03 May, 2022 08:29 AM IST | Mumbai | Shirish Vaktania
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળી અને સસલાંઓ
ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીએ પાંચમા માળે આવેલા તેના ઘરમાં સસલાં પાળ્યાં હતાં, પણ બેદરકારીને કારણે એક બચ્ચું પાંચમા માળેથી નીચે પટકાતાં એનું કરુણ મોત થયું હતું. તેના પાડોશીઓએ પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (પીટા) ઇન્ડિયાને જાણ કરી હતી. કાંબળીએ આ ઘટના પછી તમામ સસલાંનો હવાલો પીટા ઇન્ડિયાને સોંપી દીધો હતો. પીટા અત્યારે આ મામલાની તપાસ કરી રહી છે.
કાંબળીએ પીટા ઇન્ડિયાને લેખિતમાં જણાવ્યું છે કે તે આ પ્રાણીઓની સંભાળ સુનિશ્ચિત કરવા માટે અસમર્થ છે અને ફરી વખત તેમને પોતાની કસ્ટડીમાં ન રાખવાનું વચન આપે છે. એક બચ્ચા સહિત પાંચ સસલાં હાલ પીટા ઇન્ડિયા પાસે છે.
આ ઘટના ૨૨ એપ્રિલે બની હતી અને તેણે ૨૪ એપ્રિલે સસલાં પીટા ઇન્ડિયાને આપ્યાં હતાં. પીટા ઇન્ડિયાના હિરાજ લાલજાનીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ઘટના ૨૨ એપ્રિલે બાંદરા-વેસ્ટમાં આવેલા કાંબળીના પાંચમા માળના ફ્લૅટમાં બની હતી. અમને જાણવા મળ્યું હતું કે બાલ્કનીમાં છ સસલાં હતાં. એમાંથી એક નાનું બચ્ચું બાલ્કનીમાંથી પડી જતાં મૃત્યુ પામ્યું. હાઉસિંગ સોસાયટીના એક રહેવાસીએ અમારા વૉલન્ટિયર શશિકાંત પુરોહિતને આ વિશે જાણ કરી હતી.’
પીટા ઇન્ડિયાના ઇમર્જન્સી રિસ્પૉન્સ કો-ઑર્ડિનેટર શ્રીકુટ્ટી બેનેટે જણાવ્યું હતું કે ‘અમને જાણવા મળ્યું કે સસલાંની યોગ્ય કાળજી લેવાતી નહોતી. તેમને બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં પાંજરામાં રાખવામાં આવ્યાં હતાં. કેટલાંક સસલાંની તો રુવાંટી પણ જતી રહી હતી. કાંબળીએ કબૂલ્યું હતું કે તે એમનું ધ્યાન રાખવા અસમર્થ છે અને તેણે સસલાંનો હવાલો અમને સોંપતો પત્ર લખી આપ્યો.’
કાંબળીએ પત્રમાં લખ્યું હતું કે ‘હું સ્વૈચ્છિકપણે ચાર પુખ્ત સસલાં અને એક બચ્ચાની કસ્ટડી શ્રીકુટ્ટી બેનેટને સોંપું છું. હું સસલાંના પુનર્વસન માટે એમને પીટા ઇન્ડિયાને આપું છું. હું ખાતરી આપું છું કે મેં સ્વૈચ્છિકપણે પાંચેય સસલાંની માલિકીની સોંપણી ૨૪ એપ્રિલે પીટા ઇન્ડિયાને કરી છે.’
શ્રીકુટ્ટી બેનેટે ઉમેર્યું હતું કે ‘સસલાં સુંદર હોય છે, પણ તેઓ ઘણી સંભાળ માગી લે છે. એમના પર પૂરતું ધ્યાન આપવું, એમની વેટરિનરી સંભાળ લેવી અત્યંત જરૂરી છે. ઘણી વખત પેટ સ્ટોર્સમાંથી કે બ્રીડર્સ પાસેથી પ્રાણીઓ ખરીદવામાં આવે છે અને થોડા જ સમયમાં એમને ત્યજી દેવાય છે કે બાંધીને રખાય છે કે નાના પીંજરામાં કેદ કરી દેવાય છે. અમે સૌને પાલતુ પ્રાણીઓના વ્યાપારને ઉત્તેજન ન આપવા જણાવીએ છીએ.’