ફૅમિલી ડ્રાઇવરે ફરહાન અખ્તરને ૧૨ લાખ રૂપિયાનો ચૂનો લગાડ્યો

05 October, 2025 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગાડીમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવ્યા વગર જ કાર્ડ સ્વાઇપ કરાવીને રોકડા લઈ લેતો, પેટ્રોલ-પમ્પના કર્મચારીને પણ કમિશન આપતો, બન્નેને પોલીસે ઝડપી લીધા

ફરહાન અખ્તર

ફરહાન અખ્તરનાં મમ્મી હની ઈરાનીની કારના ૩૫ વર્ષના ડ્રાઇવર નરેશ સિંહ અને પેટ્રોલ-પમ્પ પર કામ કરતા તેના સાગરીત કર્મચારીની જોડીને બાંદરા પોલીસે ૧૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ઝડપી લીધા હતા. નરેશ સિંહને ગાડીમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે ફરહાન અખ્તરનાં કાર્ડ્સ આપવામાં આવ્યાં હતાં, પણ તે પેટ્રોલ કે ડીઝલ ગાડીમાં ભરાવ્યા વગર કાર્ડ વાપરતો હતો. પેટ્રોલ-પમ્પ પરનો કર્મચારી તેનું કમિશન કાપીને બાકીની રકમ તેને રોકડામાં આપી દેતો હતો. 

મૅનેજરે ફોડ્યો ભાંડો

આ છેતરપિંડી હની ઈરાનીની ૩૫ વર્ષની મૅનેજર દિવ્યા ભાટિયાના ધ્યાનમાં આવી હતી. તે પેટ્રોલનો હિસાબ લગાવી રહી હતી ત્યારે જાણવા મળ્યું કે મારુતિ કારની ફ્યુઅલ ટૅન્કની કૅપેસિટી ૩૫ લીટર છે અને એમાં ૬૨૧ લીટર પેટ્રોલ ભરાવવામાં આવ્યું હતું. એથી શંકા જતાં તેણે ડ્રાઇવર નરેશ સિંહને બોલાવીને પૂછપરછ કરી હતી. પહેલાં તો નરેશ સિંહે ઉડાઉ જવાબ આપ્યા હતા. તેણે એમ જ કહ્યે રાખ્યું હતું કે તેની પાસે એક જ કાર્ડ છે જેનાથી તે પેટ્રોલ કે ડીઝલ ભરાવે છે. એથી દિવ્યા ભાટિયાએ પેમેન્ટ-હિસ્ટરી ચેક કરી ત્યારે જણાઈ આવ્યું કે નરેશ સિંહ પેટ્રોલ-પમ્પ પર પેમેન્ટ કરવા ત્રણ અલગ-અલગ કાર્ડ વાપરતો હતો અને એ ત્રણે કાર્ડ ફરહાન અખ્તરના નામ પર જ ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં. એથી દિવ્યા ભાટિયાએ હની ઈરાનીની હાજરીમાં ડ્રાઇવર નરેશ સિંહને બોલાવીને પૂછપરછ કરતાં આખરે નરેશ સિંહે કબૂલ્યું હતું કે તેણે છેતરપિંડી કરી હતી.

farhan akhtar mumbai crime news Crime News mumbai mumbai news