જ્યારે રતન તાતા ટચૂકડું વિમાન લઈને ઊડ્યા અને આકાશમાં એન્જિન બંધ થઈ ગયું

13 October, 2024 11:21 AM IST  |  Mumbai | Manish Shah

બાળપણથી જ પ્લેન ઉડાડવાના શોખીન રતન તાતાને થયેલા આવા અનુભવો ઉપરાંત અનેક સંભારણાંઓ તેઓ તાતા ગ્રુપના ચૅરમૅનપદેથી રિટાયર થયા ત્યારે એક આદરાંજલિ તરીકે બહાર પાડવામાં આવેલા પુસ્તકમાં સામેલ છે

રતન તાતા

અમે લોકો UKના પ્રવાસ માટે મુંબઈથી નીકળીને લંડન ઊતર્યા હતા. લંડન થોડા દિવસ ગાળીને UK કવર કરવાનો પ્લાન હતો. ઇમિગ્રેશનની લાઇનમાં મારાથી આગળના થોડા પ્રવાસીઓને વટાવતાં જ લગભગ છ ફુટની ઊંચાઈ ધરાવતા પ્રભાવશાળી સજ્જન નજરે ચડ્યા. ડાર્ક ગ્રે કલરનો સૂટ અને સાથે એક સહાયક, બસ. અચાનક જમણી બાજુનો દરવાજો ખૂલ્યો અને અંદરથી ઍરપોર્ટ-મૅનેજર બે મદદનીશ સાથે બહાર આવ્યા. તેમના એકના હાથમાં ફૂલોનો ગુચ્છો હતો. ઍરપોર્ટ-મૅનેજર પહેલા સજ્જન પાસે ગયા, તે સજ્જન તેમનું અભિવાદન કરવા જમણે ફર્યા. ખલ્લાસ, એક જ ક્ષણમાં રતન તાતાને મેં ઓળખી લીધા. તેમનું ચુંબકીય વ્યક્તિત્વ કોઈને પણ સંમોહિત કર્યા વગર કેમ રહે? હું પણ એમાં અપવાદ નહોતો. ઍરપોર્ટ પર ગણગણાટ ચાલુ થઈ ગયો. ઍરપોર્ટ-મૅનેજર તેમને સીધા ઇમિગ્રેશન કાઉન્ટર પર આવવા આગ્રહ કરી રહ્યા હતા અને રતન તાતા તેમને ખૂબ જ વિવેકપૂર્વક નકારી રહ્યા હતા. કેવી સાદગી! કેવી સરળતા! હું તો કેટકેટલું વિચારી રહ્યો. કદાચ મારું સપનું સાકાર થઈ રહ્યું હતું.

પુસ્તકનું મુખપૃષ્ઠ.

