19 October, 2024 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દરિયામાં ફેરીનો આનંદ
આજથી મુંબઈગરાને વધુ એક આનંદપ્રમોદનું સાધન મળશે. આજથી ભાઈંદર અને વસઈ જેટીથી ‘ફેરી કી સવારી’નો લાભ મળી શકશે. જે રીતે ગેટવેથી લૉન્ચમાં એક ચક્કર મારવા લઈ જવાય છે એ રીતે ભાઈંદર અને વસઈ જેટીથી પણ દરિયાની સફર માણવાનો આનંદ લઈ શકાશે. જોકે આ ફેરીનો લહાવો એ છે કે એમાં સાથે કૅફે, મ્યુઝિક અને ડાન્સની ફૅસિલિટી પણ છે. વળી આ લૉન્ચ પ્રાઇવેટ પાર્ટી હલ્દી કે પછી પ્રી-વેડિંગ શૂટ જેવા પ્રસંગો માટે પણ મળી શકશે.
‘ફેરી કી સવારી’ તરફથી જણાવવામાં આવ્યા મુજબ આ લૉન્ચમાં ૧૦૦થી ૧૧૦ જેટલા ગેસ્ટની જ કૅપેસિટી હશે, કારણ કે બોટનો સ્ટાફ અને સાથે લાઇફગાર્ડ સિક્યૉરિટીનો સ્ટાફ પણ હશે. લોઅર ડેક, મિડલ ડેક અને અપર ડેક એમ ત્રણ ડેકના સફરના ઑપ્શન આપવામાં આવ્યા છે. એક કલાકની ફેરીના લોઅર ડેકના ૧૫૦ રૂપિયા, મિડલ ડેકના ૨૫૦ અને અપર ડેકના ૪૦૦ રૂપિયા ચાર્જ કરવામાં આવશે. એ પ્રમાણે સુવિધા પણ પ્રોવાઇડ કરવામાં આવશે.
મજાની વાત એ છે કે સાંજે સાત વાગ્યે અધારું થતાં આ ફેરી બોટ ભાઈંદરમાં જેટી પર લાંગરી દેવામાં આવશે અને એનો ફ્લોટિંગ રેસ્ટોરાં તરીકે ઉપયોગ થશે. લોકો એમાં બેસીને ડિનરનો આસ્વાદ માણી શકશે. આમ મુંબઈગરાને મજા માણવાનો એક વધુ ઑપ્શન મળી ગયો છે.