21 February, 2019 06:56 PM IST | મુંબઈ
ખેડૂતોની મુંબઈ સુધીની કિસાનકૂચ
મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં રહેલી બીજેપી સરકારે ખેડૂતોને આપેલા વચનો પૂરા કર્યા નથી અને આ બાબતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હજારો ખેડૂતોએ નાસિકથી મુંબઈ સુધીની 180 કિલોમીટરની કૂચ શરૂ કરી છે. છેલ્લા 1 વર્ષમાં ખેડૂતોની આ બીજી આવી કૂચ છે.
ગઇકાલે રાતે મહારાષ્ટ્ર સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ચાલી રહેલી વાતચીત પડી ભાંગી છે અને તે પછી ખેડૂતોએ તેમની મુંબઈ તરફની કૂચ ચાલુ રાખી છે. ખેડૂતોએ જણાવ્યું કે સરકાર તેમની માંગણી સ્વીકારવા તૈયાર નથી. આ કિસાનયાત્રા કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા પ્રેરિત ઓલ ઇન્ડિયા કિસાન સંઘ દ્વારા કાઢવામાં આવી છે અને 9 દિવસ પછી તે મુંબઈ પહોંચશે. બુધવારે પોલીસે પરવાનગી ન આપતા ખેડૂતોની કૂચ નાસિકથી નીકળી શકી ન હતી.
આ પણ વાંચો: પ્રેમી પંખીડાંઓ માટે મુંબઈની હોટેલોના દરવાજા બંધ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મંત્રી ગિરિશ મહાજન ખેડૂત આગેવાનોને મળ્યા હતા. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે, સરકાર 80 ટકા માંગણીઓ પર સહમત છે. મંત્રીએ અમને આશ્વાસન આપ્યું છે કે તેઓ મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે. ખેડૂતોના આગેવાન અશોક ધાવલેએ જણાવ્યું કે અમે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા માંગીએ છીએ અને સરકાર અમારી માંગણીઓ લેખિતમાં સ્વીકારે. અમારી આ યાત્રા ચાલુ જ રહેશે. પોલીસ પણ અમારી આ મીટિંગમાં હાજર હતી અને તેઓ અમારી આ યાત્રાને રોકશે નહીં.