 તાતા ગ્રુપ તો ઘણા જ ભારતીયો માટે આદર્શ હશે જ અને એમાં પણ જે. આર. ડી. તાતા એટલે કરોડો ભારતીયોના આદર્શ. તેમના આદર્શોની વાત ફરી ક્યારેક. મારા કૉલેજકાળ દરમ્યાન જે. આર. ડી તાતાને મળવાનો, સાંભળવાનો અવસર મળ્યો હતો અને અત્યારે રતન તાતા. મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું, પરંતુ નસીબની દેવી જાણે મારા પર આજે રિઝાયાં જ હતાં. ઍરપોર્ટ-મૅનેજરના તમામ પ્રયત્નો, આગ્રહ પછી પણ રતન તાતાએ લાઇનમાં જ ઊભા રહેવાનું જણાવ્યું અને ત્યાં જ ઊભા રહ્યા. મેં મોકો ઝડપી લીધો. દરેક પગલે મારો આત્મવિશ્વાસ ઓછો થઈ રહ્યો હતો. ધબકારા વધી રહ્યા હતા, પણ હિંમત કરી જ નાખી. સામે જઈને ઊભો રહી ગયો અને તેમને અભિવાદન કર્યું. છ ફુટની ઊંચાઈએથી તેમણે અડધો ફુટ નીચે જોયું અને અમારી આંખો મળી. ઘેરી કથ્થઈ રંગની આંખો, એવા જ ઘેરા કથ્થઈ વાળ અને થોડા સફેદીથી સુશોભિત થોભિયા. મારો શ્વાસ અટકી ગયો જાણે. મેં હાથ લંબાવ્યો. તેમણે શેકહૅન્ડ કર્યા. સુંવાળો, મુલાયમ, વિશાળ પંજો. મારા બન્ને પંજા સમાઈ શકે, કદાચ. મેં લોખંડના વેપારી તરીકે મારી ઓળખ આપી અને વાતની શરૂઆત કરી. તેમણે આનંદ વ્યક્ત કર્યો અને મેં જે. આર. ડી. તાતાની વાત કરી. બસ નિશાન બરાબર સધાયું. અમારા બન્નેના ગુરુની વાતોનો દોર ચાલ્યો. મેં મારી પાસેના જે. આર. ડી.ના ખાસ પેઇન્ટિંગની વાત કરી. તેમણે મને એ પેઇન્ટિંગ તાતા ગ્રુપની ઑફિસ બૉમ્બે હાઉસમાં મોકલવા કહ્યું અને જમશેદપુર મ્યુઝિયમને ભેટ આપવાનું કહ્યું. મેં મોકલવાની હા પાડી, પરંતુ જમશેદપુર માટે વિવેકપૂર્વક ના પાડી. તેમને એ ગમ્યું હોય એવું લાગ્યું. સાચા માણસને સચ્ચાઈનો રણકો ન ગમે એવું બને ક્યારેય?

કૉર્નેલનો ફોટો... છેલ્લી હરોળમાં જમણા છેડે ઊભેલા રતન તાતા.

વાચકમિત્રો, આ વીસ મિનિટ્સ મારા માટે જીવનનું એક અમૂલ્ય સંભારણું બની રહ્યું છે. આ વાત સેંકડો વખત મેં કેટલાય લોકોને કહી હશે ખબર નથી. છૂટા પડતી વખતે મેં તેમને વંદન કર્યાં. તેમણે મારા ખભા પકડી લીધા અને એક હળવું આલિંગન આપ્યું. મેં તેમની જ પેનથી તેમના હસ્તાક્ષર લીધા, જે ફ્રેમ આજની તારીખ સુધી મારી ઑફિસનો એક ખૂણો ઉજાળી રહી છે.

આજે આ યુગપુરુષ પર તાતા ગ્રુપે પ્રકાશિત કરેલા એક સ્પેશ્યલ પુસ્તકની વાત કરવી છે જે ફક્ત તાતા ગ્રુપ માટે જ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તક મારા તાતા કલેક્શનનું એક સુશોભિત અને અનમોલ ઘરેણું છે. આજે તમારી સમક્ષ હું આ પુસ્તકમાંની થોડી વાતો લખીશ જે માણવાનું, જાણવાનું ગમશે એવી આશા રાખું છું. આ પુસ્તક જ્યારે રતન તાતા તાતા ગ્રુપના ચૅરમૅનપદેથી નિવૃત્ત થયા ત્યારે એક આદરાંજલિ તરીકે બહાર પાડવામાં આવ્યું હતું અને આ પુસ્તકમાં તેમનાં સગાંસંબંધી, તેમના સહાધ્યાયીઓ અને તેમની સાથે દસકાઓ સુધી કામ કર્યું હોય એવા લોકોનાં સંભારણાં ખૂબ જ લાગણીપૂર્વક રીતે વ્યક્ત કરવામાં આવ્યાં છે. આ પુસ્તક વાંચતી વખતે આ વ્યક્તિવિશેષના વ્યક્તિત્વનાં અનેક અદ્ભુત પાસાંઓ વાચક સમક્ષ ઉજાગર થાય છે. તેમના વિશે ઘણી અજાણી વાતો જાણવાનો આનંદ જ કંઈ ઑર છે, એ નક્કી. આ પુસ્તકમાંના થોડાં અમીછાટણાંથી તમને ભીંજવતાં પહેલાં રતન તાતાનો આછેરો પરિચય આપું તો આગળ થોડી સરળતા રહેશે.

