લેપ્રોસ્કોપિક સર્જરીના પિતામહ ડૉક્ટર ઉદવાડિયાનું નિધન

09 January, 2023 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮૮ વર્ષના ડૉક્ટર રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ભાયખલાની જે. જે. હૉસ્પિટલ સાથે દાયકાઓથી સંકળાયેલા હતા

ડૉક્ટર ટી. ઇ. ઉદવાડિયા

ભારતમાં લેપ્રોસ્કોપિક સર્જરીના પિતા તરીકે જાણીતા ડૉક્ટર ટી. ઇ. ઉદવાડિયાનું લાંબી બીમારી બાદ શનિવારે સવારે ૧૧.૫૦ વાગ્યાની આસપાસ નિધન થયું હતું.

૮૮ વર્ષના ડૉક્ટર રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ભાયખલાની જે. જે. હૉસ્પિટલ સાથે દાયકાઓથી સંકળાયેલા હતા. તેમણે બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં છેલ્લા કેટલાક મહિનાઓ અગાઉ તેમણે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) સંભાળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી કે ‘ડૉક્ટર ટી. ઇ. ઉદવાડિયા ચિકિત્સાના ક્ષેત્રમાં તેમની પાછળ અમીટ છાપ છોડી ગયા છે. સારવારની પદ્ધતિઓમાં મોખરે રહેવાનો તેમનો ઉત્સાહ અજોડ હતો. તેમના અવસાન વિશે જાણીને દુઃખ થયું. તેમના પરિવારજનો અને પ્રશંસકોને હું સાંત્વન પાઠવું છું.’ ડૉક્ટર ઉદવાડિયાને ૨૦૧૭માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

તેમના ભૂતપૂર્વ સ્ટુડન્ટ અને જે. જે. હૉસ્પિટલ ખાતેના તેમના કલિગ ડૉક્ટર દીપરાજ ભંડારકરે કહ્યું હતું કે ડૉક્ટર ઉદવાડિયાએ ૧૩ મે, ૧૯૯૦ના રોજ જે. જે. હૉસ્પિટલ ખાતે દેશની પ્રથમ લેપ્રોસ્કોપિક કોલેસિસ્ટેક્ટોમી હાથ ધરી હતી, જે એશિયામાં કરાયેલી પ્રારંભિક લેપ્રોસ્કોપિક સર્જરીમાં સ્થાન ધરાવે છે.

mumbai mumbai news jj hospital breach candy hospital