19 December, 2024 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) વિભાગ દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો આપતા લોકો સામે લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવે છે. વર્ષભર આ કામગીરી ચાલતી જ હોય છે. ૩૧ ડિસેમ્બર પહેલાં FDA દ્વારા મુંબઈમાં સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી તમામ હોટેલોમાં ફૂડ-સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં એનું નિરીક્ષણ કરાતું હોય છે. જોકે હાલમાં મુંબઈ FDA પાસે આશરે ૫૦૦૦ કરતાં વધારે હોટેલોનું નિરીક્ષણ કરવા માટે માત્ર પાંચ ફૂડ સેફ્ટી ઑફિસરો હોવાનું પ્રકાશમાં આવ્યું છે ત્યારે નાગરિકોના આરોગ્ય સાથે આ વિભાગ સંકળાયેલો હોવાથી એક પ્રકારે જોખમ ઊભું થયું છે.
દર વર્ષે ૩૧ ડિસેમ્બરને નવા વર્ષની શરૂઆત તરીકે મુંબઈમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે એમ જણાવતાં FDA મુંબઈના PRO અશ્વિની રાજણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દિવસે મોટી સંખ્યામાં નાગરિકો ભોજનનો આનંદ માણવા હોટેલ, રેસ્ટોરાં અને ક્લબમાં જતા હોય છે. આને કારણે આ સ્થળોએ ખોરાકની ડિમાન્ડ નોંધપાત્ર રીતે વધે છે. ઉજવણીને ધ્યાનમાં રાખીને અમારી ટીમ હોટેલ, રેસ્ટોરાં અને ક્લબનું વિશેષ નિરીક્ષણ અભિયાન હાથ ધરતી હોય છે જેમાં હલકી ગુણવત્તાવાળો ખોરાક સપ્લાય ન કરે એની ખાતરી કરવા અને ફૂડ પૉઇઝનિંગ જેવી ઘટનાને રોકવા માટેનો પ્રયાસ કરવામાં આવતો હોય છે એટલું જ નહીં, ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ ૨૦૦૬ના નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. જોકે આ વખતે સ્ટાફની અછતને કારણે અમારી સામે પડકારો ઊભા થયા છે એ છતાં બીજા ઝોનમાંથી આઉટસોર્સિંગથી સ્ટાફ મગાવી હોટેલોનું નિરીક્ષણ કરવાની અમે કોશિશ કરી રહ્યા છીએ.’
૪૯ની જરૂરિયાત સામે માત્ર પાંચ
મુંબઈ FDAમાં ૪૯ ફૂડ સેફ્ટી ઓફિસરોની જગ્યાએ માત્ર હાલમાં પાંચ અધિકારીઓ કામ કરી રહ્યા છે એમ જણાવતાં મુંબઈ FDAના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્યનું FDA ખૂબ જ ઓછા માનવબળ સાથે હાલમાં કાર્યરત છે ત્યારે મુંબઈ FDA પાસે ઓછામાં ઓછા ૪૯ ફૂડ સેફ્ટી ઑફિસરો હોવા જોઈએ એની બદલે હાલમાં પાંચ છે એમાંથી પણ બે અધિકારીઓ રોજ જનરલ કાર્યવાહી કરતા હોય છે. બાકીના ત્રણ અધિકારી પાસે હોટેલ, રેસ્ટોરાં અને ક્લબનું વિશેષ નિરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. બેથી ત્રણ દિવસ અમે થાણે વિભાગમાંથી આઉટસોર્સિંગથી સ્ટાફ મગાવી મુંબઈમાં નિરીક્ષણ કરાવ્યું હતું. જોકે હાલમાં ત્યાં પણ સ્ટાફની અછત હોવાથી હવે તેઓને પણ અમે બોલાવી નથી રહ્યા.’