી તેમના તરફ દોરડું પણ ફેંક્યું હતું​, પણ પાણીનો ફોર્સ બહુ હોવાથી તેઓ એકસાથે એ ફોર્સમાં નીચે તણાવા માંડ્યા હતા. આ ઘટનાનો કોઈએ વિડિયો પણ ઉતારી લીધો હતો જે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી.

રેસ્ક્યુ ઑપરેશનમાં સામેલ લોનાવલા સિટી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર સુહાસ જગતાપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અમારા જવાનો સાથે તેમને શોધવાની કવાયત હાથ ધરી હતી. આ ઉપરાંત નેવીના ડાઇવર્સ અને સહ્યાદ્રિના પહાડોમાં રેસ્ક્યુ ઑપરેશન કરતા શિવદુર્ગ ગ્રુપના જવાનોની મદદ લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં સાહિસ્તા લિયાકતઅલી અન્સારી (૩૭ વર્ષ), અમીમા સલમાન ઉર્ફે આકિલ અન્સારી (૧૩ વર્ષ) અને ઉમેરા સલમાન અન્સારીના મૃતદેહ મળી આવ્યા હતા; જ્યારે અદનાન અન્સારી અને મારિયા અન્સારી મિસિંગ હતાં. તેમને શોધવાના પ્રયાસ ચાલી રહ્યા હતા. 

mumbai news mumbai lonavala monsoon news pune