01 October, 2024 08:21 AM IST | Mumbai | Mehul Jethva
થેપલા
કોરોનાના સમયથી મોટી સંખ્યામાં લોકો (ખાસકરીનેગૃહિણીઓ) પોતાના ઘરેથી ફરસાણ અને મીઠાઈ બનાવીને વેચતા હોવાનું ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના અધિકારીઓના ધ્યાનમાં આવતાં આ વખતે તહેવારોની સીઝનમાં આ રીતે બિઝનેસ કરનારાઓ તેમના ટાર્ગેટ પર છે. FDAનું કહેવું છે કે આ રીતે ધંધો કરવો ગેરકાયદે હોવાથી જે કોઈ પણ પકડાશે તેમની ખિલાફ ઍક્શન લેવામાં આવશે. એના માટે તેમની એક ટીમ સોશ્યલ મીડિયા પણ મૉનિટર કરી રહી છે, કારણ કે ગૃહિણી ઓસ્ટેટસ પર અથવા તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર પોતાની વાનગીઓનું માર્કેટિંગ કરતી હોય છે.
મુંબઈ FDAના જૉઇન્ટ કમિશનર મહેશ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષે ઘરોમાંથી ખાદ્યપદાર્થો વેચનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે અમે ટીમ બનાવી છે, કારણ કે ઘરમાંથી વેચાણ કરતા લોકો અમારા વિભાગના કેટલાક માપદંડનું પાલન કરતા નથી જેમ કે ફરસાણ બનાવવા માટે જે તેલ વાપરવામાં આવ છે એ અમારા નિયમ પ્રમાણે બે અથવા વધુમાં વધુ ત્રણ વાર વાપરી શકાય છે. ત્યાર બાદ આ તેલ ખાદ્યપદાર્થની વસ્તુ માટે ઉપયોગમાં લઈનથી શકાતું. જોકે ઘરેથી બિઝનેસ કરતા લોકો આવા બધા નિયમોનું પાલન કરતા નથી જેને કારણે નાગરિકોના જીવને જોખમ ઊભું થઈ શકે છે એટલે આ વખતે તેમની સામે કાર્યવાહી કરવા પરઅમે વધુ જોર આપવાના છીએ. આ લોકોનો તમામ માલ જપ્ત કરવામાં આવશે તેમ જ અમારા નિયમ મુજબ તેમને દંડ પણ કરવામાં આવશે.’
આ સિવાય આગામી નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં દૂધ,મસાલા,તેલ જેવા ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા દુકાનદારો,હોલસેલરો અને મૅન્યુફૅક્ચરરો સામે પણકાર્યવાહી કરવા FDAએએકટીમબનાવીછેજેરાઉન્ડધ ક્લૉકકામકરશે. આ કાર્યવાહી માટે વિજિલન્સટીમ પણ તૈયાર કરવામાં આવી છે.
નવરાત્રિ અને દિવાળીને ધ્યાનમાં રાખીને FDAની ટીમ મીઠાઈ અને ફરસાણના ધંધા સાથે સંકળાયેલા વેપારી અને તેમના અસોસિએશન સાથે પણ એક મીટિંગનું આયોજન કરવાની છે. એ વિશે મહેશ ચૌધરીએ કહ્યું હતું કે ‘અમારા ધ્યાનમાં આવ્યું છે કે તહેવારોની સીઝનમાં દૂધ અને દૂધમાંથી બનાવવામાં આવતા માવો, પનીર, દહીં અને ઘી જેવી વસ્તુઓ ગુજરાત અને રાજસ્થાનથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આવતી હોય છે. આ બધું સસ્તા ભાવે મગાવવામાં આવતું હોવાથી હલકી ગુણવત્તાવાળું તેમ જ એમાં ભેળસેળ હોવાની ભારોભાર શક્યતા હોવાથી અમુક વેપારીઓને આ બધું બહારથી ન મગાવવાની સલાહ અમે આપી દીધી છે અને બાકીના વેપારીઓને મીટિંગમાં આપીશું એટલું જ નહીં, આ વસ્તુઓ ક્યાં તૈયાર થઈ છે એની વિગતવાર માહિતી પણ તેમણે અમને આપવાની રહેશે.ઉત્પાદકોએ ખાદ્યપદાર્થો બનાવતી જગ્યા એકદમ સ્વચ્છ રાખવાની રહેશે.’
આ અભિયાન ડિસેમ્બર સુધી રહેશે
ખાદ્યપદાર્થોના ભેળસેળના મામલાઓને અંકુશમાં લાવવા માટે FDA દ્વારા શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.નવરાત્રિ,દિવાળી અને ક્રિસમસને ધ્યાનમાં રાખીને તહેવારોના સમય દરમ્યાન દૂધ અને દૂધથી બનાવેલી ચીજોનું વેચાણ કરતા લોકો પર કડક નજર રાખવામાં આવશે.