મૉર્નિંગ વૉક કરતી વખતે કોઈ ગઠિયાની વાતોમાં નહીં આવતા

17 November, 2024 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં વૃદ્ધ મહિલાના ઇલાજના નામે બોગસ ડૉક્ટર ઘરે આવીને સર્જરીના નામે ૫૦,૦૦૦ રૂપિયા પડાવી ગયો, કૅન્સરથી પીડાતાં વૃદ્ધાના ઇલાજ માટે ડૉક્ટર કરીમ નામનો ગઠિયો ૪ નવેમ્બરે તેમના ઘરે આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

થાણેના ઘોડબંદર રોડ પરના હીરાનંદાની કૉમ્પ્લેક્સમાં રહેતા આમદાણી પરિવારના ઘરે ૭૨ વર્ષનાં વૃદ્ધાના ઇલાજના નામે બોગસ ડૉક્ટર કરીમ પટેલે ૫૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ કાસારવડવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. કૅન્સરથી પીડાતાં વૃદ્ધાના ઇલાજ માટે ડૉક્ટર કરીમ નામનો ગઠિયો ૪ નવેમ્બરે તેમના ઘરે આવ્યો હતો. ત્યાર બાદ ખરાબ લોહી શરીરમાંથી બહાર કાઢવાના નામે તેણે પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં  આવ્યો છે.

કાસારવડવલીના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘરે આવીને શરીરમાંથી ખરાબ લોહી કાઢી આપવાનું કહીને ખોટી સર્જરી કરનાર એક ગૅન્ગ મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં સક્રિય છે. એ ગૅન્ગે આ પહેલાં પણ મુંબઈમાં વિવિધ જગ્યાએ આ રીતે લોકોને ટાર્ગેટ કરીને પૈસા પડાવ્યા છે. આરોપીની ગૅન્ગનો એક મેમ્બર મૉર્નિંગ વૉક દરમ્યાન આવી રીતે બીમાર અથવા કોઈ ખામી ધરાવતા લોકોને ટાર્ગેટ કરે છે. એ મેમ્બર પોતાનો ઓળખીતો એક સારો ડૉક્ટર હોવાનું કહીને ઇલાજ માટે અન્ય મેમ્બર સાથે ઘરે જઈને છેતરપિંડી કરતો હોય છે. ઘરે આવનાર અને પોતાની ઓળખ ડૉક્ટર તરીકે આપનાર વ્યક્તિ પાસે એક સ્પેશ્યલ સર્જરી યંત્ર હોય છે જેનાથી બીમાર વ્યક્તિના શરીરમાંથી ખરાબ લોહી કાઢી આપવાનું કહીને એ ગૅન્ગ પૈસા પડાવી લે છે.’

mumbai news mumbai thane crime thane Crime News mumbai crime news