28 November, 2024 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જલજ ધીર
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ૧૨૦થી ૧૫૦ની સ્પીડ પર કાર ચલાવી રહેલા કૉલેજિયને કાર હાઇવે પર જ રાખવી કે સર્વિસ રોડ પર લઈ જવી એનો નિર્ણય ન લઈ શકવાના ચક્કરમાં એનો ડિવાઇડર સાથે ઍક્સિડન્ટ કરી દીધો હતો, જેમાં ફિલ્મમેકર અશ્વિની ધીરના ૧૮ વર્ષના પુત્ર જલજ ધીર અને સાર્થક કૌશિકનાં મૃત્યુ થયાં હતાં. અશ્વિની ધીરે ‘સન ઑફ સરદાર’ અને ‘અતિથિ તુમ કબ જાઓગે?’ જેવી ફિલ્મો બનાવી છે. તેઓ ટીવી શોઝ ‘ઑફિસ-ઑફિસ’, ‘લાપતાગંજ’ અને ‘ચિડિયાઘર’ સાથે પણ જોડાયેલા હતા. અશ્વિની ધીર પુત્ર જલજ સાથે ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)માં જવાના હતા.
શનિવારે રાતે બનેલી આ ઘટનામાં તેઓ બન્ને કારની પાછળની સીટ પર બેઠા હતા, જ્યારે કાર સાહિલ મેન્ડા ચલાવી રહ્યો હતો અને જિદાન જિમ્મી તેની બાજુમાં ફ્રન્ટ સીટ પર હતો. તેઓ બાંદરાથી ટેકઅવે જૉઇન્ટ પરથી ફૂડ લઈને ગોરેગામ જઈ રહ્યા હતા. ઍક્સિડન્ટ થયો ત્યારે આ લોકો દારૂના નશામાં હતા કે નહીં એની તપાસ કરવા માટે પોલીસે બ્લડ-સૅમ્પલ્સ લીધાં છે અને એના રિપોર્ટની રાહ જોઈ રહી છે.