એ જ રામાયણ: ચોમાસામાં મુંબઈ-અમદાવાદ હાઇવે ફરી એક વાર પાણી-પાણી થવાની શક્યતા

02 June, 2024 08:12 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

હાઇવે પર સિમેન્ટ-કૉન્ક્રીટીકરણના કામને લીધે રસ્તાઓની હાલત બિસમાર છે ત્યારે નાળાંની સફાઈનું હજી ઠેકાણું ન હોવાથી રસ્તા પર વરસાદનું પાણી ભરાવાની ભારોભાર શક્યતા

હાઇવે પરની ગટરોની સફાઈનું ઠેકાણું નથી ત્યાં વિવિધ જગ્યાએ ગટરોમાં માટી ભરાઈ ગઈ છે એટલે પાણી આવવા-જવાનો માર્ગ બંધ થવાને કારણે આ વર્ષના વરસાદમાં હાઇવે પર ફરીથી પાણી ભરાઈ જવાની ચિંતા સેવાઈ રહી છે.

ચોમાસાની શરૂઆત થવાની છે છતાં અતિ વ્યસ્ત રહેતા મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પરનું પાણી જતાં નાળાંની સફાઈના કામનું હજી ઠેકાણું નથી. મે મહિનો પૂરો થયો હોવા છતાં મહત્ત્વનાં નાળાંની સફાઈ થઈ નથી. હાઇવે ઑથોરિટી આ બાબતે ગંભીરતા દાખવી રહી ન હોવાથી આ વર્ષે હાઇવે ફરી પાણીમાં જશે એવી શક્યતાને કારણે લોકોએ ચિંતામાં મુકાઈ ગયા છે.
ગયા વર્ષે હાઇવે પર વર્સોવા બ્રિજથી સસુપાડા, સસુનવઘર, માલજીપાડા ફ્લાયઓવર, રેલવે બ્રિજ વિસ્તાર ​​સહિતના સ્થળોએ વરસાદનું પાણી જમા થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને ભારે મુશ્કેલીમાં લોકોએ અવરજવર કરવી પડી હતી. આ ઉપરાંત ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાય છે ત્યારે ચિંચોટી હાઇવેના ટ્રાફિકને નિયંત્રિત કરવામાં ટ્રાફિક-પોલીસને મુશ્કેલી પડે છે. આ વર્ષે આવી કોઈ સમસ્યા ઊભી ન થાય એ માટે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનરે મુખ્યાલયમાં એક બેઠક યોજી હતી અને સૂચન કર્યું હતું કે હાઇવેની બાજુમાં માટીનો ભરાવો દૂર કરવો અને ભરાઈ ગયેલી ગટરોને સાફ કરવી.

આ માટે હાઇવે ઑથોરિટીના મૅનેજરને લેખિત રજૂઆત કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. ચોમાસાની સીઝન થોડા દિવસમાં શરૂ થવાની છે, પરંતુ હજી પણ વર્સોવા બ્રિજથી વિરારફાટા સુધીની ઘણી જગ્યાએ નાળાંની સફાઈ કરવામાં આવી નથી. એથી આ વર્ષે પણ હાઇવે પર પાણી ભરાઈને તળાવ જેવાં દૃશ્યો જોવા મળવાની સાથે જનજીવન ખોરવાઈ જશે એવી ચિંતા સેવાઈ રહી છે. ચિંચોટી હાઇવેના ચીફ સબ-ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ ચિંતામ​ણિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હાઇવે પરની ગટરોની હાલની સ્થિતિ બાબતે ઑથોરિટીનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને તેમણે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ.

શું છે સમસ્યાઓ?
૧. હોટેલ ન્યુ કાઠિયાવાડ, જૂની ગાડીઓનું કોહિનૂર ગોડાઉન અને દાવત હોટેલની સામે આવેલું કુદરતી નાળું માટી ભરાવાને કારણે બંધ થયું છે. એથી પાણી કાઢવામાં મુશ્કેલી પડશે અને હાઇવે પર પાણી ભરાશે.
૨. મટકા મટન નામની હોટેલ પાસે મુંબઈ બાજુએ ડુંગરના ઢોળાવ પરથી આવતા વરસાદી પાણીનો નિકાલ કરવામાં મુશ્કેલીઓ થશે. 
૩. રેલવે બ્રિજ પાસે વરસાદી પાણી પસાર થતાં નાળાં સંપૂર્ણપણે બંધ થઈ ગયાં છે. આ ઉપરાંત જે જગ્યાએ નાળામાંથી ખાડી માર્ગથી પ્રવેશે છે ત્યાં માટી ભરાઈ જવાથી રસ્તો સાંકડો થઈ ગયો છે. જુલાઈ ૨૦૨૩માં હાઇવે પર ખાડીનું પાણી રસ્તા પર આવી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

કૉન્ક્રીટીકરણના કામની અસર
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ગુજરાત જતી લેનની કામગીરી નૅશનલ ઑથોરિટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે આ કામ માટે જોઈએ એવી સ્પીડ જોવા મળતી નથી. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ચોમાસામાં વાહન ચલાવનારાઓએ ટ્રાફિક જૅમનો સામનો કરવો પડે એવી પણ શક્યતા છે. આ ઉપરાંત રસ્તાની સાઇડ પર માટીના ભરાવાને કારણે અને એમાં બાઇકો અટવાઈ જતી હોવાથી વરસાદની સીઝનમાં આ કામનું યોગ્ય નિયોજન કરવું પણ જરૂરી હોવાનું મોટરિસ્ટોનું કહેવું છે.

કામ જલદી પૂરું થશે 
નૅશનલ હાઇવે ઑથોરિટીના પ્રોજેક્ટ-ડિરેક્ટર સુહાસ ચિટણીસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં કામ ચાલુ કરવામાં આવ્યું છે અને હજી દસેક દિવસ હાથમાં હોવાથી એ સમયમાં પૂરું થઈ જશે. હાઇવે પર નાનાં-મોટાં ૨૫૦ જેટલાં નાળાં આવેલાં છે.’

mumbai news mumbai ahmedabad monsoon news mumbai monsoon national highway