એનઆઇએનો ટાર્ગેટ આઇએસઆઇએસ

10 December, 2023 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે ગ્રામીણ સહિત મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં ૪૪ સ્થળે રેઇડ પાડી પંદરની અરેસ્ટ કરી : આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ સાથે જોડાયેલા આ લોકોને નજીકના પહાડી વિસ્તારોમાં બૉમ્બબ્લાસ્ટ કરવાની ટ્રેઇનિંગ આપવામાં આવતી હતી : તેમની પાસેથી બૉમ્બ બનાવવાનું સાહિત્ય મળી આવ્યુ

એનઆઇએનો ટાર્ગેટ આઇએસઆઇએસ


મુંબઈ ઃ પુણેમાં જુલાઈ મહિનામાં બાઇકચોરીના કેસમાં પકડાયેલા બે આરોપીની પૂછપરછ વખતે તેઓ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ (ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા) સાથે જોડાયેલા હોવાનું બહાર આવતાં એ કેસ ત્યાર બાદ મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)ને ટ્રાન્સફર કરાયો હતો. એટીએસ દ્વારા જ્યારે તેમની પૂછપરછ કરાઈ ત્યારે અનેક વિગતો સામે આવતાં આખરે એની જાણ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને કરવામાં આવી હતી. ત્યાર બાદ એનઆઇએએ આ કેસની ગંભીરતાથી તપાસ ચાલુ કરી હતી. એ અંતર્ગત એનઆઇએએ તપાસ કરીને ઑગસ્ટમાં પાંચ આરોપીને ઝડપી લીધા હતા. એનઆઇએ દ્વારા ત્યાર બાદ ગઈ કાલે પરોઢિયે ચાર વાગ્યાથી મહારાષ્ટ્ર એટીએસ અને સ્થાનિક પોલીસની મદદ સાથે થાણે ગ્રામીણના પડઘા સહિત ૩૧ જગ્યાએ, થાણે સિટીમાં ૯ જગ્યાએ અને મીરા-ભાઈંદરમાં એક અને પુણેમાં બે જગ્યાએ એમ ૪૪ જગ્યાએ એકસાથે રેઇડ પાડવામાં આવી હતી. કર્ણાટકના બૅન્ગલોરમાં પણ આ સંદર્ભે એનઆઇએ દ્વારા રેઇડ પાડવામાં આવી હતી અને ૧૫ જણને તાબામાં લેવાયા હતા. ત્યાર બાદ તેમની અરેસ્ટ કરાઈ હતી.  
એનઆઇએના ઑફિસરના જણાવ્યા અનુસાર આરોપીઓ જિહાદ, ખિલાફત અને આઇએસઆઇએસની આઇડિયોલૉજીને અનુસરતા હતા. તેઓ સામાજિક એખલાસ અને શાંતિનો ભંગ કરવાનો ઇરાદો ધરાવતા હતા અને આમ તેઓ દેશ સામે ખતરો હતા. આ આરોપીઓએ પડઘાના એક ગામને જાતે જ આઝાદ ઝોન ડિક્લેર કરી નાખ્યું હતું. એટલું જ નહીં, તેઓ પડઘાને મુખ્ય બેઝ બનાવવા ગરીબ અને અણસમજુ મુસ્લિમ યુવાનોને તેમનું ગામ છોડીને પડઘાના આ વિસ્તારમાં રહેવા આવવા સમજાવતા હતા. આ રેઇડ દરમ્યાન તેમની પાસેથી મોટા પ્રમાણમાં રોકડ, ગન્સ, ધારદાર હથિયારો, વાંધાજનક સાહિત્ય, સ્માર્ટફોન અને અન્ય ડિજિટલ ડિવાઇસ મળી આવ્યાં હતાં. દેશભરમાં આતંક ફેલાવવાનો તેમનો ઇરાદો હતો.
આ મૉડ્યુલનો મુખ્ય આરોપી સાકિબ નાચન પોતે આઇએસઆઇએસનો ખલીફા હોવાનું કહી તેમની ખિલાફતની આતંકની ચળવળને આગળ ધપાવવા સોગંદ લેવડાવતો હતો. સાકિબ નાચનને પણ આ રેઇડ દરમ્યાન ઝડપી લેવાયો છે.   

ગઈ કાલની ૪૪ સ્થળની રેઇડ દરમ્યાન ૧૫ જણની અરેસ્ટ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી બૉમ્બ બનાવવાનું કેટલુંક સાહિત્ય પણ મળી આવ્યું છે. વધુમાં એવું કહેવાઈ રહ્યું છે કે આ લોકોનું આતંકવાદી સંગઠનમાં જોડાવા બ્રેઇનવૉશ કરાયું હતું અને તેમને બૉમ્બ કઈ રીતે બનાવવા અને ફોડવા એની પુણે નજીકના પહાડી વિસ્તારોમાં ટ્રેઇનિંગ પણ આપવામાં આવી હતી. વળી તેમના સંગઠન અલ કાયદા સાથે પણ સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું. 

