વિદ્યાવિહાર ઈસ્ટ-વેસ્ટ કનેક્ટરનું સપનું ૩૨ વર્ષે સાકાર થશે ખરું

29 May, 2023 10:01 AM IST  |  Mumbai | Sameer Surve

ભારતનો સૌથી લાંબો ગર્ડર, મચ અવેટેડ પુલનો ભાગ બન્યો: આ ગર્ડરની લંબાઈ ૯૯.૩૪ મીટર, પહોળાઈ ૯.૫૦ મીટર અને વજન ૧,૧૦૦ ટન છે. બીએમસીએ લૉન્ચ કરેલો પિલર વગરનો આ સૌથી લાંબો ગર્ડર એક એન્જિનિયરિંગ અજાયબી છે

કામદારોએ શનિ અને રવિની મધ્યરાત્રિએ વિદ્યાવિહાર સ્ટેશને ગર્ડરનું કામ શરૂ કર્યું હતું

બીએમસીવિદ્યાવિહારમાં ઈસ્ટ-વેસ્ટ કનેક્ટિવિટી માટેનું ૩૨ વર્ષ જૂનું સપનું પૂરું કરતો દેશનો સૌથી લાંબો ગર્ડર આખરે બેસાડ્યો છે. અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે આગામી મે સુધીમાં બ્રિજ તૈયાર થઈ જવાની અપેક્ષા છે. શનિ અને રવિવારની વચ્ચેની રાત્રે ત્રણ કલાકની અંદર હાથ ધરવામાં આવેલા કામને ‘મિડ-ડે’એ નિહાળ્યું હતું.

મધ્ય રેલવેએ રવિવારે વહેલી સવારે ૧.૨૦થી ૨.૨૦ વાગ્યા વચ્ચે મેગા બ્લૉકની જાહેરાત કરી હતી અને બીએમસીએ કામ શરૂ કર્યું હતું. આ ગર્ડર સાત રેલવે ટ્રૅક ક્રૉસ કરીને એક કામચલાઉ થાંભલા સુધી લંબાયો છે, જે એક પ્લૅટફૉર્મ પર બાંધવામાં આવ્યો હતો. ગર્ડરના બેઝિક સેફ્ટી ઇન્સ્પેક્શન બાદ રેલવે ટ્રાફિક શરૂ થયો હતો. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગર્ડરની લંબાઈ ૯૯.૩૪ મીટર, પહોળાઈ ૯.૫૦ મીટર અને વજન ૧,૧૦૦ ટન છે. બીએમસીએ લૉન્ચ કરેલો પિલર વગરનો આ સૌથી લાંબો ગર્ડર છે. આ એક એન્જિનિયરિંગ અજાયબી છે.’

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉલ્હાસ મહાલેએ જણાવ્યું હતું કે ‘બીજો ગર્ડર ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે. અમે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ. આ કામ ૨૦૨૪ના મે સુધી પૂરું થઈ જશે. આ પુલ ઘાટકોપર ઈસ્ટ-વેસ્ટ કનેક્ટર અને ચેમ્બુર-સાંતાક્રુઝ લિન્ક રોડનો ટ્રાફિકની ઘટાડવામાં મદદ કરશે.’

બીએમસીમાં બ્રિજ વિભાગના ચીફ એન્જિનિયર સંજય કોઉંદન્યાપુરેએ તેમના કલિગ્સ સાથે કામનું નિરીક્ષણ કર્યું હતું. બીજો ગર્ડર બે મહિના પછી બેસાડવામાં આવે એવી શક્યતા છે. સ્થળ પર હાજર મુંબઈ નૉર્થ-ઈસ્ટના બીજેપી સાંસદ મનોજ કોટકે કહ્યું હતું કે ‘આ બ્રિજ લોકોની લાંબા સમયથી ડિમાન્ડ હતી. છેલ્લાં અઢી વર્ષમાં કામમાં ઝડપ આવી છે.’

સ્થાનિક રહેવાસી આશિષ ઝાટકિયાએ જણાવ્યું હતું કે જેમને વિદ્યાવિહારમાં પશ્ચિમથી પૂર્વ અથવા પૂર્વથી પશ્ચિમ તરફ જવા માટે ઘાટકોપર થઈને મુસાફરી કરવી પડતી હતી તેમને આ બ્રિજથી ફાયદો થશે.

રેકૉર્ડ મુજબ આ કનેક્ટિવિટી બીએમસીની ૧૯૯૧ની વિકાસ યોજનામાં સામેલ કરવામાં આવી હતી. બીએમસીએ ૨૦૧૬માં બ્રિજ માટે પ્લાન તૈયાર કર્યો હતો અને ૨૦૧૮માં બાંધકામનું કામ શરૂ થયું હતું. પ્લાન મુજબ કામ ૨૦૨૨ સુધીમાં પૂરું થવાનું હતું. જોકે વિવિધ ટેક્નિકલ સમસ્યાઓને કારણે કામમાં વિલંબ થયો હતો.’

૬૫૦ મીટર લાંબો પુલ બનાવવાનો કુલ ખર્ચ ૧૭૮ કરોડ રૂપિયા હતો. એમાં ચાર લેન હશે, જેમાં રેલવેના ભાગમાં બે મીટર પહોળી ફુટપાથ અને અપ્રોચ રોડ પર એક મીટર પહોળી ફુટપાથ હશે.

બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે ‘કાર્યમાં ઘણા પડકારો છે. જેમ કે ટિકિટ બુકિંગ ઑફિસનું સ્થળાંતર, અતિક્રમણ દૂર કરવું, નાળાં પહોળાં કરવાં અને વરસાદી પાણીની ગટર. ઉપરાંત રેલવેએ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર સૂચવ્યા છે અને બીએમસીએ અપ્રોચ રોડની લંબાઈ વધારવાનો નિર્ણય કર્યો છે.’


બીજો ગર્ડર ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે. અમે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ. આ કામ ૨૦૨૪ના મે સુધી પૂરું થઈ જશે. આ પુલ ઘાટકોપર ઈસ્ટ-વેસ્ટ કનેક્ટર અને ચેમ્બુર-સાંતાક્રુઝ લિન્ક રોડનો ટ્રાફિકની ઘટાડવામાં મદદ કરશે. : ઉલ્હાસ મહાલે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર

mumbai mumbai news brihanmumbai municipal corporation central railway vidyavihar