આગે મચાવી અફરાતફરી

29 February, 2024 11:57 AM IST  |  Mumbai | Rohit Parikh

ગઈ કાલે ઘાટકોપરની આરાધ્ય સોસાયટીમાં છઠ્ઠા માળે ડક્ટ એરિયામાં શૉર્ટ સર્કિટ થતાં કેબલમાં આગ લાગી એને કારણે ભાગદોડ મચી ગઈ : પૅસેજની લાદી ગરમ હોવાથી ચંપલ વગર ભાગવા ગયેલાં ૬૯ વર્ષનાં ​સિટિઝન મ​હિલાનાં પગનાં તળિયાં દાઝી ગયાં

આરાધ્ય સોસાયટીના રહેવાસીઓની તસવીરોનો કૉલાજ

તસવીરમાં, આગ લાગતાં રોડ પર ઊતરી આવેલા આરાધ્ય સોસાયટીના રહેવાસીઓ, ઘરમાંથી ચંપલ વગર ભાગવા જતાં પૅસેજની લાદી ગરમ હોવાથી બંને પગનાં તળિયાંમાં દાઝેલાં છઠ્ઠા માળે રહેતાં ૬૯ વર્ષના સ્મિતા મારડિયા, આગના સમયે તેમના ઘરમાં જ આરામ કરી રહેલાં નવમા માળે રહેતાં ૧૦૨ વર્ષનાં કમલાબહેન વીરજી છાડવા

ગઈ કાલે ઘાટકોપરની આરાધ્ય સોસાયટીમાં છઠ્ઠા માળે ડક્ટ એરિયામાં શૉર્ટ સર્કિટ થતાં કેબલમાં આગ લાગી એને કારણે ભાગદોડ મચી ગઈ : પૅસેજની લાદી ગરમ હોવાથી ચંપલ વગર ભાગવા ગયેલાં ૬૯ વર્ષનાં ​સિટિઝન મ​હિલાનાં પગનાં તળિયાં દાઝી ગયાં : ૧૦૨ વર્ષનાં સિનિયર સિટિઝન મહિલાએ એકલાં હોવાથી તેમના ફ્લૅટમાં જ રહેવું પડ્યું

ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં આવેલી ૧૪ માળની આરાધ્ય સોસાયટીમાં ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ છઠ્ઠા માળે ડક્ટ એરિયામાં શૉર્ટ સર્કિટ થતાં કેબલમાં આગ લાગી હતી. આગ લાગતાં જ સોસોયટીમાં હાજર રહેલા સિનિયર સિટિઝનો અને મહિલાઓમાં અફરાતફરી અને રોકકળ મચી ગઈ હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. આગના બનાવની જાણ થતાં જ નવમા માળે રહેતાં ૧૦૨ વર્ષનાં સિનિયર સિટિઝન મહિલા તેમના ફ્લૅટમાં એકલાં હોવાથી તેમના સિવાયના બધા જ રહેવાસીઓ તેમના ફ્લૅટના દરવાજા બંધ કરીને પહેરેલાં કપડાંમાં સોસાયટીના પરિસરમાં આવી ગયા હતા. આ ભાગમભાગીમાં છઠ્ઠા માળે રહેતાં ૬૯ વર્ષનાં સ્મિતા મારડિયા ઘરમાંથી ચંપલ વગર ભાગવા જતાં પૅસેજની લાદી ગરમ થઈ ગઈ હોવાથી તેમનાં પગનાં તળિયાં દાઝી ગયાં હતાં. આગ મામૂલી હોવા છતાં ઇલેક્ટ્રિક કેબલો બળી ગયા હોવાથી સોસાયટીની લાઇટ, ગૅસ અને લિફ્ટ બંધ કરવામાં આવ્યાં હતાં. લિફ્ટ સિવાયની બધી જ સેવાઓ રાતના શરૂ કરી દેવામાં આવી હતી. આગને કારણે છઠ્ઠા માળના પૅસેજની સીલિંગમાં પણ તિરાડ પડી ગઈ હતી.

