31 July, 2024 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : આશિષ રાજે
લાલબાગના એસ. એસ. રાવ રોડ પર આવેલા ત્રણ માળના મેઘવાડી બિલ્ડિંગ-નંબર ૩માં ગઈ કાલે પરોઢિયે ત્રીજા માળે આગ ફાટી નીકળી હતી જેની માહિતી ફાયરબ્રિગેડને ૫.૦૯ વાગ્યે આપવામાં આવી હતી. એમાં એક મહિલા, એક પુરુષ અને બે બાળકો દાઝી ગયાં હતાં. બાળકોને બહુ ઈજા નથી થઈ, પણ મહિલા અને પુરુષ બન્ને ૭૦થી ૮૦ ટકા દાઝી ગયાં હોવાનું અને તેમની હાલત ગંભીર હોવાનું ભાયખલાની મસીના હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું છે.
ત્રીજા માળે લાગેલી આ આગમાં ગૅસ-સિલિન્ડર, ઘરવખરી, રસોડાનો સામાન, કપડાં બધું બળીને ખાખ થઈ ગયું હતું. આગમાં કુંદા મિલિંદ રાણે (૪૮ વર્ષ), અથર્વ મિલિંદ રાણે (૧૦ વર્ષ), વૈષ્ણવી મિલિંદ રાણે (૧૦ વર્ષ) અને અનિકેત વિલાસ ડીચવલકર (૨૭ વર્ષ) ઘાયલ થયાં હતાં. કુંદા રાણે અને અનિકેત બન્ને ૭૦થી ૮૦ ટકા દાઝી ગયાં છે અને તેમની હાલત ગંભીર છે.