મુલુંડની હોટલમાં લાગી આગ, ત્રણ ઘાયલ

11 February, 2023 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘાયલને હૉસ્પિટલમાંથી સારવાર બાદ આપવામાં આવી રજા

પ્રતીકાત્મક તસવીર

મુલુંડ (Mulund)ની એક હોટલમાં શનિવારે બપોરે આગ લાગી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation - BMC)એ જણાવ્યું કે, આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

પાલિકાના અધિકારીએ આપેલી માહિતી મુજબ, શનિવારે મુલુંડની કાઉબોય બાર્બેક્યૂ હોટલ (Cowboy Barbecue hotel)માં આગ લાગી હોવાની જાણ થઈ હતી. આ હોટેલ મુંબઈના મુલુંડ - વેસ્ટ વિસ્તારમાં સેન્ટ્રલ બેંક પાસે રામ રતન ત્રિવેણી માર્ગ પર આવેલી છે.

આગ લાગવાની માહિતી મળ્યા બાદ મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારી અને સ્થાનિક વોર્ડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ લગભગ ૩.૨૦ વાગ્યે ઓલવાઈ ગઈ હતી.

આ પણ વાંચો - કાદવવાળું પાણી છે ઘર ઘર કી કહાની

આ દુર્ઘટનામાં ત્રણ જણ ઘાયલ થયા હતા. ત્રણેયને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોની ઓળખ કમલ બુધા (૨૨ વર્ષ), અર્જુન મગર (૧૭ વર્ષ) અને રોહિત થાપા (૨૨ વર્ષ) તરીકે થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને મુલુંડની અગ્રવાલ હોસ્પિટલ (Agarwal Hospital)માં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર આપવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને બાદમાં રજા આપવામાં આવી હતી, એમ પાલિકાએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો - બજેટમાં બીએમસીએ ફુટપાથ માટે ૨૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા, પણ એને ફેરિયામુક્ત કઈ રીતે કરશે?

હોટલમાં આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

mumbai mumbai news mulund brihanmumbai municipal corporation