ફાયરિંગમાં બુલેટથી ઘાયલ કે પથ્થરથી?

19 November, 2023 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સવાલ માઝગાવમાં બનેલી ગોળીબારની ઘટના પછી પોલીસને સતાવી રહ્યો છે : ઈજા બુલેટથી થઈ છે કે એ પછી પથ્થર વાગવાથી એ હજી રહસ્ય

માઝગાવમાં ગઈ કાલે વહેલી સવારે થયેલા ફાયરિંગ પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. શાદાબ ખાન


મુંબઈ ઃ માઝગાવમાં આવેલી અફઝલ રેસ્ટોરાં સામે ગઈ કાલે પરોઢિયે ત્રણથી ચાર વાગ્યા વચ્ચે ગોળીબાર થયો હતો. ઍક્ટિવા પર આવેલા બે હુમલાખોરોમાંથી પાછળ બેસેલી વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. ભાયખલાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નંદકુમાર ગોપાળેએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે વ્યક્તિ પર ફાયરિંગ થયું છે તેને ઈજા થઈ છે, પણ તેને ફાયર કરેલી બુલેટ ઘસાઈને ગઈ છે કે પછી તેને પથ્થર વાગ્યો છે એ જાણી શકાયું નથી. તેને જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.’
આ ઘટનાની માહિતી મળતાં ભાયખલા પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ત્યાંના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવવામાં આવ્યાં છે. અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધીને કેસની તપાસ ચાલી રહી છે. આ ફાયરિંગ પાછળનો તેમનો હેતુ શું હતો એ જાણવાની કોશિશ થઈ રહી છે.   

mumbai news byculla maharashtra news