31 July, 2023 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
વસઈ-વિરારમાં હવે ગેરકાયદે બાંધકામોને વીજજોડાણ આપવામાં આવશે નહીં, કારણ કે મહાવિતરણના લીગલ વિભાગે વસઈ વિભાગને ગેરકાયદે જાહેર કરાયેલાં બાંધકામોને વીજજોડાણ ન આપવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચ દ્વારા એક જાહેર હિતની અરજીના આધારે આપવામાં આવ્યો હતો. વસઈ-વિરારમાં આ આદેશનો અમલ કરવા માટે છેલ્લાં ૬ વર્ષથી પાઠપુરાવો ચાલી રહ્યો હતો. એથી ગેરકાયદે બાંધકામો પર અંકુશ તો લાગશે અને એની સાથે લોકો સાથે છેતરપિંડી પણ નહીં થાય.
મુંબઈમાંથી લોકો વસઈ-વિરારમાં ઘર ખરીદી કરતા હોય છે. કેટલાક લોકોને જાણ ન હોવાથી ગેરકાયદે બાંધકામોમાં પણ રોકાણ કરી દેતા હોય છે અને પછી કાગળિયાં લઈને દરેક વિભાગમાં ફરિયાદ કરવા જતા હોય છે. જોકે આવાં બાંધકામોને વીજજોડાણો આપવામાં આવતાં મોટી સંખ્યામાં ગેકરકાયદે બાંધકામો વિકસ્યાં હતાં. ૨૦૧૭માં નાગપુર બેન્ચે જાહેર હિતની એક અરજી પર નિર્ણય આપતાં સ્પષ્ટ કર્યું હતું કે પ્રશાસન દ્વારા ગેરકાયદે જાહેર કરવામાં આવેલાં અને વિકાસ નિયંત્રણ નિયમન (ડીસીઆર) મુજબ સુરક્ષાની દૃષ્ટિએ જોખમી જાહેર કરવામાં આવેલાં બાંધકામોને નવાં વીજમીટરો પૂરાં પાડી શકાય નહીં. સામાજિક કાર્યકરોએ માગ કરી હતી કે નાગપુર બેન્ચના આ આદેશનો વસઈ-વિરારમાં અમલ કરવામાં આવે, પરંતુ મહાવિતરણના વસઈ વિભાગે નાગપુર બેન્ચના આ આદેશનો અમલ કરવામાં અસમર્થતા દર્શાવી હતી.
૬ વર્ષ સુધી ટાળવામાં આવ્યું
નાગપુર બેન્ચના આ આદેશને વસઈમાં લાગુ કરી શકાય કે નહીં એ બાબતે કાયદાકીય માર્ગદર્શન મેળવવા માટે વસઈના વરિષ્ઠ એન્જિનિયરે ૨૦૧૭માં કલ્યાણ વિભાગને આ વિશે કાનૂની માર્ગદર્શન મેળવવા માટે પત્ર લખ્યો હતો. કલ્યાણ વિભાગે આ મુદ્દાને મહાવિતરણના લીગલ વિભાગને મોકલી આપ્યો હતો, પરંતુ છ વર્ષ પછી પણ મુખ્ય કાનૂની અધિકારીએ જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ નાલાસોપારાનું એક યુવા સંગઠન આ કેસમાં કાયદાકીય વિભાગ સાથે સતત ફૉલોઅપ કરી રહ્યું હતું.
આદેશ શું છે?
આખરે ૬ વર્ષ બાદ મહાવિતરણના મુખ્ય લીગલ અધિકારીએ આ સંદર્ભે આદેશ જાહેર કર્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે પ્લાનિંગ ઑથોરિટી દ્વારા ગેરકાયદે અને ડેવલપમેન્ટ કન્ટ્રોલના નિયમો મુજબ સલામતીની દૃષ્ટિએ જોખમી જાહેર કરાયેલાં બાંધકામોમાં નવાં વીજમીટરો જોડવાં જોઈએ નહીં તેમ જ જનતાની સલામતી માટે હાઈ-ટેન્શન વીજલાઇનોથી યોગ્ય અંતર જાળવીને વીજજોડાણો કરવાં જોઈએ. આ આદેશનો અમલ કરતી વખતે હાઈ કોર્ટના આદેશની અમલબજામણી કરીને કોર્ટનું અવમાન થશે નહીં એ માટે કાળજી લેવાની પણ સૂચના આપવામાં આવી છે. એટલે હવે મહાવિતરણ ગેરકાયદે બાંધકામોને નવાં વીજમીટરો જોડીને આપવાની મંજૂરી આપશે નહીં. એથી ગેરકાયદે બાંધકામો પર અંકુશ આવશે અને લોકોની આર્થિક છેતરપિંડી બંધ થશે.