ગૅસ સિલિન્ડર ફાટતાં ચેમ્બુરમાં બે માળનાં પાંચ ઘર તૂટી પડ્યાં

30 November, 2023 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૉલ્ફ ક્લબ પાસેની જૂની બરાક ખાતેની ઘટનામાં છ લોકોને ઈજા થઈ : સવારનો સમય હતો  એટલે મોટી જાનહાનિ ટળી

તસવીર સૌજન્ય : પી.ટી.આઈ.

ચેમ્બુરમાં ગૉલ્ફ ક્લબ નજીકની જૂની બરાક પાસે આવેલા બે માળના એક મકાનમાં ગઈ કાલે સવારે આઠેક વાગ્યે એક ગૅસનું સિલિન્ડર ફાટવાની ઘટના બની હતી, જેને કારણે પાંચ મકાન ધરાશાયી થયાં હતાં. મકાનો તૂટી પડ્યા બાદ એના કાટમાળ નીચે ૧૧ લોકો દબાઈ ગયા હતા, જેમને સુખરૂપ બહાર કાઢવામાં આવ્યા હતા. આમાંથી છ જણને કેટલીક ઈજા થવાથી તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ ચેમ્બુરમાં ગઈ કાલે સવારે ૭.૫૦ વાગ્યે એક મકાનમાં રાખવામાં આવેલું ગૅસ સિલિન્ડર ફાટ્યું હતું. ધડાકો એટલો જોરદાર હતો કે બે માળનાં પાંચ મકાન એને કારણે તૂટી પડ્યાં હતાં. આ મકાનોમાં રહેતા ૧૧ લોકો કાટમાળની નીચે દબાઈ ગયા હતા. તેમને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યા હતા. મકાનો તૂટી પડ્યા બાદ પાંચ લોકો પહેલા માળના કાટમાળની નીચે અટવાઈ ગયા હતા. તેમને બાદમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

કાટમાળની નીચેથી કાઢવામાં આવેલા છ લોકોને કેટલીક ઈજા થવાથી તેમને શતાબ્દી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમને ઍડ્મિટ કરવાની જરૂર નહોતી એટલે ડૉક્ટરોએ તેમને ઓપીડીમાં જ સારવાર આપી હતી. 

ગૅસનું સિલિન્ડર ફાટ્યા બાદ મકાનો તૂટી પડ્યાં હોવાની માહિતી મળ્યા પછી ફાયર બ્રિગેડ, પોલીસ, બીએમસીનો સ્ટાફ અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ફાયર બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ કાટમાળની નીચેથી બહાર કાઢવામાં આવેલા એક જ પરિવારના વિકાસ અંભોરે, અશોક અંભોરે, સવિતા અંભોરે, રોહિત અંભોરે તેમ જ રાહુલ કાંબળે અને પાર્થ સિંહને કેટલીક ઈજા થવાથી તેમને સારવાર આપવામાં આવી હતી. આ બધાની તબિયત સ્થિર છે, જ્યારે બાકીના લોકોને કોઈ ઈજા નહોતી થઈ.

ગૅસ સિલિન્ડર કેવી રીતે ફાટ્યું હતું એની તપાસ હાથ ધરવામાં આવી છે અને કાટમાળની નીચેથી તૂટી પડેલા મકાનના રહેવાસીઓનો સામાન બહાર કાઢવાની પ્રક્રિયા બાદમાં હાથ ધરવામાં આવી હતી. 

chembur fire incident mumbai mumbai news