23 March, 2025 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક્સ્પોર્ટ ઇમ્પોર્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એક્ઝિમ બૅન્ક)ના ૪૫ વર્ષના જનરલ મૅનેજરને સાઇબર ગઠિયા ૧.૩૫ કરોડમાં છેતરી ગયા હતા. છેતરપિંડીની આ ઘટના ૯ ડિસેમ્બર ૨૦૨૪થી લઈને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન બની હતી. હાલમાં જ આ સંદર્ભે સાઇબર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
સાઇબર પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી મહિલાને બે વૉટ્સઍપ ગ્રુપ ‘ક્વૉન્ટાસ AIS’ અને ‘એન્જલ વન’માં ઍડ કરવામાં આવી હતી. એ ગ્રુપમાં શૅરબજારને લગતી ટિપ આપવામાં આવતી હતી. થોડા દિવસ બાદ ગ્રુપ ઍડ્મિને તેને ફોન કરીને કહ્યું હતું કે જો તે તેમના થ્રૂ, તેમની ઍપ થ્રૂ શૅરબજારમાં રોકાણ કરશે તો તેને બહુ સારો ફાયદો થશે. એ પછી તેના સાથીદાર સર્વિસ એક્ઝિક્યુટિવે ફોન કરીને શૅરબજારમાં રોકાણ કરવા માટે તેમના બૅન્ક-અકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. એથી ધીમે-ધીમે મહિલાએ ૧.૩૫ કરોડ રૂપિયા એમાં રોક્યા હતા. તેને ઑનલાઇન દેખાતું હતું કે તેણે એ રકમ ઇન્વેસ્ટ કરી છે. એટલું જ નહીં, તેણે રોકેલા રૂપિયામાંથી કયા-કયા શૅર્સ ખરીદવામાં આવ્યા એ પણ દેખાતું હતું. ૬ ફેબ્રુઆરીએ તેને જાણ થઈ કે તેને ૬ કરોડનો ફાયદો થયો છે. એથી તેણે બન્ને ઍપના એક્ઝિક્યુટિવને ફોન કરીને જણાવ્યું કે તે તેની મૂળ ૧.૩૫ કરોડ રૂપિયાની રકમ કાઢવા માગે છે, પણ તેને તે લોકોએ બહાનાં આપી એ માટે ના પાડી દીધી હતી. વારંવાર માગણી કરવા છતાં જ્યારે તેમના દ્વારા એ રકમ પાછી ન મળી ત્યારે આખરે મહિલાએ સાઇબર-પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.