બીએમસી કર્મચારી પર હુમલો કરવાના આરોપમાં ઉદ્ધવસેનાના નેતા અનિલ પરબ સહિત ચાર સામે એફઆઇઆર

28 June, 2023 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનિલ પરબે શિવસેના (યુબીટી)ના અન્ય કાર્યકર્તાઓ સાથે સોમવારે બપોરે બીએમસીના એચ-ઈસ્ટ વોર્ડમાં મોરચો કાઢ્યો હતો,

ફાઇલ તસવીર

મુંબઈ પોલીસે મંગળવારે શિવસેના (યુબીટી)ના વિધાન પરિષદના સભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અનિલ પરબ અને અન્ય ચાર જણ વિરુદ્ધ બીએમસીના એન્જિનિયર પર હુમલો કરવા અને ધમકી આપવા બદલ એફઆઇઆર નોંધ્યો છે.

વાકોલાના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અનિલ પરબે શિવસેના (યુબીટી)ના અન્ય કાર્યકર્તાઓ સાથે સોમવારે બપોરે બીએમસીના એચ-ઈસ્ટ વોર્ડમાં મોરચો કાઢ્યો હતો, કેમ કે ગયા સપ્તાહમાં બાંદરામાં તેમની પાર્ટીની ઑફિસ તોડી પાડવામાં આવી હતી.

અનિલ પરબના નેતૃત્વ હેઠળનું ડેલિગેશન એચ-ઈસ્ટના વોર્ડ ઑફિસર સ્વપ્ના ક્ષીરસાગરને મળવા બીએમસીની ઑફિસે પહોંચ્યું હતું. એફઆઇઆર મુજબ અનિલ પરબે એ અધિકારીને તેમની સામે રજૂ કરવા કહ્યું હતું જેમણે પાર્ટીની ઑફિસના બોર્ડ ઉપર છત્રપતિ શિવાજી મહારાજ અને બાળાસાહેબ ઠાકરેના ફોટો હોવા છતાં પાર્ટીનું કાર્યાલય તોડી પાડ્યું હતું. એ પછી સુધરાઈના સ્ટાફ સાથે ચડભડ થતાં શિવસેના (યુબીટી)ના કાર્યકર્તાઓએ બીએમસીના સહાયક એન્જિનિયર અજય પાટીલ પર કથિત હુમલો કર્યો હતો અને તેમને ધમકી આપી હતી. બીએમસીના અધિકારીઓએ વાકોલા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે અનિલ પરબ અને અન્ય ચાર શખ્સ સંતોષ કદમ, સદા પરબ, ઉદય દળવી અને હાજી અલીમ ખાન સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ તાજેતરમાં અનિલ પરબના સહયોગી સદાનંદ કદમ અને ભૂતપૂર્વ સરકારી અધિકારી જયરામ દેશપાંડે સામે કથિત મની લૉન્ડરિંગ કેસમાં અહીંની એક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. અનિલ પરબ પર કથિત રીતે પોતાનાં બિનહિસાબી નાણાંનું રોકાણ કરીને રત્નાગિરિ જિલ્લાના દાપોલી ખાતે રિસૉર્ટ બનાવ્યો હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો, જે તેમણે નકારી કાઢ્યો હતો. ઈડીએ પરબની પૂછપરછ કરી હતી, પરંતુ ચાર્જશીટમાં તેમનું નામ આરોપી તરીકે આપવામાં આવ્યું નથી.

બીએમસીનું આ બાબતે શું કહેવું છે?
આ બાબતે બીએમસીએ કહ્યું કે ૨૨ જૂને બાંદરા (ઈસ્ટ)માં રેલવે સ્ટેશન પાસે ત્રણ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં બે લાઇબ્રેરી અને એક ઑફિસ જેવું બાંધકામ હતું. બીએમસીના અધિકારીઓએ એ ઑફિસ જેમની હતી તેમને એ ઑફિસમાં પ્રતિમા, પૂતળાં કે અન્ય જેકોઈ ચીજવસ્તુ હોય એ હટાવી લેવા રીતસરની વિનંતી કરી હતી. એ માટે એ ઑફિસવાળાને અઢી કલાકનો સમય આપવામાં આવ્યો હતો. એ સમય દરમ્યાન તેમણે બધી પ્રતિમાઓ, પૂતળાં અને અન્ય ચીજો કાઢી લીધી હતી. એ પછી એના ડિમોલિશનની કાર્યવાહી કરતાં પહેલાં એ બાંધકામનું વિડિયો રેકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું અને એ પછી એનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. એ વિડિયો રેકૉર્ડિંગમાં જોઈ શકાય છે કે ડિમોલિશન કરતી વખતે એ જગ્યાએ કોઈ પણ પ્રતિમા કે પૂતળાં નહોતાં, એથી પ્રતિમા કે પૂતળાનું અપમાન કરાયું છે એવો જે પ્રશાસન પર આરોપ કરાયા છે એ જુઠ્ઠા છે એ સ્પષ્ટ થાય છે. 

brihanmumbai municipal corporation santacruz vakola uddhav thackeray shiv sena mumbai police mumbai mumbai news