06 September, 2024 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ
Mumbai Times Tower Fire : મુંબઈ, વર્લી સ્થિત વિસ્તારના ટાઈમ્સ ટાવરમાં સવારે 6.30 વાગ્યે ભીષણ આગ લાગી. ફાયર વિભાગની સાતથી આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાના પ્રયત્નો ચાલુ છે. હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી પણ આગનું કારણ સ્પષ્ટ થયું નથી.
મુંબઈના પરેલ-વર્લી વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વર્લી વિસ્તારમાં સ્થિત ટાઇમ્સ ટાવરમાં ભીષણ આગ લાગી છે. આગ કમલા મિલ્સ વિસ્તારમાં ટાઈમ ટાવર બિલ્ડિંગમાં લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ સવારે લગભગ સાડા છ વાગ્યે લાગી છે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. અનેક લોકોના ફસાયાની માહિતી મળી રહી છે. આ ઘટના થકી વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરની સાતથી આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. આગ લાગવાનું કારણ હજી પણ સ્પષ્ટ થયું નથી.
ટાઈમ્સ ટાવર લોઅર પરેલ વિસ્તારમાં કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં એક કમર્શિયલ બિલ્ડિંગ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગમાં આગ સવારે લગભગ સાડા છ વાગ્યે લાગી. આ લાગવાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે જોઈને જ દેખાઈ આવે છે કે આગે ખૂબ જ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે.
ફાયર બ્રિગેડની સાતથી આઠ ગાડીઓ ઘટનાસ્થળે
ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. આગની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની સાતથી આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
સર્ચ અભિયાન પણ શરૂ થયું
ફાયર બ્રિગેડે બિલ્ડિંગની અંદર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તે કોમર્શિયલ બિલ્ડિંગ હોવાથી તેની અંદર કોઈ રહેતું નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગ હાલમાં કાબૂમાં છે અને તે વધી રહી નથી. જો કે જ્યાં આગ ફાટી નીકળી છે તેને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આગના કારણે ધુમાડાના મોટા ગોટેગોટા નીકળી રહ્યા છે. જેના પર અંકુશ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
2017ની ઘટના યાદ આવી
આ પહેલા 29 ડિસેમ્બર 2017ના રોજ કમલા મિલ્સ કોમ્પ્લેક્સની એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. જેમાં 14 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ફેબ્રુઆરી 2017 માં, દિલ્હીના ITO નજીક ટાઇમ્સ ઑફ ઇન્ડિયા બિલ્ડિંગના પહેલા માળે આગ લાગી હતી. આ આગ સાંજના સવા પાંચ વાગ્યાના સુમારે લાગી હતી. આ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ પહેલા માળેથી શરૂ થઈ હતી અને થોડી જ વારમાં બિલ્ડિંગના ચારેય માળને લપેટમાં લીધી હતી. આગ બુઝાવવા માટે 25 થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.