06 December, 2022 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર વિવાદ પર કન્નડ સંગઠનોએ બેલગાંવના હિરેબાગવાડી ટોલ બૂથ પર મહારાષ્ટ્રની છ ટ્રકો પર પથ્થરમારો કરતાં રાજ્યમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ ઘટનાના પગલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈ (Basavaraj Bommai)ને ફોન કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે બેલગામ નજીક હિરેબાગવાડી ટોલ બૂથ પાસેની ઘટના પર ભારે નારાજગી અને વિરોધ વ્યક્ત કર્યો હતો.
હિરેબાગવાડી ટોલ બૂથ પર મહારાષ્ટ્રની ટ્રક પર પથ્થરમારો
કન્નડ સંગઠનોએ મહારાષ્ટ્રની છ ટ્રકો પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારો હિરેબાગવાડી ટોલ બૂથ પર કન્નડ રક્ષા વેદિકે કર્યો હતો. આ સમયે કેટલાક કાર્યકરોએ ટ્રક પર ઝંડા ફરકાવ્યા હતા. તે સિવાય મહારાષ્ટ્રની ટ્રકો પર પણ શાહી લગાવવામાં આવી છે. પોલીસે આ કાર્યકરોની અટકાયત કરી છે. કન્નડ સંગઠનો દ્વારા કરવામાં આવેલા આ પથ્થરમારા બાદ રાજ્યના મંત્રી ઉદય સામંતે કર્ણાટક સરકારે કાર્યવાહી કરવાની માગ કરી હતી, જે બાદ નાયબ મુખ્યપ્રધાને કર્ણાટકના મુખ્યપ્રધાનને ફોન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું: કર્ણાટકના મુખ્યપ્રધાન
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને કર્ણાટકના મુખ્યપ્રધાન વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી. આ સમયે કર્ણાટકના મુખ્યપ્રધાને આ ઘટનાઓની તપાસ કરીને દોષી સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું. તેમણે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેની ટેલિફોનિક વાતચીતમાં આશ્વાસન આપ્યું છે કે મહારાષ્ટ્રથી આવતા વાહનોને સુરક્ષિત રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેનો સીમા વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. બેલગામમાં, કર્ણાટક રક્ષા વેદિકે નામના સંગઠનના વિરોધને પગલે, મહારાષ્ટ્ર નંબર પ્લેટવાળી ટ્રકોને રોકવામાં આવી હતી અને તેના પર કાળી શાહી લગાવવામાં આવી હતી. એક ટ્રક પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: હવે થશે જોવા જેવી...! શિંદે ફડણવીસની નિષ્ફળતાઓ સામે મુંબઈમાં મોરચો
બેલગાંવ આ વિવાદના કેન્દ્રમાં છે. મહારાષ્ટ્રે સતત દાવો કર્યો છે કે 1960ના દાયકામાં રાજ્યોના ભાષા આધારિત પુનર્ગઠનમાં આ મરાઠી બહુમતી ધરાવતો પ્રદેશ ખોટી રીતે કન્નડ-બહુમતી કર્ણાટકને આપવામાં આવ્યો હતો.