માતા સુનુ તાતા-જીજીભોય સાથે, સૅન ફ્રાન્સિસ્કો, અમેરિકા.

રતન તાતાના પિતાશ્રી અને માતાશ્રી જ્યારે રતન તાતા દસેક વર્ષના થયા ત્યારે છૂટા પડ્યાં હતાં એટલે તેઓ તેમનાં દાદી પાસે મોટા થયા. તેઓ બે સગા ભાઈ. પંદર વર્ષની ઉંમરે તેમને અમેરિકા મોકલવામાં આવ્યા. તેમને આર્કિટેક્ટ બનવું હતું, પરંતુ પિતાશ્રીના આગ્રહને વશ થઈ તેમણે વિશ્વવિખ્યાત કૉર્નેલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ માટે ઍડ્મિશન લીધું. ઇરાદો જુઓ, સાથે-સાથે આર્કિટેક્ચર પણ ભણ્યા, ડબલ મેજર. સાડાછ વર્ષોમાં તેમણે બન્ને ડિગ્રી લઈ લીધી. આ બાજુ તેમના પિતાશ્રીએ બીજાં લગ્ન કર્યાં અને માતાશ્રીએ પણ. પિતાશ્રીનાં બીજાં લગ્નથી એક ભાઈ અને માતાશ્રીનાં બીજાં લગ્નથી બે બહેનો. આમ કુલ થયાં પાંચ. રતન તાતા કૉર્નેલ યુનિવર્સિટીમાં ભણ્યા, ભારતના એક ખ્યાતનામ માલેતુજાર ઇન્ડ​સ્ટ્રિયલિસ્ટના દીકરા તરીકે જ. તેમની પાસે આ વિદ્યાર્થીકાળમાં પણ બે ગાડીઓ હતી, પરંતુ કોઈ આછકલાઈ નહીં. કાયમ એકથી પાંચમાં જ તેમનો નંબર આવતો એટલા હોશિયાર અને ખંતીલા. હવે આ પુસ્તકમાંથી થોડાં સતસવીર અમીછાંટણાં.

કિશોર રતન તાતાનું ઑસ્ટ્રિયન પેઇન્ટર વૉલ્ટર લંગમેરે બનાવેલું પેઇન્ટિંગ. તેમનો વિમાન-પ્રેમ સાફ દેખાઈ આવે છે.

