અભિષેક સાથે વિશ્વાસઘાતનો આઘાત, મહેરબાની કરીને બદનામી બંધ કરો...

12 February, 2024 07:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુત્રની હત્યાના જબરદસ્ત આઘાતમાંથી માંડ બહાર આવેલા શિવસેનાના વિનોદ ઘોસાળકરે પહેલી વખત જાહેરમાં નિવેદન આપી પરિવારની વ્યથા વ્યક્ત કરી

પુત્રવધૂ તેજસ્વીને સાંત્વન આપી રહેલા વિનોદ ઘોસાળકર

શિવસેનાના દહિસર વિસ્તારના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની ઘાતકી રીતે હત્યા કરવામાં આવ્યા બાદ ગઈ કાલે પહેલી વખત તેના પિતા વિનોદ ઘોસાળકરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘મારા પુત્ર અભિષેકને વિશ્વાસઘાતથી મારવામાં આવ્યો છે. આ મારા પરિવાર પરનો મોટો આઘાત છે. અમારા પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે એવા સમયે મારા પર ખરાબ-ખોટા આરોપ કરવામાં આવી રહ્યા છે એનાથી અમારા પરિવારની બદનામી થઈ રહી છે. આવા ખોટા આરોપ સહન નહીં કરવામાં આવે. મહેરબાની કરીને મારી અને મારા પરિવારની બદનામી બંધ કરો.’

ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની ઘાતકી રીતે હત્યા કરવામાં આવ્યા બાદ કેટલીક વાંધાજનક વાતો ફેલાવવામાં આવી રહી છે. આ વિશે અભિષેકના પિતા અને શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરે ગઈ કાલે એક નિવેદન જારી કરીને બદનામી બંધ કરવાની અપીલ કરી હતી.

આ નિવેદનમાં વિનોદ ઘોસાળકરે કહ્યું હતું કે ‘૧૯૮૨થી હું રાજકારણમાં સક્રિય છું. હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના ૮૦ ટકા સમાજકારણ અને ૨૦ ટકા રાજકારણના સૂત્રનું મેં કાયમ પાલન કર્યું છે. મેં અને મારા પુત્ર અભિષેકે નિરપેક્ષ રીતે અને નિષ્ઠાથી રાજકારણ અને સમાજકારણ કર્યું છે. અમારા પર કોઈ ડાઘ નથી. હું વિધાનસભ્ય બન્યો, પુત્ર અભિષેક અને પુત્રવધૂ તેજસ્વી નગરસેવક બન્યાં. જનતાનો પ્રેમ અને વિશ્વાસ અમને મળ્યો.’

વિનોદ ઘોસાળકરે નિવેદનમાં એમ પણ લખ્યું છે કે ‘મારા પુત્ર અભિષેકની વિશ્વાસઘાત કરીને હત્યા કરવામાં આવવાથી અમને બહુ મોટો આઘાત લાગ્યો છે. અમારા પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. આવા સમયે અમારા પર આધાર વગરના આરોપ કરીને બદનામી કરવામાં આવી રહી છે. આ બદનામ મહેરબાની કરીને અટકાવો. અમે કોઈ અપરાધ કર્યો હોય અને એના પુરાવા હોય તો એની ફરિયાદ નોંધાવો, પણ ખોટા આરોપ ન કરો.’

abhishek ghosalkar borivali shiv sena Crime News mumbai crime news mumbai mumbai news