22 July, 2024 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાલઘરની દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતાં ભારે નુકસાન થયું હતું
પાલઘર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી સૅફાયર લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગઈ કાલે બપોરે બે વાગ્યાની આસપાસ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં કંપનીને મોટું નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી. આગની આ ઘટનામાં કાચ ટુકડા મોટી સંખ્યામાં ઊડીને રસ્તા પર પડ્યા હતા.
આ કંપનીમાં જ્વલનશીલ કેમિકલનો સંગ્રહ કરતાં ડ્રમ્સ અને સિલિન્ડરોમાં વિસ્ફોટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કંપનીમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગી ત્યારે કંપનીમાં કામ કરતા ૨૦૦ જેટલા કર્મચારીઓ તરત બહાર આવવામાં સફળ રહ્યા હોવાથી સલામત રહ્યા હતા, પરંતુ કંપનીને મોટું નુકસાન થયું છે. બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ કંપનીમાંનાં નાઇટ્રોજનનાં સિલિન્ડરો અને કેમિકલનાં ડ્રમોમાં વિસ્ફોટ થવા લાગ્યા હતા એટલે આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું. વિસ્ફોટનો અવાજ લગભગ એકથી દોઢ કિલોમીટર સુધી સંભળાયો હતો એટલે આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.