પુસ્તકમાં એક સેક્શન છે તેમણે પોતાના વિશે લખેલી વાતોનો. એમાં સૌથી ખાસ એક વાત લખું, કારણ કે બીજું બધું તો છેલ્લા ત્રણ દિવસોથી બધે જ જોવા, વાંચવા અને સાંભળવા મળે છે. તેમના પર કોનો પ્રભાવ હતો એ જાણવાનું વાચકોને ગમશે. એ વિશે રતન તાતા લખે છે કે સૌપ્રથમ આવે જે. આર. ડી. તાતા, જેમને તેઓ પ્રેમથી જેહ બોલાવતા. કૉલેજકાળમાં તેઓ જૉન એફ. કૅનેડીથી પણ ખૂબ જ પ્રભાવિત હતા. તેમને મળવાનું ન બન્યું, પરંતુ વિચારોનો પ્રભાવ ખરો. પછી આવે છે, બોઝ કૉર્પોરેશનના પ્રોફેસર અમર બોઝ, જેમનું સંગીતનાં ઉપકરણોની દુનિયામાં મોટું નામ છે તે. અમર બોઝ અને રતન તાતાની દોસ્તી ખૂબ જ ગાઢ અને અંગત હતી. બોઝનાં આદર્શો અને મૂલ્યોનો તેમની વિચારસરણી પર ખાસ્સો એવો પ્રભાવ હતો. આ પછી નામ આવે છે વિશ્વના તેલઉદ્યોગના માંધાતા ફ્રેન્ચ નાગરિક જીન રેબુ. તેઓ શ્લમબર્ગર કંપનીના માલિક હતા. આ મહાશયને તો ભારત સરકારે પણ પદ્મભૂષણથી ઈસવી સન ૧૯૮૬માં નવાજ્યા હતા. રતન તાતાના મતે આ દરેકેદરેક વ્યક્તિનાં આદર્શો, મૂલ્યો, વિચારસરણી અને સામાજિક કટિબદ્ધતા ઉચ્ચતમ કક્ષાની હતી અને એટલે જ આ પરિબળોનો તેમના પર પણ ખૂબ જ પ્રભાવ થયો. બીજો વિભાગ છે અંગત જીવનનો. આ વિભાગમાં તેમની બહેનોએ તેમના વિશે લખેલી વાતો ખૂબ જ માણવાલાયક છે. બન્ને બહેનોના મતે રતન તાતાના વ્યક્તિત્વનું સૌથી આકર્ષક પાસું હોય તો તે હતી તેમની આંખો. સંમોહક, ચુંબકીય આંખો. કાયમ સ્નેહ જ નીતરતો, પરંતુ આ જ આંખો એટલી જ કરડાકીભરી પણ ખરી. આ આંખો તેમની માતાનો વારસો હતી એમ બહેનો લખે છે. પુસ્તકમાં પણ ઘણા બધાએ આ આંખોની વાતો લખી છે. આંખો જ તેમની આરસી હતી એમ ચોક્કસપણે આ પુસ્તક વાંચતાં કળાય આવે છે. સામેના માણસને વશમાં કરતી આંખો અને ક્યારેક વળી થથરાવી નાખતી તેમની આંખો વિશે ઘણી વ્યક્તિઓએ લખ્યું છે.

ધ ફ્રેટર્નિટી હાઉસ, રૉક-લેક, જ્યાં રતન તાતા તેમના કૉલેજકાળનાં થોડાં વર્ષો રહ્યા હતા.

એક વિભાગ છે તેમના સહાધ્યાયીઓનો. એક ખૂબ મજેદાર કિસ્સો તેમનાં સહાધ્યાયી મિસ નાનેટ ઓટસન લખે છે, ‘એક વાર કૉર્નેલમાં દિવાળી વખતે ભારતીય લગ્નવિધિનો ચિતાર આપવાનું નક્કી કર્યું. વધૂ તરીકે એક શ્રીલંકન વિદ્યાર્થિનીની પસંદગી કરી. તેણે હા પાડી, પણ એક જ શરતે કે વરરાજા આપણા હૅન્ડસમ હન્ક રતન તાતા જ હોવા જોઈએ... રતને હા પાડી અને વિવાહ રંગેચંગે પાર પડ્યા.’

આપણા રતન તાતા કેટલા ટીખળખોર હતા એનો કિસ્સો વર્ણવતાં તેમના દોસ્ત જો સાંતામારિયા એક ખતરનાક કિસ્સો જણાવે છે ઃ ‘રતન અને એક બીજો મિત્ર બૉબ ઍલન એક ફ્લૅટમાં ઉપરના ભાગમાં રહેતા અને નીચેના ભાગમાં જો અને બ્રુસ નામનો બીજો મિત્ર. બ્રુસ પાસે ઑર્ગન નામના વાજિંત્રની રેકૉર્ડ હતી જે તે કાયમ જોરજોરથી સતત વગાડતો. એક દિવસ તેણે સંગીત જેવું ચાલુ કર્યું કે ઉપરથી રતન અને બૉબ નીચે ધસી આવ્યા અને રતને બ્રુસને ધક્કો માર્યો અને પોતાની પાસે છુપાવેલી બીજી એક રેકૉર્ડ તોડી નાખી. બ્રુસને થયું તેની રેકૉર્ડ ગઈ અને એકદમ રડમસ થઈ ગયો. આખા ફ્લૅટમાં ખડખડાટ હાસ્ય છવાઈ ગયું. આખરે બ્રુસને સમજાયું કે તેને બકરો બનાવવામાં આવ્યો છે. આવી હતી રતનની મસ્તીઓ અને ધમાલ.’

