ટ્રેન પકડવાની ઉતાવળમાં થયેલા ઍક્સિડન્ટમાં છ જણના જીવ ગયા

19 July, 2023 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખડવલી રેલવે સ્ટેશન તરફ ધસી રહેલી જીપ મેઇન રોડ ક્રૉસ કરતી હતી ત્યારે સામેની દિશામાંથી આવી રહેલા કન્ટેનરે અડફેટે લઈને ૧૦૦ મીટર સુધી ઘસડી

ખડવલી પાસે અકસ્માતમાં કચ્ચરઘાણ થઈ ગયેલી જીપ.


મુંબઈ ઃ ભિવંડી તાલુકાના ખડવલી પાસે ગઈ કાલે સવારે જીપ અને કન્ટેનરનો ભીષણ અકસ્માત થયો હતો, જેમાં ૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને જીપના ડ્રાઇવર સહિત પાંચ પ્રવાસીને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઍક્સિડન્ટ એટલો ભયંકર હતો કે રોડ ક્રૉસ કરી રહેલી જીપને ધસમસતા આવી રહેલા કન્ટેનરે ટક્કર માર્યા બાદ ૧૦૦ મીટર સુધી એ ઘસડાઈ હતી અને પલટી થઈ ગઈ હતી. જીપમાં એક કૉલેજિયન વિદ્યાર્થિની અને ડ્રાઇવર સહિત કુલ ૧૧ લોકો હતા, જેમાંથી ૬ લોકોનાં કરુણ મૃત્યુ થયાં હતાં. આ ઘટનાથી આખા પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જીપમાં પ્રવાસ કરનારા લોકોને ટ્રેન પકડવામાં મોડું થઈ રહ્યું હતું એટલે જીપના ડ્રાઇવરે સાવધાની ન રાખતાં આ અકસ્માત થયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.
થાણે ગ્રામીણની પડઘા પોલીસના જણાવ્યા મુજબ સવારના ૬.૩૦ વાગ્યે પડઘાથી ખડવલી રેલવે સ્ટેશન તરફ જઈ રહેલી પ્રવાસી જીપનો કન્ટેનર સાથે અકસ્માત થયો હતો. પૂરપાટ આવી રહેલા કન્ટેનરની ટક્કર એટલી જોરદાર હતી કે જીપ ૧૦૦ મીટર સુધી ઢસડાઈ હતી અને બાદમાં એ પલટી મારી ગઈ હતી. 

અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે જીપમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. જીપની અંદરથી ચાર લોકોના મૃતદેહ મળ્યા હતા, જ્યારે બે લોકો જીપની બહાર ફેંકાઈ ગયા બાદ મૃત્યુ પામ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.
સ્થાનિક લોકોની મદદથી પોલીસે જીપમાં પ્રવાસ કરીને મૃત્યુ પામનારા ચિન્મયી શિંદે, રિયા પરદેશી, ચૈતાલી પિંપળે, સંતોષ જાધવ, વસંત જાધવ અને પ્રજ્જવલ ફિરકેના મૃતદેહનો તાબો લઈને સ્થાનિક હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી આપ્યા હતા; જ્યારે ઘાયલ થયેલા જીપના ડ્રાઇવર સહિત પાંચ લોકોને જુદી જુદી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા.
પડઘા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંજય સાબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પડઘાથી ખડવલી રેલવે સ્ટેશન જવા માટે ૧૦ પ્રવાસીઓ જીપમાં હતા. ખડવલી રેલવે ફાટકના ક્રૉસિંગ પાસે ટર્ન લઈ રહેલી જીપને સામેથી આવી રહેલા કન્ટેનરે ટક્કર મારી હતી. પ્રવાસીઓ ટ્રેન પકડવાની ઉતાવળમાં હતા એટલે જીપચાલકે બેદરકારીથી ટર્ન લેતાં આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.’

mumbai news maharashtra news bhiwandi road accident