11 November, 2024 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍપલ કંપની જેવું સેમ પૅકિંગ તૈયાર કરીને મોબાઇલ વેચાતા હોવાનું પ્રકાશમાં આવ્યું
મુંબઈ સહિત આસપાસનાં પરાંમાં ઍપલ કંપની જેવું સેમ પૅકિંગ તૈયાર કરીને મોબાઇલ વેચાતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મુંબઈની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ની ટીમે આ બાબતે શનિવારે બપોરે તપાસ કરીને મસ્જિદ બંદરના દેવજી રતનશી માર્ગ પર આવેલા અન્નભવનમાં છાપો મારીને આશરે ૩ લાખ રૂપિયાનો બોગસ માલ જપ્ત કર્યો હતો. જપ્ત કરેલા તમામ માલનું ઍપલ કંપનીના નામે પૅકિંગ કરવામાં આવ્યું હોવાનો દાવો EOWએ કર્યો છે.
સામાન્ય માણસ ઓળખી જ ન શકે એ રીતે ઍપલ કંપનીના નામે પૅકિંગ કરવામાં આવ્યું હતું એમ જણાવીને EOWના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર આરોપી શિવાંશ કેસરવાની હોલસેલ ભાવથી આ તમામ માલ નાના વેપારીઓને વેચતો હોવાનું અમને ગુપ્ત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. એના આધારે અમે રેઇડ પાડીને તમામ માલ જપ્ત કર્યો હતો. આરોપી સામે પાયધુની પોલીસ-સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવી છે. આ માલ તે કોને આપતો હતો અને ક્યાંથી આવતો હતો એની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. આ કેસના મૂળ સુધી પહોંચવા અમારી ટીમ બધી જ રીતે તપાસમાં લાગી ગઈ છે. આ સાથે મુંબઈના બીજા વિસ્તારોમાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ; કારણ કે સૌથી વધુ વિશ્વાસ નાગરિકો ઍપલ કંપની પર કરતા હોય છે ત્યારે આવા મોબાઇલ, ઇઅરફોન, ચાર્જર ઍપલના નામે વેચવા એ એક પ્રકારે લોકો સાથે છેતરપિંડી છે.’