BMCના બનાવટી કર્મચારીઓ હેરાન કરી રહ્યા છે વેપારીઓને

08 August, 2024 08:10 AM IST  |  Mumbai | Rohit Parikh

દુકાનોમાં રિનોવેશનનું કે ફર્નિચરનું કામ ચાલતું હોય ત્યાં જઈને વેપારીઓની કનડગત કરી રહેલી ગૅન્ગ ‘સી’ વૉર્ડમાં સક્રિય

કાલબાદેવીની ભારત ચેમ્બર ટ્રસ્ટની ઑફિસના CCTV કૅમેરામાં ઝડપાયેલા મહાનગરપાલિકાના બનાવટી કર્મચારીઓ, મહાનગરપાલિકાના બનાવટી કર્મચારીઓની વિરુદ્ધ ભારત ચેમ્બર ટ્રસ્ટની અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર અને એલ. ટી. માર્ગમાં લેખિતમાં કરવામાં આવેલી ફરિયાદ.

મુંબઈના મહાનગરપાલિકાના ‘સી’ વૉર્ડમાં કાલબાદેવી, ભુલેશ્વર, પ્રિન્સેસ સ્ટ્રીટ, ઝવેરીબજાર, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, નાગદેવી સ્ટ્રીટના વિસ્તારોમાં આવેલી જથ્થાબંધ બજારોમાં છેલ્લા થોડા મહિનાઓથી મહાનગરપાલિકાના બનાવટી કર્મચારીઓ જે દુકાનોમાં રિનોવેશન કે ફર્નિચરનાં કામ ચાલતાં હોય ત્યાં જઈ વેપારીઓને ધાકધમકી આપીને પૈસા વસૂલ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારે મહાનગરપાલિકાના કર્મચારીઓ બનીને લૂંટ ચલાવી રહેલા અમુક લોકોએ છેલ્લા દોઢ મહિનામાં અનેક વાર કાલબાદેવીમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓના બનેલા ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ભારત ચેમ્બર ટ્રસ્ટની ઑફિસને ટાર્ગેટ કરતાં આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. એની સામે ચેમ્બરે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર, ‘સી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર અને એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી છે. ટ્રસ્ટની ફરિયાદ પર બન્ને ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે. આ દરમ્યાન ક્લીન-અપ માર્શ‍લની કંપનીએ ગઈ કાલે પોલીસ પાસે મહાનગરપાલિકાના ચાર બનાવટી કર્મચારીઓનાં નામ જાહેર કર્યાં હતાં.

ભારત ચેમ્બર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજીવ સિંઘલે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા બે મહિનાથી ભારત ચેમ્બર ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી અમારી ઑફિસમાં રિનોવેશન અને ફર્નિચરનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એ શરૂ થયાના થોડા જ દિવસમાં રોજ મહાનગરપાલિકાના અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાંથી અલગ-અલગ વ્યક્તિઓ આવીને અમે અમારી ઑફિસમાં રિનોવેશન અને ફર્નિચરનું કામ કોની પરવાનગીથી શરૂ કર્યું છે એવી પૂછપરછ કરતી હતી. આ સમયે ઑફિસમાં મારી ગેરહાજરી હોવાથી એ લોકો ટ્રસ્ટના સ્ટાફને ધાકધમકી આપીને જતા રહેતા હતા. જોકે સોમવારે મારી હાજરીમાં મહાનગરપાલિકાના સૉલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી સતીશ દુબે અને અન્ય એક વ્યક્તિ ટ્રસ્ટની ઑફિસમાં આવી હતી. તેમણે આવીને મહાનગરપાલિકાની ઑફિસના ૧૦૦ મીટરના અંતરમાં અમે કાટમાળ અને કચરો નાખીએ છીએ એવી ફરિયાદ કરી હતી.’

મેં તરત જ ‘સી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સંજય ગવળીને ફોન જોડીને સતીશ દુબે અને અન્ય વ્યક્તિ કોણ છે એની પૂછપરછ કરતાં આ બન્ને વ્યક્તિ અને અગાઉ પણ ચેમ્બરની ઑફિસમાં મહાનગરપાલિકાના કમર્ચારીઓ બનીને આવેલી વ્યક્તિઓ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું એમ જણાવતાં રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘અસિસ્ટન્ટ કમિશનરે બધા જ વિભાગના અધિકારીઓ અને ક્લીન-અપ માર્શલમાં આ બાબતની તપાસ કરી હતી. ત્યારે તેમને ક્લીન-અપ માર્શલના સુપરવાઇઝર પાસેથી આ પ્રકરણ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી અમુક લોકો દ્વારા ‘સી’ વૉર્ડમાં આવેલી જથ્થાબંધ બજારો ચાલી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી. તેની વાત પરથી એમ લાગે છે કે કોઈ અસામાજિક તત્ત્વોની ટોળી ‘સી’ વૉર્ડમાં સક્ર્યિ બની છે જે વેપારીઓ અને રહેવાસીઓને ત્યાં જઈ ધાકધમકી આપીને પૈસા ઉઘરાવી રહી છે. ત્યાર પછી અમને અસિસ્ટન્ટ કમિશનરે સંબંધિત વિભાગોને આ મુદ્દે તપાસ કરવા અને અમને આ બાબતમાં પોલીસમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું. તેમને ક્લીન-અપ માર્શલના સુપરવાઇઝરને પણ પોલીસમાં ફરિયાદ કરવા કહ્યું હતું એટલે અમે એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં આ પ્રકરણ સંદર્ભમાં લેખિતમાં ફરિયાદ કરી હતી.’

ભારત ચેમ્બર ટ્રસ્ટની લેખિત ફરિયાદની માહિતી આપતાં રાજીવ સિંઘલે કહ્યું હતું કે ‘છેલ્લાં ઘણાં વર્ષોથી અમારા વિસ્તારના વેપારીઓ બનાવટી માથાડી કામગાર નેતાઓ દ્વારા થતી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. હવે અમારા વિસ્તારમાં મહાનગરપાલિકાના કર્મચારી બનીને અમુક લોકો વેપારીઓને પરેશાન કરી રહ્યા છે. અમે પોલીસ-ફરિયાદમાં આ પ્રકરણમાં સંકળાયેલાં આવાં અસામાજિક તત્ત્વો સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવા તેમ જ તેમની સામે છેતરપિંડી અને ખંડણી હેઠળ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવા કહ્યું છે. આ માટે અમે તેમને અમારા ટ્રસ્ટના CCTV કૅમેરાનાં ફુટેજમાંથી સતીશ દુબે અને અન્ય વ્યક્તિના ફોટો આપ્યા છે. એની સામે અમને સિનિયર ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર વાઘે અમારી ફરિયાદ પર તપાસ કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.’

કોણ છે આ બનાવટી કર્મચારીઓ?

પોલીસમાં ફરિયાદ પછી ક્લીન-અપ માર્શલની કંપની ગ્રુપ 7 ગાર્ડ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે પોલીસને લેખિતમાં કહ્યું હતું કે ‘ક્લીન-અપ માર્શલનાં બનાવટી આઇ-કાર્ડ બનાવીને ‘સી’ વૉર્ડમાં વેપારીઓ અને રહેવાસીઓ પાસેથી ધાકધમકી આપીને ખંડણી વસૂલ કરી રહેલા લોકો અમારી કંપની સાથે જોડાયેલા નથી. 

mumbai news mumbai brihanmumbai municipal corporation kalbadevi south mumbai gujaratis of mumbai mumbai crime news