વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માનાં મમ્મી-પપ્પા સાથે વાત કરી મિડ-ડેએ

02 July, 2024 09:45 AM IST  |  Mumbai | Rohit Parikh

અંબે માની અસીમ કૃપાથી વરસો જૂનું સપનું સાકાર : મમ્મી; બોરીવલીની ગલીનો ખેલાડી આજે મહાન ક્રિકેટર બની ગયો : પપ્પા

રોહિત શર્માનાં મમ્મી-પપ્પા પૂર્ણિમા અને ગુરુનાથ શર્માએ ગઈ કાલે ​‘મિડ-ડે’ માટે આ સેલ્ફી પાડીને મોકલ્યો હતો.

T20 વર્લ્ડ કપ જીતવો એ અમારું વર્ષોજૂનું સપનું હતું જે રોહિત અને તેની ટીમની મહેનત અને માતાજીની અસીમ કૃપાથી પૂરું થયું છે. અમે આ ખુશીને શબ્દોથી બયાન કરી શકવા અસમર્થ છીએ.

આ શબ્દો છે ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માની ૬૪ વર્ષની મમ્મી પૂર્ણિમા શર્માના. પૂર્ણિમા શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કપ જીતવા માટે રોહિત અને તેની ટીમે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. રોહિતની અને મારી દિલથી ઇચ્છા હતી કે આ વખતે વર્લ્ડ કપ ભારતને મળે. એના માટે ઘણા સમયથી રોહિત અને તેની ટીમ ખૂબ જ મહેનત કરતી હતી. હું નાનપણથી અંબે માની ભક્ત છું. મને મા અંબે પર ખૂબ જ શ્રદ્ધા છે. મારા ઘરમાં અમે અંબે માતાની મૂર્તિ પધરાવી છે, જેમાં હું રોજ પૂજાપાઠ કરું છું. આથી એ લોકોની મહેનત સાથે હું ઘરમાં અંબે માની રોજ પૂજા કરતી હતી અને તેને કહેતી હતી કે હે અંબે મા, આ વખતે તું ખૂબ કૃપા કરજે કે રોહિતની ટીમનો સંઘર્ષ સફળ થાય અને ભારત વર્લ્ડ કપ જીતીને આવે. અમે માનતા નહોતી માની, પણ હૃદયના ઊંડાણથી માતાજીની ભક્તિ કરીને વર્લ્ડ કપ જીતીએ એવી માગ તેમની સમક્ષ જરૂર કરતાં હતાં.’

શનિવારે એક તબક્કે મૅચ ભારતના હાથમાંથી સરકી રહી હતી એમ જણાવતાં પૂર્ણિમા શર્માએ કહ્યું હતું કે ‘હું, રોહિતના પપ્પા અને મારી ત્રણ વર્ષની નાની પૌત્રી (રોહિતના નાના ભાઈની દીકરી) ત્રણેય ટેલિવિઝન પર મૅચ જોઈ રહ્યાં હતાં. હું સતત મનોમન માતાજીને પ્રાર્થના કરતી હતી કે કોઈ ચમત્કાર થાય અને બાજી પલટાઈ જાય. આમ પણ રોહિત T20માંથી નિવૃત્તિ લેવાની વાત કરતો હોવાથી આ વર્લ્ડ કપ જીતવો ખૂબ જ મહત્ત્વનો હતો. હવે શું થશે એને લઈને મગજમાં જાત-જાતના વિચારો આવતા હતા, એવામાં તેમની પાંચમી વિકેટ પડતાં રોહિતના પપ્પાએ કહ્યું કે હવે વર્લ્ડ કપ આપણા હાથમાં છે. આ સાંભળીને અમારા ઘરમાં બધાનું ટેન્શન થોડું હળવું થયું હતું. ત્યાર બાદ આપણા બોલરોએ કમાલ કરી. એ પળને હું શબ્દોથી વર્ણવી નહીં શકું, પણ એટલું જરૂર કહી શકું કે દીકરાની કૅપ્ટનશિપ હેઠળ વર્લ્ડ કપ જીતવાથી અમે હર્ષઘેલા થઈ ગયાં હતાં. ૨૦૦૭ની વર્લ્ડ કપની જીત અમારી નજર સમક્ષ આવી ગઈ હતી. ત્યારે રોહિત એ ટીમનો એક પ્લેયર હતો અને અત્યારે તેની કૅપ્ટનશિપમાં આપણે આ કપ જીત્યા છીએ. સેમી ફાઇનલમાં ભારતની ટીમનો પ્રવેશ થયો એ દિવસથી જ અમારાં રિલેટિવ્ઝ અને રોહિતના ફૅનના ફોન આવવાના શરૂ થઈ ગયા હતા. અમે સતત ફોન પર શુભેચ્છાઓ મેળવી રહ્યા હતા. સૌનાં પોતાનાં નસીબ હોય છે અને અત્યારે રોહિતનાં અને તેની ટીમનાં નસીબ જોર કરતાં હોવાથી ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ.’

