આખરે કૃત્રિમ વરસાદ માટે બીએમસીએ મગાવી બિડ

02 December, 2023 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પ્રયોગ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્તરે પહોંચશે ત્યારે કરવામાં આવશે

આખરે કૃત્રિમ વરસાદ માટે બીએમસીએ મગાવી બિડ


મુંબઈ : બીએમસી ક્લાઉડ સીડિંગને કારણે થનારા વરસાદથી શહેરમાં પૉલ્યુશન સામે લડવાની આશા રાખે છે. વરસાદમાં હવામાંના પ્રદૂષણના કણને ધોવાની ક્ષમતા હોય છે. બીએમસીએ ત્રણ વર્ષના ક્લાઉડ સીડિંગ માટે ગ્લોબલ એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઇ)ને આમંત્રણ આપ્યું છે. આ પ્રયોગ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્તરે પહોંચશે ત્યારે કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બીએમસીને આ પ્રક્રિયા શરૂ કરવાની સૂચના 
આપી છે.

કૉર્પોરેશને છેલ્લાં ત્રણ વર્ષમાં અગાઉ કામમાં રોકાયેલી પ્રતિષ્ઠિત કંપનીઓ/સંસ્થાઓ પાસેથી ત્રણ વર્ષના સમયગાળા માટે ‘ક્લાઉડ સીડિંગ પ્રોગ્રામ ફૉર આર્ટિફિશ્યલ રેઇન ટુ કૉમ્બેટ ઍર પૉલ્યુશન ઇન મુંબઈ’ માટેની ટેક્નૉલૉજીની અરજીઓ મગાવી છે. ઈઓઆઇ કૉપી બીએમસીના પોર્ટલ પર ૪થી ૧૪ ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૪ ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યા સુધી રહેશે.
બીએમસીએ ચોમાસા પછી ઝડપથી વધતા વાયુપ્રદૂષણને પહોંચી વળવા વિવિધ પગલાંની જાહેરાત કરી છે. પ્રદૂષણના મુખ્ય સ્રોત એવાં બાંધકામ-સ્થળો પરના પ્રદૂષણ પર અંકુશની સાથે

બીએમસીએ રસ્તાઓ ધોઈને અને બેસ્ટની બસોમાં ઍર ફિલ્ટર ફિટ કરીને હવાની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ પણ કર્યો હતો. ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ એ હવાની ગુણવત્તા માટે સૂચવેલાં પગલાંમાંનું એક છે.

બીએમસીએ ક્લાઉડ સીડિંગ માટે કોઈ ફ્રીક્વન્સીનું આયોજન કર્યું ન હોવાથી પ્રદૂષણ વધે ત્યારે આ પ્રયોગ કરવામાં આવી શકે છે. ક્લાઉડ સીડિંગ માટે ઉપયોગમાં લેવાતી ટેક્નૉલૉજી પર આધારિત હોવાથી અત્યારે બીએમસી પાસે અંદાજિત ખર્ચનો આંકડો નથી. નોંધનીય છે કે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદને પ્રેરિત કરવા માટે થોડું વાદળનું આવરણ અને ભેજનું પ્રમાણ હોવું જરૂરી છે.

mumbai news maharashtra news brihanmumbai municipal corporation