અંધેરીની આગમાંથી ૨૦ મિનિટમાં જ પચીસ લોકોને બચાવી લેવાયા

10 September, 2023 10:50 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

સાકીનાકાની સોસાયટીમાં સવારના સમયે મીટર બૉક્સમાં આગ લાગતાં અંદર કે બહાર જવાનું મુશ્કેલ બન્યું : ફાયર બ્રિગેડના જવાનોએ પહેલા અને બીજા માળની સેફ્ટી ગ્રિલ તોડીને લોકોને બહાર કાઢ્યા

અંધેરીની બિલ્ડિંગમાં લાગેલી આગ

અંધેરી-ઈસ્ટના સાકીનાકામાં આવેલી સાકી કો-ઓ. સોસાયટીમાં ગઈ કાલે સવારે ફાટી નીકળેલી આગને કારણે બિલ્ડિંગની અંદર જવું અને બહાર આવવું મુશ્કેલ બન્યું ત્યારે ફાયર બ્રિગેડે જબરદસ્ત આયોજન કરી ટીમવર્ક દ્વારા અંદાજે પચીસ જેટલા લોકોને ૧૫-૨૦ મિનિટમાં જ બચાવી લીધા હતા, જ્યારે ચોથા અને પાંચમા માળે ફસાયેલા સિનિયર સિટિઝનોને ૪૦ મિનિટ બાદ ધુમાડો ઓછો થતાં ખુરશીમાં સ્ટેરકેસથી નીચે લાવવામાં આવ્યા હતા. આમ કુલ ૩૩ જણને બચાવી લેવાયા હતા.    

સાકીનાકાના ૯૦ ફુટ રોડ પર આવેલી ગ્રાઉન્ડ + ૬ માળની સાકી સોસાયટીના ભોંયતળિયે આવેલા ઇલેક્ટ્રિકના મીટર બૉક્સમાં ગઈ કાલે સવારે ૮.૫૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગની લાગ્યાની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસને એની માહિતી આપવામાં આવી હતી. થોડી જ વારમાં  મરોલ ફાયર બ્રિગેડનાં ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. મરોલ ફાયર બ્રિગેડના ઑફિસરે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જઈને જોયું કે મીટર બૉક્સમાં આગ લાગવાને કારણે બિલ્ડિંગની અંદર જઈ શકાય એમ નહોતું. એ જ રીતે બિલ્ડિંગમાં રહેતા રહેવાસીઓ પણ ત્યાંથી બહાર આવી શકે એમ નહોતા. આગ મીટર બૉક્સમાં લાગી હોવાથી વાયરો સળગ્યા હતા અને એના કારણે પુષ્કળ ધુમાડો પણ થયો હતો. જોકે અમારી ફર્સ્ટ પ્રાયૉરિટી લોકોને બચાવવાની હતી એથી અમે તરત જ ત્રણ ટીમ બનાવી હતી. એક ટીમ આગ ઓલવવાનું કામ કરવા માંડી હતી. બીજી ટીમ પહેલા માળે ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસમાં લાગી, જ્યારે ત્રીજી ટીમ બીજા માળે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગી હતી. પહેલા માળે સીડી ગોઠવી અમારે બૉક્સ ગ્રિલ તોડીને એમાંથી પેસેજ બનાવી લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા, જ્યારે બીજા માળે રહેતા એક પરિવારે તેમની બૉક્સ ગ્રિલમાં એક નાનો દરવાજો બનાવેલો હતો જે બહુ કામ લાગ્યો અને એમાંથી લોકોને આસાનીથી છજ્જા પર લાવવામાં આવ્યા અને ત્યા સીડી મૂકી તે લોકોને બચાવાયા. પહેલી ૧૫-૨૦ મિનિટમાં જ અમે પહેલા અને બીજા માળે રહેતા લગભગ ૨૫ જેટલા લોકોને બચાવી લીધા હતા. જોકે ચોથા અને પાંચમા માળે પણ કેટલાક લોકો ફસાયા હતા, જેમાં સિનિયર સિટિઝનોનો પણ સમાવેશ હતો. ત્યાં સુધી આગ તો નહોતી જ પહોંચી, પણ સ્ટેરકેસ પર ધુમાડો બહુ જ હતો, જ્યારે કે તે લોકો તેમના પોતપોતાના ફ્લૅટમાં હતા. એથી અમે તેમને વેઇટ કરવા કહ્યું. એ પછી ૪૦ મિનિટ બાદ અમે વેન્ટિલેશન માટે જગ્યા કરી એ ધુમાડો બાહર કાઢ્યો અને ત્યાર બાદ પરિસ્થિતિમાં સુધાર થતાં અમે તે લોકોને ખાસ કરીને સિનિયર સિટિઝનોને ખુરશીમાં બેસાડી સ્ટેરકેસથી નીચે લઈ આવ્યા હતા.’

આમ યોજનાબદ્ધ અને ઝડપી રેસ્ક્યુ ઑપરેશન કરી ૩૩ જણને બચાવી લેનાર ફાયર બ્રિગેડનો બિલ્ડિંગના રહેવાસીઓએ ખાસ આભાર માન્યો હતો અને અન્યોએ પણ તેમની કામગીરીને બિરદાવી હતી. 

andheri fire incident mumbai mumbai news bakulesh trivedi