07 June, 2023 12:05 PM IST | Mumbai | Mehul Jethva
મુલુંડ કાલિદાસનો સ્વિમિંગ-પૂલ
મુલુંડ-વેસ્ટમાં આવેલા કાલિદાસ સંકુલના સ્વિમિંગ-પૂલમાં નાખેલો ફિલ્ટરેશન પ્લાન્ટ આશરે ૪૦ વર્ષ જૂનો હોવાથી વારંવાર બંધ પડી જાય છે. છેલ્લા એક મહિનામાં ત્રણ વાર સ્વિમિંગ-પૂલ બંધ થયો હોવાથી અહીં આવતા આશરે ૪,૦૦૦ મેમ્બરો મુશ્કેલીમાં મુકાયા છે. આની કેટલીયે ફરિયાદો પણ કરવામાં આવી છે. જોકે એ પછી પણ અહીં આ કામ કરવામાં આવ્યું નથી.
મુલુંડ-વેસ્ટમાં પી. કે. રોડ પર આવેલો કાલિદાસ કૉમ્પ્લેક્સ એટલે કે પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી ક્રીડા સંકુલમાં ૧૨થી ૧૫ પ્રકારની ફિટનેસ ઍક્ટિવિટી કરાવવામાં આવે છે. મુલુંડ અને આસપાસના વિસ્તારોમાં સ્વિમિંગ માટે કોઈ ફૅસિલિટી ન હોવાથી આશરે ૪,૦૦૦ મેમ્બરો સ્વિમિંગ કરવા માટે અહીં આવે છે. જોકે અહીં સ્વિમિંગ માટે રાખેલો ફિલ્ટરેશન પ્લાન્ટ ૪૦ વર્ષ જૂનો હોવાથી વારંવાર બંધ થતો હોવાની ફરિયાદો ગયા વર્ષે પણ કરવામાં આવી હતી. એ સાથે મે મહિનામાં અને જૂન મહિનામાં કુલ ત્રણ વાર સ્વિમિંગ-પૂલમાં ટેક્નિકલ પરેશાનીઓ આવવાથી બંધ રાખવાની ફરજ પડી હતી, જેની સામે અહીંના મેમ્બરો રોષે ભરાયા છે. કેટલાક સમર કૅમ્પ હાલમાં ચાલુ હોવાથી બાળકોને પણ ખૂબ પરેશાની આ બંધ સ્વિમિંગ-પૂલને કારણે ભોગવવી પડી હતી.
મુલુંડ પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી ક્રીડા સંકુલના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાલિદાસમાં સ્વિમિંગ-પૂલનુ ઉદ્ઘાટન ૧૯૮૪માં કરવામાં આવ્યું હતું, જે પછી અહીંનો ફિલ્ટરેશન પ્લાન્ટ દિવસે ને દિવસે વીક થતો ગયો હતો. એના માટે પાલિકાએ ૨૦૧૬ના બજેટથી હાલ સુધીના બજેટમાં ફિલ્ટરેશન પ્લાન્ટ નવો તૈયાર કરવા માટે રકમ ફાળવી હતી. જોકે હજી સુધીમાં કોઈ કામ કરવામાં આવ્યું નથી, જેને કારણે વારંવાર ફિલ્ટરેશન પ્લાન્ટ ખરાબ થતો હોય છે અને અહીંના મેમ્બરોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે.’
સ્વિમિંગ-પૂલનો ફિલ્ટરેશન પ્લાન્ટ જોઈ રહેલા અધિકારીઓ
પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી ક્રીડા સંકુલના સ્વિમિંગ-પૂલ ઇન્ચાર્જ સમીર કેસળકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં ફિલ્ટરેશન પ્લાન્ટમાં કચરો ભેગો થયો હોવાથી બે દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. હાલમાં સમર કૅમ્પ ચાલી રહ્યા છે એટલે અહીં આવવાવાળા લોકોની સંખ્યા વધારે છે, જેને કારણે એનો ઉપયોગ પણ વધ્યો છે અને એ કારણસર પરેશાનીઓ આવી રહી છે.’
અહીં સ્વિમિંગ કરવા આવતા વિલાસસિંહ રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્વિમિંગ-પૂલ પર ખર્ચો કરવામાં આવ્યો નથી, જેના કારણે વારંવાર બંધ થવાની સમસ્યા આવી રહી છે. મુલુંડ અને આસપાસમાં સ્વિમિંગ માટેની બીજી કોઈ સુવિધા ન હોવાથી આ પરેશાની હોવા છતાં અમને નાછૂટકે અહીં જવાની ફરજ પડે છે.’
મુલુંડના સ્થાનિક વિધાનસભ્ય મિહિર કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્વિમિંગ-પૂલ બહુ વર્ષો જૂનો હોવાથી એને બદલી કરવાની અત્યંત જરૂર છે. એ માટે મેં પાલિકાના સિનિયર અધિકારીઓની બે વાર મુલાકાત લીધી હતી અને અહીંની સમસ્યાથી તેમને વાકેફ કર્યા હતા. એ પછી તેઓ અહીં નવો પ્લાન્ટ બેસાડવા માટે તૈયાર થયા છે.’