ટ્રાફિક-પોલીસ કરી રહી છે ટાર્ગેટ કિલિંગ

01 April, 2024 07:24 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈમાં ટ્રાફિકના દરેક પોલીસ-સ્ટેશનને દિવસમાં ઓછામાં ઓછી ૪૩૫ કાર્યવાહી કરીને પૂરો ફાઇન વસૂલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે

રસ્તાઓ પર સપાટો બોલાવતા ટ્રાફિક-પોલીસના જવાનો અને તેમને આપવામાં આવેલા ટાર્ગેટનો સર્ક્યુલર ( તસવીર: આશિષ રાજે, અનુરાગ અહિરે)

છેલ્લા એકાદ વર્ષથી ટ્રાફિક-પોલીસ મુંબઈમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોની પાછળ આદું ખાઈને પડી ગઈ હોવાથી રસ્તાનાં સિગ્નલો પર કે ખૂણેખાંચરે ઊભા રહીને કાયદાનું ઉલ્લંઘન કરતા લોકોને પકડતા આ ટ્રાફિક-કૉન્સ્ટેબલ કે અધિકારીઓ કર્તવ્યનિષ્ઠ બની ગયા હોવાનું લોકોને લાગી રહ્યું હશે, પણ હકીકત કંઈક અલગ જ હોવાનું છેક હવે બહાર આવ્યું છે.

ગયા વર્ષના મે મહિનામાં જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક)એ એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં તેમણે દરેક ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP, ટ્રાફિક), અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP, ટ્રાફિક), ટ્રાફિક પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરને નિયમોનો ભંગ કરનારાઓ વિરુદ્ધ કેવી કાર્યવાહી કરવી એ વિગતવાર જણાવ્યું હતું. જોકે એમાં ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે તેમણે દરેક પોલીસ-સ્ટેશનને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોની ખિલાફ રોજેરોજ કેટલી કાર્યવાહી કરવી એનો ટાર્ગેટ પણ આપ્યો હતો. એ સમયે એકાદ મહિના સુધી આ કાર્યવાહી જોરશોરમાં ચાલી હતી, પણ પછી બધું રાબેતા મુજબ થઈ ગયું હતું.

જોકે ગયા ગુરુવારે ફરી એક વાર ગયા વર્ષના મે મહિનાના પરિપત્રનો હવાલો આપીને ACP, ટ્રાફિક (હેડક્વાર્ટર) તરફથી દરેકેદરેક પોલીસ-સ્ટેશનને એનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. ટૂંકમાં, બધાને ટાર્ગેટ પૂરો કરવાનું કહેવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આ પરિપત્રમાં જે લખવામાં આવ્યું છે એ દરેક પોલીસ-સ્ટેશને પોતાના અધિકારીઓને રોજ વાંચીને સંભળાવવાનું કહેવામાં આવ્યું છે જેથી તેઓ એને યાદ રાખીને કાર્યવાહી કરે.

જોકે ટ્રાફિક-પોલીસ આ હદે પ્રેશર આપનારા આ આદેશથી નારાજ છે. તેમનું કહેવું છે કે આ રીતે ટાર્ગેટ આપવો યોગ્ય ન કહેવાય, અમુક વખતે અમે ટાર્ગેટ પૂરો કરવા માટે છુપાઈને વાહનચાલકોને પકડીએ છીએ.

બીજા બધા આદેશની સાથે રૉન્ગ સાઇડમાં વાહન ચલાવતા વાહનચાલકો સામે ફોજદારી ગુનો દાખલ કરીને દંડની સંપૂર્ણ રકમ વસૂલ કરવા ઉપરાંત ડ્રાઇવરનું લાઇસન્સ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી કરતી વખતે બૉડી-કૅમેરાનો ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

આ ઑર્ડર પર સાઇન કરનાર ACP અનિલ ચિત્તરવાડનો ‘મિડ-ડે’એ સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘આવો કોઈ ઑર્ડર બહાર પાડવામાં આવ્યો નથી. જે લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની સામે અમે કાર્યવાહી કરીએ છીએ. આમાં કોઈ પ્રકારનો ટાર્ગેટ આપવામાં આવતો નથી.’ તેમને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તમારો સાઇન કરેલો ઑર્ડર અમારી પાસે છે ત્યારે તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.

આ રહ્યો રોજેરોજનો ટાર્ગેટ
૧૦૦ : હેલ્મેટ વગર ટૂ-વ્હીલર ચલાવતા આટલા વાહનચાલકોને દંડ કરવો
૫૦ : સિગ્નલ તોડનારા આટલા વાહનચાલકોને દંડ કરવો
૫૦ : ‌સીટ-બેલ્ટ વગર ફોર-વ્હીલર ચલાવતા આટલા વાહનચાલકોને દંડ કરવો
૫૦ : રૉન્ગ-સાઇડ વાહન ચલાવતા આટલા વાહનચાલકોને દંડ કરવો 
૭૫ : રસ્તાના કૉર્નર પર પાર્કિંગ કરતા આટલા વાહનચાલકોને દંડ કરવો
૫૦ : ડબલ પાર્કિંગ કરતાં આટલાં વાહનોને દંડ કરવો 
૨૦ : આટલાં ફોર-વ્હીલરને ટો કરીને પૂરેપૂરો દંડ વસૂલ કરવો 
૪૦: આટલાં ટૂ-વ્હીલર ટો કરીને પૂરેપૂરો દંડ વસૂલ કરવો

mumbai news mumbai mumbai traffic police mumbai traffic mumbai police