શું છે પુણે ટેરર મૉડ્યુલ કેસ?
પુણેના કોથરુડ વિસ્તારમાં જુલાઈ મહિનામાં બાઇકચોરીના એક કેસમાં કોથરુડ પોલીસના બે કૉન્સ્ટેબલ પ્રદીપ ચૌહાણ અને અમોલ નાજને મધ્ય પ્રદેશના બે યુવાનો મોહમ્મદ ઇમરાન ખાન અને મોહમ્મદ સાકી તેમ જ શાહનવાઝને પકડ્યા હતા. પોલીસ તેમને પકડીને પોલીસ સ્ટેશન લાવી રહી હતી ત્યારે શાહનવાઝ તેમની પકડ છોડાવીને નાસી ગયો હતો. મોહમ્મદ ઇમરાન અને મોહમ્મદ સાકીની પૂછપરછમાં એવી માહિતી મળી કે રાજસ્થાનમાં એક કારમાંથી મળી આવેલા એક્સપ્લોઝિવના કેસમાં તે બન્ને વૉન્ટેડ છે અને તેઓ સુફા આતંકવાદી સંગઠનના સભ્ય છે. એથી કેસની ગંભીરતા વધી ગઈ હતી અને કેસ મહારાષ્ટ્ર એટીએસને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ કેસને પુણે ટેરર મૉડ્યુલ નામ આપી તપાસ ચલાવીને બીજા પાંચ આતંકવાદીઓને નવેમ્બર મહિનામાં ઝડપી લેવાયા હતા. બાઇકચોરીના કેસમાં પકડાયેલા ઇમરાન, શાહનવાઝ અને યુનુસ એ ત્રણે પુણેની આઇટી ફર્મમાં કામ કરતા એન્જિનિયર ઝુલ્ફીકાર બોર્ડવાલા સાથે સંપર્કમાં હતા. ઝુલ્ફીકારે તેમને સંગઠનના કામની ટ્રેઇનિંગ આપી હતી અને તેમની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા તેમને પૈસા આપતો હતો. જોકે આઇએસઆઇએસને લગતા જ એક અન્ય કેસમાં ઝુલ્ફીકારની ત્રીજી જુલાઈએ ધરપકડ થઈ હતી અને ત્યાર બાદ તેમને પૈસા મળતા બંધ થઈ ગયા હતા. એ પૂછપરછ વખતે પુણેના કોંઢવામાં રહેતા ડૉ. અદનાન અલી સરકારનું નામ બહાર આવ્યું હતું, તેના ઘર પર છાપો મારતાં જાણવા મળ્યું હતું કે તે આઇએસઆઇએસ સાથે સંપર્ક ધરાવતો હતો અને નવા-નવા યુવાનોને કઈ રીતે સંગઠનમાં જોડવા એ બદલનું સાહિત્ય પણ તેની પાસેથી મળી આવ્યું હતું. એથી તેની પણ ધરપકડ કરાઈ હતી. વળી આ આરોપીઓ પાસેથી યહૂદી સેન્ટરનો ફોટો પણ મળી આવ્યો હતો. એથી એવી આશંકા હતી કે તેઓ ઇઝરાયલી-યહૂદી ધર્મસ્થળ પર અટૅક કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. એને લઈને મુંબઈના કોલાબામાં આવેલા યહૂદી ધર્મસ્થળ છાબડ હાઉસની સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો હતો.  

કોણ છે સાકિબ નાચન?
સાકિબ નાચન ૨૦૦૨ અને ૨૦૦૩માં થયેલા મુંબઈ સેન્ટ્રલ બ્લાસ્ટ, વિલે પાર્લે અને મુલુંડ બ્લાસ્ટનો ગુનેગાર હતો. તેની સામે આર્મ્સ ઍક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો અને તેને ૧૦ વર્ષની સજા થઈ હતી.    

અરેસ્ટ કરાયેલા આરોપીઓ 
સાકિબ નાચન, હસીબ મુલ્લા, મુસબ મુલ્લા, રેહાન સુસે, ફરહાન સુસે, ફિરોઝ કુવારી, મુખલિસ નાચન, સૈફ અતિક નાચન, યાહ્યા ખોત, રફિલ નાચન, રજીલ નાચન, શગફ દીવાકર, કાસિફ બેલારે અને મુન્જિર કેપી. 

mumbai news maharashtra news pune news mumbai police