02 November, 2024 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તળ મુંબઈના ઠાકુરદ્વાર વિસ્તારમાં ગુરુવારે મધરાત બાદ ૩.૨૦ વાગ્યે આગ ફાટી નીકળતાં એનાથી બચવા ત્રણ યુવાનો બીજા માળથી નીચે પડ્યા હતા. જોકે એમાં ગંભીર ઈજા ન થવાથી તેઓ બચી ગયા હતા. ફાયર-બ્રિગેડે મકાનમાં અટવાયેલા અન્ય વીસથી ૨૫ જણને ટેરેસ પર જઈને બચાવ્યા હતા. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર ઠાકુરદ્વાર પાસે આવેલા બી. જે. માર્ગ પરના ત્રણ માળના ઓશિયનિક બિલ્ડિંગના બીજા માળે ગુરુવારે મધરાત બાદ ૩.૨૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. તરત જ ફાયર-બ્રિગેડને આની જાણ કરવામાં આવતાં ફાયર-બ્રિગેડના બંબા ત્યાં પહોંચી ગયા હતા. જોકે એ દરમ્યાન ધુમાડો થઈ જવાથી કેટલાક લોકો ટેરેસ તરફ દોડી ગયા હતા; જ્યારે ૨૪ વર્ષનો કાર્તિક માઝી, ૨૬ વર્ષનો ઉપ્પલ મંડલ અને ૧૯ વર્ષનો દીપેન્દ્ર મંડલ આગથી ગભરાઈને મકાનની પાછળની બાજુએ આવેલા દાદરાથી નીચે આવવા દોડ્યા હતા એ વખતે તેઓ એના પરથી નીચે પટકાયા હતા. તેમને તરત જ મુંબઈ સેન્ટ્રલની નાયર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડૉક્ટરે તેમને તપાસીને તેમની ઈજાઓ ગંભીર ન હોવાનું જણાવ્યું હતું અને તેમની સારવાર કરીને તેમને રજા આપી દેવામાં આવી હતી.
બીજી બાજુ મકાનમાં બીજા વીસથી ૨૫ જેટલા લોકો ફસાયા હતા એ બધા આગથી બચવા ટેરેસ પર દોડી ગયા હતા. ફાયર-બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ ઓલવી હતી અને ત્યાર બાદ ફાયર-બ્રિગેડના જવાનો એ તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે લઈ આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે. જોકે આગનું ચોક્કસ કારણ પૂરતી તપાસ બાદ જ જાણી શકાશે એમ ફાયર-બ્રિગેડે જણાવ્યું હતું.