રોહિત એક દિવસ મહાન ક્રિકેટર બનશે એવું અમે સપનામાં પણ ધાર્યું નહોતું. હું અત્યારે મારા દીકરા માટે પ્રાઉડ ફીલ કરી રહ્યો છું. રોહિતની આ બહુ મોટી ઉપલબ્ધિ છે. બોરીવલીની ગલીનો ક્રિકેટર આજે વિશ્વનો એક મહાન ક્રિકેટર બની ગયો છે એમ જણાવતાં રોહિતના ૭૦ વર્ષના પપ્પા ગુરુનાથ શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રોહિત નાનપણથી જ ક્રિકેટનો શોખીન હતો. બોરીવલીના ગોરાઈ વિસ્તારની ગલીઓમાં તેણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. પછી તે અમારા ઘરની સામે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા જતો હતો. અમારી સામે જ રોહિતનો કોચ પણ રહેતો હતો. રોહિતને કોઈ સારી સ્કૂલમાં ભણાવવાની અમારી કૅપેસિટી નહોતી, પરંતુ તેના કોચે રોહિતની ગેમ જોઈને તેને બોરીવલીની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ફ્રી શિપમાં ઍડ્મિશન અપાવી દીધું હતું. ધીમે-ધીમે રોહિત રણજી ટ્રોફી અને ત્યાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ સાથે રમતો થયો હતો. ૨૦૦૬માં તેને પહેલો મોકો મળ્યો હતો. ત્યાર પછી તેને ૨૦૦૭માં વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળ્યો અને તે આગળ વધતો ગયો. ત્યાર બાદ તેને શારીરિક પ્રૉબ્લેમ આવ્યો અને તે ૨૦૧૧નો વર્લ્ડ કપ રમી શક્યો નહોતો એ તેના માટે બહુ મોટો ઝટકો હતો. એમાંથી બહાર આવ્યા બાદ ૨૦૧૩ની સાલમાં મહેન્દ્ર ધોનીએ રોહિતને ઓપનિંગમાં રમવાનો મોકો આપ્યો અને ત્યારથી આજ દિવસ સુધી તે ઓપનિંગમાં રમે છે. અમારા માટે ગર્વની વાત છે કે ભારત ૨૦૦૭ અને ૨૦૨૪માં વર્લ્ડ કપ જીત્યું ત્યારે રોહિત ભારતીય ટીમનો હિસ્સો છે. તેના સિવાય ૨૦૦૭નો એક પણ પ્લેયર અત્યારે વર્લ્ડ કપમાં રમતો નથી.’

ભારતની જીતમાં કચ્છીઓના મોહનથાળે ભજવ્યો ભાગ

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતની ટીમની જીતમાં કચ્છીઓનું પણ આડકતરી રીતે પ્રદાન હોવાનું રોહિતનાં મમ્મી પૂર્ણિમા શર્માનું માનવું છે. તેઓ બોરીવલીમાં આવેલી બન્ઝારા નામની દુકાનના માલિક અનિલ ધરોડ પાસેથી દાદરમાં આવેલી કચ્છીઓના વર્ધમાન જૈન ગૃહઉદ્યોગમાં બનેલો મોહનથાળનો પ્રસાદ લઈ ગયાં હતાં જે તેમણે માતાજીને ચડાવીને ભારતની સફળતા માટે પ્રાર્થના કરી હતી. આ બાબતે અનિલ ધરોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂર્ણિમા શર્મા તેમના પુત્ર માટે ઘરમાં આસ્થાપૂર્વક માતાજીની ગૃહમંદિરમાં સવાર-સાંજ આરતી અને પૂજા ભક્તિભાવથી કરે છે, જે ખરેખર કાબિલેદાદ છે, અમે તેના સાક્ષીદાર છે. વર્લ્ડ કપ ફાઇનલના દિવસે તેઓ અમારા વર્ધમાન જૈન ગૃહઉદ્યોગમાં બનતો મોહનથાળ માતાજીને ભોગ ચડાવવા લઈ ગયાં હતાં. રાતે જેવી આપણી ટીમ વર્લ્ડ કપ જીતી એવો તેમણે અમને ફોન કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તમારી સંસ્થામાંથી લીધેલો મીઠાઈનો પ્રસાદ ફળ્યો અને મારો દીકરો ભારતને વર્લ્ડ કપ અપાવવામાં સફળ રહ્યો છે. ગઈ કાલે તેઓ અમારી દુકાનમાં મીઠાઈ લઈને તેમની ખુશી વ્યક્ત કરવા આવ્યાં હતાં જે અમારા માટે આનંદ અને ગૌરવની વાત છે.’

t20 world cup rohit sharma india indian cricket team borivali cricket news sports sports news mumbai mumbai news rohit parikh