પોતાના આદર્શ જે. આર. ડી. તાતા સાથે.

તેમની સાથે દસકાઓ સુધી કામ કરનાર કૃષ્ણ કુમાર લખે છે, ‘રતન સર એટલા સુંદર ચિત્રકાર પણ હતા કે લાંબી-લાંબી બોર્ડ મીટિંગમાં તેઓ સામે બેઠેલા અધિકારીઓનાં કૅરિકેચર (રમૂજી ચિત્ર) બનાવી નાખતા. એ ઉપરાંત રતન અવ્વલ દરજ્જાના મિમિક્રી આર્ટિસ્ટ પણ હતા. અનેક અધિકારીઓની બોલવાની લઢણ અને હાવભાવ સાથે તેઓ એટલી સરસ મિમિક્રી કરતાં કે એ વ્યક્તિઓ પોતે હસી-હસીને લોટપોટ થઈ જતી. આપણને એક ઉત્તમ ઉદ્યોગપતિ તો મળ્યો, પણ આપણે એક ઉત્તમ અદાકાર અને કાર્ટૂનિસ્ટ ગુમાવ્યો.’

તેમની બહેનો શિરીન અને ડિયાના જીજીભોય સાથે.

જે. આર. ડી. તાતાનાં વિમાનોનાં પ્રેમ અને ઘેલછા જગપ્રસિદ્ધ છે, પરંતુ ઘણા ઓછા લોકોને રતન તાતાનાં વિમાનનાં સાહસો વિશે ખબર હશે. મને પણ આ પુસ્તક વાંચતાં જ ખબર પડી. આખીયે કૉલેજમાં તેમના વિમાન ઉડાડવાના શોખની બધાને જ ખબર હતી. ત્રણેક મિત્રોને સાથે લઈને તેઓ કાયમ નાનાં વિમાનો ઉડાડવા નિયમિત જતા. આ સાહસોમાંનો એક કિસ્સો ખૂબ જ પ્રચલિત થયો હતો અને એના વિશે બે સહાધ્યાયીઓએ લખ્યું છે પણ ખરું. એક વખત ટચૂકડું વિમાન લઈને ઊડ્યા અને ઉપર આકાશમાં જ એન્જિન બંધ થઈ ગયું. તાકીદની પરિસ્થિતિ નિર્માણ થઈ અને આવી પરિસ્થિતિમાં માનસિક સંતુલન કે ધીરજ ન ગુમાવતાં રતન તાતાએ સાવ જ ટચૂકડા વિમાનના રનવેના બીજા છેડેથી ઇમર્જન્સી લૅન્ડિંગ તો કર્યું, પરંતુ સામેથી આવતા મસમોટા પૅસેન્જર પ્લેનને જોઈને પણ જરાય ડર્યા વિના આખરી ક્ષણે ડાબો વળાંક લઈને સલામતીપૂર્વક બચ્યા પણ હતા. બધાના જ જીવ અધ્ધર. આવા તો અનેક અપ્રચલિત કિસ્સાઓ આ પુસ્તક મમળાવે છે.

ચુંબકીય, સંમોહક વ્યક્તિત્વ.

ટૂંકમાં રતન તાતા એટલે સૌમ્ય, સુંદર, પ્રભાવશાળી, ધૈર્યવાન, આધુનિક વિચારસરણી ધરાવતા લાડીલા નાયક; જેઓ તેમનાં મૂલ્યો, સિદ્ધાંતો અને વિચારસરણીથી કાયમ માટે વિશ્વના કરોડો લોકોના હૃદયપટ પર અમર રહેશે એ નિ:શંક છે. ભારત ‘રતન’ને શત-શત વંદન, અગણિત સલામ.

mumbai news mumbai ratan tata tata group tata steel tata power tata motors columnists