27 September, 2024 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધિવિનાયક મંદિરમાં તૈયાર થઈ રહેલા લાડુ.
સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદના કન્ટેનરમાં ઉંદર ફરતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા પછી મુંબઈ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ પ્રાથમિક તપાસ કરી હતી. આ તપાસમાં વાઇરલ થયેલા વિડિયો જેવું દૂર-દૂર સુધી કંઈ મળી આવ્યું ન હોવાનું FDAએ જણાવ્યું છે. એમ છતાં પ્રસાદ તરીકે વેચાતા લાડુનાં સૅમ્પલ લઈને લૅબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં છે. આ ઉપરાંત સિદ્ધિવિનાયક મંદિરને સુધારા કરવાની નોટિસ પણ આપવામાં આવી છે.
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ સિદ્ધિવિનાયક મંદિરને બ્લેસિંગ હાઇજીનિક ઑફરિંગ ટુ ગૉડ (BHOG) સર્ટિફિકેટ આપ્યું છે અને જો સિદ્ધિવિનાયક મંદિરમાં આવી ગંદકી હોય, ઉંદર ફરતા હોય તો એ બહુ જ ચિંતાનો વિષય બની શકે છે એમ જણાવતાં FDAનાં અસિસ્ટન્ટ કમિશનર અનુપમા પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર ફરતા વિડિયો બહુ જ ચોંકાવનારા હતા. ત્યાર પછી મંગળવારે બપોરે અમારી એક ટીમે મંદિરની મુલાકાત લઈને જે જગ્યાએ લાડુ તૈયાર કરવામાં આવે છે એ કિચનની મુલાકાત લીધી હતી. એ જગ્યાએ વિડિયોમાં જે રીતે બધું દેખાડવામાં આવ્યું હતું એવી કોઈ પ્રકારની ચીજો નથી મળી આવી એટલું જ નહીં, બહુ જ સ્વચ્છ રીતે અહીં લાડુ તૈયાર કરવામાં આવતા હોવાનું અમને નજરે પડ્યું હતું.’
FDAના અમુક નિયમો યોગ્ય રીતે પાળવામાં ન આવતાં અમે સિદ્ધિવિનાયક મંદિરને સુધારણા નોટિસ આપી છે એમ જણાવતાં અનુપમા પાટીલે વધુમાં કહ્યું હતું કે ‘સુધારણા નોટિસ અનુસાર તેમને સ્ટાફને ટ્રેઇનિંગ આપવા ઉપરાંત રેટ-ટ્રૅપ બેસાડવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે નાના-નાના મુદ્દાઓ જેમ કે FDAનું લાઇસન્સ જાહેરમાં લગાડવું, સાફસફાઈ કેવી રીતે કરવી આ બધા મુદ્દાઓનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.’