25 December, 2022 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય સુબ્રહ્મણ્યમ સ્વામી
મુંબઈ : મહારાષ્ટ્રમાં આવીને બીજેપીના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય સુબ્રહ્મણ્યમ સ્વામીએ ખુલ્લી ચૅલેન્જ આપી છે. તેમણે કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસજી, વધારે બોલશો તો તમારી નાયબ મુખ્ય પ્રધાનપદની ખુરસી નહીં રહે. પંઢરપુરમાં વિઠ્ઠલ રુક્મિણી મંદિર સરકાર મુક્ત કરવા માટેની ચર્ચા માટે પંઢરપુરમાં આવેલા સુબ્રહ્મણ્યમ સ્વામીએ આમ કહ્યું હતું. તેમણે પંઢરપુર કૉરિડોર યોજનાનો પણ વિરોધ કર્યો છે.
પંઢરપુર વિકાસ યોજનાનો સ્થાનિક રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે. આ વિશે બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું હતું કે પંઢરપુરના સ્થાનિક નાગરિકોએ મુંબઈ આવીને મારી મુલાકાત કરી હતી અને તેમણે મને આ બાબતે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી. બીજેપીમાં હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહના વિરોધમાં તેમણે પંઢરપુરમાં જઈને નિવેદન પણ આપ્યાં હતાં.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું કે કોઈ પણ આડે આવશે તો પણ પંઢરપુર કૉરિડોર થશે જ. તેમની આ વાતને સુબ્રહ્મણ્યમ સ્વામીએ ચૅલેન્જ આપતાં કહ્યું હતું કે હું કહું છું, આ વિકાસ યોજના નહીં જ થાય. દેવેન્દ્ર ફડણવીસ વધુ બોલશે તો તેમની ખુરસી જશે. તેમને કૉરિડોર માટે આટલી ઉતાવળ શા માટે છે? વિકાસ કરવો હોય તો અહીંની ચંદ્રભાગા નદીને શુદ્ધ કરો, અહીં ઍરપોર્ટ બાંધો. મોટી સંખ્યામાં લોકો દેવદર્શને આવે છે એટલે મંદિર પરિસરનો વિકાસ કરો. કૉરિડોર સંબંધી બધાને નોટિસ મોકલવામાં આવશે એ ચલાવી નહીં લેવાય.’
બીજેપીની મોદીની સરકાર દેશનાં મંદિરોને પોતાના હસ્તક લઈ રહી હોવાનો આરોપ પણ સુબ્રહ્મણ્યમ સ્વામીએ કર્યો છે. ઉત્તરાખંડનાં અનેક મંદિરનું સરકારીકરણ થઈ ગયું છે. પંઢરપુર મંદિર સરકાર મુક્ત કરવા માટે આવતા મહિને જનહિત અરજી કોર્ટમાં દાખલ કરવાનું પણ તેમણે કહ્યું હતું. આ સમયે તેમણે દેશના ૧૫-૨૦ સાધુઓના તાબામાં આ મંદિર આપવાની માગણી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વવાદી ન હોવાનો ગંભીર આરોપ કરતાં સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું હતું કે તેમણે કોઈ ચર્ચનું સરકારીકરણ નથી કર્યું. ૧૯૪૭ પછી દેશમાં કોઈ ચર્ચ કે મસ્જિદ તાબામાં લેવાયાં નથી, તો હિન્દુઓએ શું પાપ કર્યું છે?
બીજેપીના વિધાનસભ્ય જયકુમાર ગોરેની હત્યાનું કાવતરું હતું?
બીજેપીના સાતારા જિલ્લાના માણ-ખટાવ મતદાર ક્ષેત્રના વિધાનસભ્ય જયકુમાર ગોરેની કાર ગઈ કાલે મોડી રાત્રે પુલ પરથી ૫૦ ફીટ ખાઈમાં પડી જતાં ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિધાનસભ્ય જયકુમાર ગોરે બાલબાલ બચી ગયા છે, પરંતુ તેમના ડ્રાઇવર અને કારમાં તેમની સાથેની એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માત બાદ જયકુમાર ગોરેની તબિયત ગંભીર હોવાના સમાચાર વહેતા થયા હતા. જોકે તેમનાં પત્ની સોનિયાએ કહ્યું હતું કે તેઓ ૮થી ૧૦ દિવસમાં મતદારક્ષેત્રમાં પાછા ફરશે એટલે ચિંતા કરવા જેવું નથી. જયકુમાર ગોરેના પિતા ભગવાન ગોરેએ અકસ્માત બાબતે શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે ‘મેં જયકુમાર સાથે વાત કરી છે. તેની તબિયત સારી છે. મનમાં એક શંકા ઊભી થઈ રહી છે કે રાતના ત્રણ વાગ્યે રસ્તો ખાલી હતો તો કારને અકસ્માત કેવી રીતે થયો? બીજું, ઍક્સિડન્ટ અમારા ગામ ફલટણમાં જ થયો છે. જ્યાં આ બનાવ બન્યો ત્યાં ઍક્સિડન્ટ થાય એવું કંઈ નથી. કોઈકે કાવતરું કરીને જયકુમારને મારવાનો પ્રયાસ તો નથી કર્યો?’
જયંત પાટીલના સસ્પેન્શન બાબતે શરદ પવાર નારાજ
નાગપુરમાં ચાલી રહેલા રાજ્ય સરકારના વિધાનસભાના શિયાળુ સત્રમાં એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને સસ્પેન્ડ કરવા બાબતે એનસીપી ચીફ શરદ પવાર અજિત પવાર પર નારાજ હોવાનું જણાઈ આવ્યું છે. બૉલીવુડના સદ્ગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મૅનેજર દિશા સાલિયનના મૃત્યુ બાબતે સંસદમાં ચર્ચા થઈ હતી. એ વિશે એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે અસંસદીય ભાષાનો ઉપયોગ કરતાં તેમને આખા સત્ર માટે સ્પીકરે સસ્પેન્ડ કર્યા છે. આ બાબતે કહેવાય છે કે શરદ પવાર નારાજ છે. જયંત પાટીલને સસ્પેન્ડ કરાયા બાદ અજિત પવારની ભૂમિકા વિશે શરદ પવારે તેમની સામે નારાજગી વ્યક્ત કરી છે. શરદ પવારે દિલ્હીથી અજિત પવારને ફોન કરીને નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું. અજિત પવારે માફી માગવાને આક્રમક ભૂમિકા લેવાની જરૂર હોવાનું શરદ પવારે કહ્યું હતું.