Field Hospital Scam: કોરોના કાળમાં BMC કર્મચારીએ લીધી લાંચ, 25 લાખ ઉડાવાયા ડાન્સ બારમાં

01 August, 2023 07:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈની કોવિડ ફિલ્ડ હોસ્પિટલ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરે દાવો કર્યો છે કે BMCના અધિકારીએ કોવિડ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો હતો. તેણે 25 લાખ રૂપિયાની લાંચ લીધી હતી.

ફાઈલ તસવીર

દેશમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે એક યા બીજી રીતે કોરોના મહામારી (Coronavirus)થી પ્રભાવિત ન થઈ હોય. આ આફતમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે કોરોના કાળ દરમિયાન કેટલાક લોકોના ખરાબ ઈરાદા પણ બહાર આવ્યા હતા. 

મુંબઈની કોવિડ ફિલ્ડ હોસ્પિટલ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાવો કર્યો છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીએ કોવિડ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો હતો. તેણે 25 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. તેણે આ રકમ મુંબઈના ડાન્સ બારમાં પણ ઉડાવી હોવાની માહિતી સામે આવી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ EDએ તાજેતરમાં શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)ના નજીકના મિત્ર સુજીત પાટકર અને ઉત્તરીય ઉપનગર દહિસરમાં કોરોના દર્દીઓ માટેની કોવિડ ફિલ્ડ હોસ્પિટલ ચલાવનાર ડીન ડૉ. કિશોર બિસુરની ધરપકડ કરી છે.

એજન્સીએ ધરપકડ કરાયેલા આરોપીઓ અને બીએમસીના શંકાસ્પદ કર્મચારીઓના નિવેદનો નોંધ્યા હતા. આ દરમિયાન BMCના એક કર્મચારીએ EDને જણાવ્યું હતું કે, “તેમને 25 લાખ રૂપિયાની રકમ લાંચ તરીકે આપવામાં આવી હતી. સાથે જ આ રકમ મુંબઈના ડાન્સ બારમાં પણ ઉડાડવવામાં આવી હતી.”

તપાસ કરનાર એજન્સીએ જણાવ્યું હતું કે, “પાટકર અને તેના ત્રણ સાથી મિત્રોએ મળીને કોરોના સમયગાળા દરમિયાન લાઈફલાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસ નામની કંપની બનાવી હતી. BMCએ આ નવી કંપનીને મુંબઈના દહિસરમાં કોરોના દર્દીઓ માટેની ફિલ્ડ હોસ્પિટલના સંચાલન માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

ઇડીનું આ મામલામાં કહેવું છે કે, “આ આરોપીઓએ અડધા જ જરૂરી હેલ્થ કેર વર્કર્સ પૂરા પાડ્યા હતા અને BMCને ખોટા બિલ આપ્યા હતા. અને આ લોકોના કહેવા પર BMCએ 32 કરોડના બિલ ક્લિયર પણ કરી નાખ્યા હતા. ફિલ્ડ હોસ્પિટલના વાસ્તવિક કામ માટે માત્ર રૂ. 8 કરોડનો ઉપયોગ થયો હતો અને બાકીની રકમ અન્ય ખોટા હેતુઓ માટે વાપરવામાં આવી હતી.

આ કેસમાં સુજીત પાટકરને મુખ્ય આરોપી ગણવામાં આવ્યો છે. કેન્દ્રીય એજન્સીએ પોતાનું નિવેદન આપતાં જણાવ્યું છે કે, “ભ્રષ્ટાચારની આ સમગ્ર રમતમાં નકલી એટેન્ડેન્સ શીટ બનાવવામાં આવી હતી. બીએમસી(Brihanmumbai Municipal Corporation)ને નકલી બિલ આપવામાં આવ્યા હતા. સાથે જ પાટકરે કથિત રીતે ડો. બિસુરે અને અન્ય લોકો સાથે મળીને નકલી એટેન્ડેન્સ શીટ તૈયાર કરી હતી.

આ રકમ નકલી કંપનીઓ દ્વારા ખોટી રીતે વાપરવામાં આવી હતી. આ રકમનો ઉપયોગ BMC કર્મચારીઓને લાંચ આપવા માટે કરવામાં આવ્યો હતો. BMCના કર્મચારીઓ જે ભલે આ કેસમાં સંકળાયેલા ન હોય છતાં તેઓ કોઈ વિરોધ ન કરે તે માટે સોનાના સિક્કા આપવામાં આવ્યા હતા.

sanjay raut coronavirus directorate of enforcement brihanmumbai municipal corporation mumbai news dahisar mumbai