સિનિયર સિટિઝનોને ખુરશીમાં નીચે ઉતાર્યા
આરાધ્ય સોસાયટીમાં અંદાજે ૯૮ ફ્લૅટમાં ૪૨થી વધુ સિનિયર સિટિઝનો રહે છે. સવારે આગ લાગી ત્યારે તેમનાં ઘરોમાં કોઈ પુરુષો હાજર નહોતા તેમ જ ઇલેક્ટ્રિસિટી ન હોવાથી લિફ્ટ પણ બંધ થઈ ગઈ હતી. આ સંજોગોમાં આ સોસાયટીની મહિલા રહેવાસીઓ અને દેવેશ શાહ તથા ચંદ્રેશ શાહે સાવ જ અશક્ત સિનિયર સિટિઝનોને ખુરશીમાં નીચે ઉતાર્યા હતા. ધુમાડાથી બચવા અનેક લોકો ઉપરના માળે જતા રહ્યા હતા. નવમા માળે રહેતાં ૧૦૨ વર્ષનાં કમલાબહેન છાડવાના ઘરમાં એ સમય કોઈ હાજર ન હોવાથી અને તેઓ સુરક્ષિત હોવાથી તેમને તેમના ઘરમાં જ રાખવામાં આવ્યાં હતાં. જોકે આગ ઓલવાયા બાદ ફાયર બ્રિગેડે કમલાબહેનના પ્રપ્રૌત્ર પાર્થને તેમનું ધ્યાન રાખવા માટે ફ્લૅટમાં જવાની પરવાનગી આપી હતી. 

એક મહિલાનાં તળિયાં દાઝ્યાં
આગ લાગતાં સોસાયટીમાં ઊહાપોહ મચી ગયો હતો. રહેવાસીઓ જાન બચાવવા માટે તેમના ફ્લૅટમાંથી ભાગવા લાગ્યા હતા. આ માહિતી આપતાં આ સોસાયટીના રહેવાસી અને મોબાઇલનો બિઝનેસ કરતા દેવેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગી ત્યારે હું મારા ભાઈ સાથે મારી દુકાન પર હતો. મને સમાચાર મળતાં જ મેં ઘરે ફોન કર્યો હતો, પણ મારી મિસિસે ફોન ઉપાડ્યો નહોતો. એટલે ગભરાટ સાથે હું અને ભાઈ ઘરે પહોંચ્યા હતા. ત્યારે મારી મિસિસ અન્ય મહિલાઓની મદદથી સિનિયર સિટિઝનોને ખુરશીમાં નીચે ઉતારી રહી હતી. અમે તેમને ખસેડીને ચારથી પાંચ સિનિયર સિટિઝનોને ચોથા માળેથી નીચે ઉતાર્યા હતા. અમારી સોસાયટીમાં છઠ્ઠા માળે રહેતાં ૬૯ વર્ષનાં સ્મિતા મારડિયા ઘરમાંથી ચંપલ પહેર્યા વગર ભાગવા જતાં પૅસેજની લાદી ગરમ થઈ ગઈ હોવાથી તેમના બંને પગનાં તળિયાં દાઝી ગયાં હતાં.’

અમારી સોસાયટીના રહેવાસીઓને બાજુની પાર્વતી હેરિટેજ સોસાયટીના મધુભાઈ દેસાઈ અને અન્ય રહેવાસીઓએ તેમના પરિસરમાં બેસવાની વ્યવસ્થા કરી આપી હતી. આ જાણકારી આપતાં દેવેશ શાહે કહ્યું હતું કે ‘આ સોસાયટીના રહેવાસીઓએ અસરગ્રસ્ત પરિવારોને આશ્વાસન સાથે પાણી, છાશ, કોલ્ડ ડ્રિન્ક જેવી સુવિધાઓ આપી હતી. આ રીતે તેમને પાડોશધર્મ બજાવ્યો હતો.’

mumbai news ghatkopar fire incident mumbai rohit parikh gujaratis of mumbai