04 April, 2024 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇ કોર્ટ
બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે ચુકાદો આપ્યો હતો કે નિર્ધારિત તારીખ પછી ડ્રાઇવિંગ-લાઇસન્સ રિન્યુઅલ અને મોટરસાઇકલ માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવા માટે વધારાની ફી વસૂલવી એ કોઈ દંડ નથી. આ સાથે હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે સેન્ટ્રલ મોટર વેહિક્લ્સ ઍક્ટ હેઠળ બનેલા નિયમોને યથાવત્ રાખ્યા હતા, જેમાં ડ્રાઇવિંગ-લાઇસન્સ, મોટરસાઇકલ માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને રિન્યુ કરવા માટે અને વેહિકલની માલિકી ટ્રાન્સફર કરવા માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જમા કરાવવામાં વિલંબ થાય તો વધારાની ફી લેવામાં આવે છે. મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ આરિફ ડૉક્ટરની બેન્ચે ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથે સંકળાયેલાં બે ટ્રસ્ટ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે વધારાની ફી વસૂલ કરતી જોગવાઈઓ ફીની આડમાં દંડ છે.